ભગવદ્ધામમાં સોય લઈ જશો ?

ભગવદ્ધામમાં સોય લઈ જશો ?

એક શેઠ હતા. તેમની પાસે લાખો રૂપિયા હતા, મોટી હવેલી, ઘણી મિલકત અને નોકર-ચાકર પણ હતા; પરંતુ લોભી એવા હતા કે ફાટેલા જોડા પહેરે. કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યમાં કે મંદિરમાં ભગવાન કે સાધુ-સંતો માટે પણ ક્યારેય પૈસો વાપરે નહીં.

તેમના એક મિત્ર દરજી હતા. એક દી તેમને તાવ આવ્યો ને ભગવાનના ધામમાં ગયા. થોડા વખત પછી શેઠ માંદા પડયા અને દેહ ન રહે તેવું થઈ ગયું. તેમના મિત્ર દરજીનો પંદર વરસનો દીકરો તે શેઠની ખબર કાઢવા આવ્યો. ત્યારે શેઠે કહ્યું, “બેટા, હવે મારો દેહ રહે તેમ નથી. ભગવાનના ધામમાં જવાનું થયું.”

છોકરો બહુ હોશિયાર હતો, તેણે શેઠની મનોદશા જાણીને કહ્યું, “મારા બાપા કહેતા હતા કે ‘ધામમાં ભગવાનના વાઘા સીવવા છે,’ પણ તેઓ સોય સાથે લઈ જવાનું ભૂલી ગયા છે, તમે હવે ભગવાનના ધામમાં જવાના છો, તો તમે તે સોય ત્યાં લઈ જશો ને તેમને આપી દેશો ?” શેઠે કહ્યું, “ભલે લઈ જાઉં, તેમાં શું.”

પછી તે છોકરો સોય આપીને જતો રહ્યો. શેઠ વિચારવા લાગ્યા કે ‘આ સોય કેડિયાની ખાલમાં ઘાલું.’ પછી વિચાર થયો કે ‘મર્યા પછી કેડિયું તો સાથે આવવાનું નથી.’ પછી એમ થયું કે ‘મોઢામાં ગાલના ગલોફામાં મૂકું.’ પછી વળી વિચાર થયો કે ‘આ દેહ પણ સાથે નહિ આવે. માટે હવે સોય કેવી રીતે લઈ જવી ?’

શેઠ મૂંઝવણમાં પડયા અને દરજીના છોકરાને પાછો બોલાવ્યો અને કહ્યું, “ભાઈ, આ તારી સોય ઘેર પાછી લઈ જા, તે ભગવાનના ધામમાં લઈ જવાશે નહીં.’” છોકરાએ કહ્યું, “તમે તમારા લાખો રૂપિયા અને મિલકત ભગવાનના ધામમાં લઈ જવાના છો, તો મારી એક સોય નહિ લઈ જાવ ?”

તે સાંભળીને શેઠની આંખ ઊઘડી ગઈ. તેમને જ્ઞાન થયું કે “માળું, મરીએ ત્યારે કશું સાથે લઈ જવાતું નથી.” તેમણે પરમાત્માને પ્રાર્થના કરી કે ‘મને જો બેઠો કરો તો પુણ્યદાન કરું.’ તેઓ ભગવાનની ચ્છાથી સાજા થઈ ગયા. પછી તેમણે મંદિર બંધાવ્યું, સાધુ અને બ્રાહ્મણોને જમાડયા અને દાન-પુણ્ય કર્યું.

વહાલા ભક્તો, આપણને એમ થાય કે મને આવું શેઠ જેવું અજ્ઞાન થોડું હોય ? પરંતુ જીવનનિર્વાહ થાય તેટલું કે તેથી વધુ ધન, સંપત્તિ વગેરે હોવા છતાં, વધુ મેળવવાનાં પ્રયત્નો કે ચ્છા થતી હોય તો જાણવું કે શેઠ જેવું કે કાંઈક બીજું અજ્ઞાન તો છે જ; માટે પ્રહ્લાદજી તો બાળપણમાં જ કહેતા કે,

મરી જાવું સહુને મૂરખો, શીદ ચઢો છો બીજે નોર;
ભજો શ્રીભગવાનને, તજો બીજો શોર બકોર.

(ધીરજાખ્યાન ૬/૭)

વળી, મોહાંધ બનેલા શેઠની તો છોકરાએ આંખ ઉઘાડી, તે તેમનું ભલું થયું. આ સંસારમાં ભલભલા મોહ પામ્યા છે, માટે આપણે જ્યારે મોહાંધ બન્યા હોઈએ ત્યારે આંખ ઉઘાડે એવા કોઈ સાચા અને સુજ્ઞ સંત-ભક્ત સાથે સાચું દિલનું હેત રાખ્યું હશે તો તેઓ આંખ ઉઘાડશે. એટલે જ સદ્.ગુણાતીતાનંદ સ્વામીએ કહેલ છે કે, બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય.