મહારાજે પોતાના આશ્રિતોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે, વચનામૃતમાં અનેક વાર ભક્તનાં લક્ષણો દર્શાવતી વાતો કરી છે. વર્તમાનકાળમાં પણ આપણને મળેલા સંતો આવો જ દાખડો કરી રહ્યા છે. “ભગવાનનો ભક્ત હોય તે પોતાને દેહરૂપ સમજે જ નહિ. ભગવાનનો ભક્ત હોય તેની વૃત્તિ ભગવાન સિવાય બીજે જાય જ નહિ ભગવાનના ભક્ત તો બ્રહ્મની મૂર્તિ જ છે...” એવાં કઠિન લક્ષણો નહિ, પરંતુ ભગવાન અને સંતોની કૃપાથી થોડા દાખડે પ્રાપ્ત કરી શકાય, તેવાં અનેક લક્ષણો પૈકી થાલીપૂરક ન્યાયે, જૂજમાં, આપણે ક્યાં ઊભા છીએ ? એની ચકાસણી કરીએ.
- જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં.(કારિ.૯) ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહિ, તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય.(મ.૬૦) પોતામાં દોષ હોય તેને દેખે નહિ અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય, એ જ એને અતિશય મોટું વિઘ્ન છે.(અં.૮)
શું મારે ભાગીદારી, લગ્નવ્યવહાર, લેણદેણ કે કોઈ પણ કારણસર ભક્ત ઉપર રીસની આંટી બંધાઈ જાય છે ? એમનાથી મન નોખું પડી જાય છે ?
- “જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તોપણ થાય નહીં; માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે અમને વહાલા છે - એ અમારા અંતરનું રહસ્ય છે.”(મ.૫૦) જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મીનડિયો ભક્ત છે; અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં.(મ.૫૭) જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકનાં જે ભોગ-સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યાં જોઈએ અને મન-કર્મ-વચને કરીને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે જ દૃઢ પ્રીતિ કરી જોઈએ.(વડ.૧૯) જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહીં.(અં.૨૨) “ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ - એ ચાર વાનાંમાં કાચ્યપ હોય ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તોપણ એની ભક્તિનો વિશ્વાસ નહિ, એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે.(અં.૨૮)
શું મારે જગતના સુખની વાસના છે ? એ સુખ કાકવિષ્ટા જેવાં મનાય છે ભગવાન સિવાય મારે બીજું શું શું અધિક છે ? મને સ્ત્રી, ધન વગેરેમાં ખેંચાણ રહે છે ? જો રહેતું હોય તો મારી ભક્તિનો ભગવાનને વિશ્વાસ નથી, એની ખબર છે ?
- ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારનાં દુ:ખ આવે છે તે દુ:ખનાં દેનારાં કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુ:ખને પ્રેરે છે.(મ.૬૨) મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તોપણ તે દુ:ખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય.(વડ.૫) પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે વસ્ત્ર ન મળે ત્યાદિક ગમે એટલું દુ:ખ અથવા સુખ તે આવી પડે તોપણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોળો ન પડે, રતિવા સરસ થાય; તેને ખરો હરિભક્ત કહીએ.(અં.૨૫) “ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને શૂળીએ ચઢાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે, “આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મૂકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે એને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે.”(અં.૨૮) જે એમ જાણે જે, “એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા જ નહિ, અને એમ જાણે જે “ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી; એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તોપણ એ અમને ગમે છે.”(પ્ર.૩૭)
શું મને દુ:ખ આવે ત્યારે ટાણા ઉપર આ પ્રમાણેની સમજણ રહે છે કે ચૂંથાઈ જાય છે ? કોઈ વ્યક્તિએ આમ કર્યું એમ થઈ જાય છે ?
- “અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય.”(પ્ર.૩૭)
હું સેવા તો દશ માણસ જેટલી કરું છું પણ નિર્માનીપણે, દાસપણે, કૃતજ્ઞતાપૂર્વક, ઋણીભાવથી, અંતરમાં પરમેશ્વરની ભક્તિ સહિત સેવા નહિ કરું તો ભગવાનને મારા ઉપર હેત નહિ થાય. શું મારા અંતરમાં એવા ભાવ રહે છે કે બીજું જ કાંઈક ઊછાળા માર્યા કરે છે ?
- જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે.(પ્ર.૩૪)
શું હું માયિક પદાર્થોને દોષરૂપ સમજું છું ? ભગવાનને જ સુખમય સમજું છું ?
- ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે.(પ્ર.૩૨) ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. અને તેને તો એ જ ફકર રહે છે જે, “મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે.”(પ્ર.૪૯)
શું હું ભગવાનના સ્વરૂપમાં વિરામ કરું છું ? મારી વૃત્તિ ભગવાન વિના બીજે રહે છે શું મને જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે ?
- “મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ-ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે, માટે મારું મોટું ભાગ્ય છે.” એવો વિચાર નથી કરતો ને આઠોપહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે.”(પ્ર.૨૪) જે ભક્ત એમ સમજે જે, “આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે, અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે. એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે.”(પ્ર.૭૮)
શું હું ચોવીસે કલાક આનંદના મહાસાગરમાં ઝીલતો રહું છું ? જો ઉદ્વેગ મટતો જ નથી, તો હું કઈ સમજણથી સત્સંગ કરું છું ?
વહાલા ભક્તો, આ રીતે પોતાની જાતને તપાસતા રહીશું અને સુધારો કરવા માટે થોડો પણ પુરુષ પ્રયત્ન કરીશું, ભગવાન અને સંતોને કાલીઘેલી પ્રાર્થના કરતા રહીશું, તો આપણને જે મળ્યા છે તે જ આપણા કાલાવાલા જોઈને, કરુણા કરી આપણને શુદ્ધ કરી જ દેશે; એવો અટળ વિશ્વાસ રાખી આજથી જ મંડાઈ પડીએ.