
માગશર વદ એકાદશી એટલે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટય દિન. સંવત્ ૧૮૫૮માં ફરેણી ગામે રામાનંદ સ્વામીના ચૌદમાને દિવસે મોટી સભા ભરાઈ હતી અને એમાં ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું હતું કે, “આજ દિન સુધી તમે અલગ અલગ મંત્રથી ભગવાનની આરાધના કરતા હતા, પરંતુ આજથી બધાય ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરજો.”
આ રીતે ભગવાને પોતે પોતાના “સ્વામિનારાયણ” નામનો પ્રકાશ કર્યો, મહિમા કહ્યો. બધાને એ નામ રટવાનો આદેશ કર્યો અને સૌપ્રથમ વખત સ્વામિનારાયણ નામની ધૂન બોલાવી. એ ધૂન સાંભળીને સભામાંના કેટલાક ભક્તોને સમાધિ થઈ અને અક્ષરધામમાં ગયા. ઝરણા-પરણાના સાધુ શીતળદાસ પણ એ સભામાં હતા. તેમણે આ ચમત્કાર જોયો તેથી તેઓ ભગવાન શ્રીસ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય કરીને સદ્.વ્યાપકાનંદ સ્વામી થયા.
ભગવાન શ્રીહરિએ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ રટણ કરાવ્યું, ભજન કરાવ્યું. એ નામનું ભજન કરાવી કાંઈકનાં કારણશરીર બાળ્યાં, પાપ બાળ્યાં અને અક્ષરધામમાં પહોંચાડયા. ભગવાને દયા કરીને આજ્ઞા કરી તે દિવસથી આરંભીને આપણે બધા ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરીએ છીએ. આપણે ભાગ્યશાળી છીએ કે, આપણે ભગવાને પોતે આપેલો મંત્ર જપીએ છીએ.
આ ‘સ્વામિનારાયણ’ મંત્ર કોઈ ગુરુ પાસેથી લેવાનો હોતો નથી. કેમ કે, સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંત્ર આપણને જપવા માટે આપેલો છે. આ મંત્ર જપવામાં બીજો કોઈ વિધિ કરવાનો હોતો નથી. અતિશય સુગમતાથી સહેજે સહેજે સર્વ કાળમાં જપી શકીએ; એવો આ મહામંત્ર છે.
બહુ મોટાં ભાગ્ય સમજીને એનું જેટલું રટણ, સ્મરણ, ભજન થાય એટલું કરી લેવું. હાથમાં કાઉન્ટીંગ મશીન હોય કે ન હોય, પણ મનમાં મનમાં સ્મરણ કરીએ, જીભથી સ્મરણ કરીએ તોપણ ચાલે. આજ ઘણા સંતો-ભક્તો એવા છે કે, તેના હાથમાં ન માળા હોય, ન કાઉન્ટીંગ મશીન હોય, પણ એના મુખમાં સ્વામિનારાયણ મંત્રનો જપ અને મનમાં મહારાજનું સ્મરણ ચાલુ ને ચાલુ જ હોય. આપણે જ્યાં સુધી એટલી ઉચ્ચતમ સ્થિતિએ પહોંચ્યા ન હોઈએ ત્યાં સુધી માળા કે જપયંત્રનો આધાર લઈને ભગવાન શ્રીહરિનો જપ કરીએ, તોપણ બહુ મોટી વાત કહેવાય.
માટે જેટલું વધે એટલું ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન વધારવું. એને માટે એનો મહિમા જાણવો બહુ જરૂરી છે. જો મહિમા હશે તો સ્મરણ કરવાનો ઉત્સાહ રહેશે, શ્રદ્ધા રહેશે અને પ્રેમથી સ્મરણ થશે. ભગવાનનો મહિમા જાણતા હોઈએ અને મહિમાપૂર્વક નામસ્મરણ થાય, તો ઘણી શાંતિ થાય, ઘણું બધું ફળ મળે અને ભગવાનની નજીક જઈ શકીએ.
જે ચીજનું માહાત્મ્ય હોય એ ચીજ આપણાથી સહેજે સહેજે જ થતી હોય છે. મહિમા ન હોય તો પરાણે કરવું પડે, કોઈકના આદેશથી કરવું પડે. કરવું પડે એના કરતાં આપણે પોતે જ દિલથી આનંદથી કરીએ; એ બાબત અલગ છે.
નાનો બાળક હોય એને પરાણે સ્કૂલે મોકલવો પડે છે, પરંતુ જ્યારે એને ભણવાનો મહિમા થઈ જાય છે ત્યારે એ પોતે જ સારી રીતે અભ્યાસ કરે છે, સમય બગાડતો નથી; પણ જ્યાં સુધી એને ભણવાનું માહાત્મ્ય ન સમજાય ત્યાં સુધી એના વાલીઓએ પરાણે સમજાવી-પટાવીને ભણાવવો પડે છે. એવી રીતે આપણા વાલી એવા ભગવાનના સંતો-ભક્તો જ્યાં સુધી આપણને ‘સ્વામિનારાયણ’ નામનું માહાત્મ્ય ન હોય ત્યાં સુધી સમજાવીને, આજ્ઞાથી કે ભજનયાગ જેવા કાર્યક્રમો રાખીને ભગવાનનું સ્મરણ કરાવી ભગવાનમાં જોડે છે; પણ જે દિવસે આપણને પોતાને સમજણ પડી જશે કે, આમાં તો મોટો લાભ છે અને આ જ કરવા જેવું છે, ત્યારે કોઈ કહે કે ન કહે, ભજનયાગ હોય કે ન હોય, ધનુર્માસ હોય કે ન હોય, ‘સ્મરણ વર્ષ’ નામ રાખ્યું હોય કે ન રાખ્યું હોય; આપણે પોતે જ પોતાની રીતે મોટો મહિમા સમજીને, અખંડ પ્રભુપરાયણ રહેવા લાગીશું !
જેણે જેણે હરિનામ સંકીર્તનનો રસ ચાખ્યો છે અને જેને એમાં મજા આવી ગઈ છે, એ લોકો કોઈના રોક્યા રોકાયા નથી અને અખંડ સ્મરણ કરી પરમાત્મામય બની ગયા છે; આપણે પણ એ જ માર્ગના પથિક છીએ, માટે ભગવાનના સ્મરણમાં ક્યારેય આળસ, કચાશ કે ગાફલાઈ રાખવી ન જોઈએ.
ભગવાને પોતે પોતાના શ્રીમુખે સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કહ્યો છે, તે શ્રીહરિલીલામૃત ગ્રંથમાં આ રીતે લખાયો છે.
જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે...
‘સ્વામિનારાયણ...સ્વામિનારાયણ’ સ્મરણ કર્યાનું ઘણું માહાત્મ્ય છે. પહેલાં તો ભગવાન સ્વામિનારાયણે એ આશીર્વાદ આપ્યો કે,‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ સ્મરણ કરશે તો આ મંત્રનું સ્મરણ એનાં બધાં પાપ બાળી દેશે. આપણાથી આખા દિવસમાં નાનાં મોટાં ઘણાં પાપ થાય છે. મન, કર્મ, વચને કેટલીક ભૂલો થાય છે. કેટલુંક સાચું-ખોટું ચિંતવાઈ જાય છે; જેમાં ક્યાંક સ્થૂળ તો ક્યાંક માનસિક પાપ આપણને લાગતાં હોય છે, માટે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ જપ કરીએ તો એ બધાં પાપ બળી જાય છે.
છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક.
ભગવાને એમ કહ્યું કે, શ્રુતિમાં મારાં અનેક નામો છે, પણ આજ ઘોર કળિકાળમાં સર્વથી શ્રેષ્ઠ, સર્વોપરી મંત્ર જો કોઈ હોય તો એ છે, ‘સ્વામિનારાયણ !’ સ્વામિનારાયણ ભગવાને કેટલી બધી કૃપા કરી !! કોઈની પાસેથી મંત્ર માંગવાનો નહિ ! નાહી-ધોઈને પવિત્ર થઈને, દક્ષિણા લઈને જઈએ અને પછી કાનમાં ‘સ્વામિનારાયણ’ કહે પછી જ જપાય એવું પણ નહીં. સાવ સરળ અને મફત ! માટે આળસ-પ્રમાદ છોડીને ભગવાનનું નામ-સ્મરણ કરવા મંડી પડવું. તેનાથી જે લાભ થાય છે તે બીજા કોઈ સાધનથી થતો નથી, માટે સહુ સ્મરણ કરવા મંડી પડો.