બ્રહ્મરૂપ બનવાના સૌથી સફળ ઉપાય કયા ?

બ્રહ્મરૂપ બનવાના મુખ્ય ત્રણ ઉપાય છે :

  1. આપણે દેહરૂપ નથી છતાં તે મનાઈ ગયું છે, તે દેહના ભાવોને ખોટા કરવા.
  2. આપણે પોતે જે છીએ તે આત્મસ્વરૂપ બ્રહ્મસ્વરૂપનું આક્રમક થઈને ખૂબ જ મનન-ચિંતન કરવું.
  3. આપણા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મસ્વરૂપમાં પરબ્રહ્મને ધારી, તેમની મહિમાએ સહિત ભક્તિ-ઉપાસના કરવી.

અનંત જન્મોથી દેહને હું માની દેહરૂપે વર્તવાની આપણને કુટેવ પડી ગઈ છે. તેને સુધારવા માટે દેહનાં અંગો-અંગને ખોટાં કરવાં. અર્થાત્ આવાં વિકારી અને નાશવંત અંગો-અવિકારી અને અવિનાશી એવા મારે આત્માને હોય જ નહીં; એમ અભ્યાસ કરીને તેનાથી છૂટા પડવું. આ અભ્યાસની વિગત વાલા મહારાજે વેદરસ ગ્રંથમાં આ રીતે શીખવાડી છે - પોતાના દેહને નખશિખાપર્યંત ચિંતવન કરીને અંગઅંગને ખોટાં કરે ને પોતાને દ્રષ્ટા (તે અંગનો જોનાર-અનુભવનાર આત્મા) માને. અને (તે અંગોને કેવી રીતેખોટાં કરે? તો,) વિચાર કરવામાં નેત્રને વિચારે ત્યારે (આ આંખો હું નથી એમ) નેત્રને ખોટાં કરે, અને મુખને વિચારે ત્યારે મુખને ખોટું કરે, હાથનો વિચાર કરે ત્યારે હાથનેખોટા કરે, પગનો વિચાર કરે ત્યારે પગને ખોટા કરે; (આમ) આત્માને વિષે અથાર્થ પોતાને વિષે પોતાપણું માને અને આ દેહને ખોટો માને.

જેમ કોઈને દિશાભ્રમ થઈ ગયો હોય તે ઉગમણાને આથમણું માને. પછી જ્યારે સાચું સમજાય ત્યારે તેને મનમાં વહેમ પડતો હોવા છતાં પોતેજ એવું મનન કરેકે, ‘અત્યાર સુધી મને જે લાગતું હતું તે ખોટું હતું અને હવે જે મનાય છે તે જ સાચું છે.’ આમ વારંવાર ખોટી માન્યતાનો નિષેધ અને સાચીનો અભ્યાસ કરવાથી ભ્રમ ટળી જાય અને સાચી વાત સ્વીકારાઈ જાય છે. તેમ જ દેહમાં હુંપણુ કે મારાપણું સહજ મનાતું હોવા છતાં એક-એક અંગને ખોટા કરતા રહેવાથી અને આત્મસ્વરૂપનો સ્વીકાર કરતા રહેવાથી ધીરે-ધીરે દેહભાવ ટળે છે અને આત્મભાવ વધે છે.

આત્મનિષ્ઠા કેળવવાનો એનાથી સારો બીજો ઉપાય એ છે જે, આપણે આત્મા પોતે જેવા છીએ તેનું વધુમાં વધુ મનન-ચિંતન, રીપીટેશન કે વિજ્યુલાઈઝેશન કરતા રહેવું.

જેમ કે, હું તો નિર્ગુણ, નિરાકાર છું, તેજરૂપ છું, આખા શરીરમાં વ્યાપીને રહેલ ચેતન આત્મા છું. સ્ત્રી- પુરુષ કે નાત-જાતના ભાવ રહિત એકરસ ચૈતન્ય બ્રહ્મ છું. મારામાં સદા સાકાર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. સવારે જાગીને તરત આત્મભાવ ચિંતવવો. ન્હાતાં- ધોતાં, ખાતાં-પીતાં કે સૂતાં-બેસતાં વારંવાર એમ વિચારવું કે, હું તો આ બધી ક્રિયાઓથી પર નિરાકાર આત્મા છું. આમ ચોવીસ કલાક દરમિયાન જેટલું થઈ શકે તેટલું વધુમાં વધુ આત્મસ્વરૂપનું અનુસંધાન રાખવાથી બ્રહ્મરૂપ બનાય છે.

જો આપણે આત્મનિષ્ઠાના અભ્યાસમાં હજુ વધુસ્પીડ લાવવી હોય તો આત્મનિષ્ઠાનો ત્રીજો ઉપાય પણ કેળવવો જરૂરી છે.

  • હું આત્મા કે અક્ષરધામ છું, આવું મનનચિંતન કરતી વખતે જો પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીહરિના મહિમાનો વિચાર એમાં ઉમેરી દઈએ, આત્મચિંતનમાં
  • પરમાત્માની ભક્તિ-ઉપાસના ભેળવી દઈએ, તો આત્મનિષ્ઠા કેળવવામાં અનેકગણી સ્પીડ વધી જાય છે. કેમ જે, આત્માની શક્તિ કરતા પરમાત્માની શક્તિ અનંતગણી વધુછે. માટે સર્વોપરી શ્રીહરિના સર્વોપરી પ્રતાપને વિચારીને આત્મારૂપે રહી પરમાત્માનું ધ્યાન ભજન કરીએ, તો તત્કાળ બ્રહ્મરૂપ બનાય છે. એટલે જ આત્મનિષ્ઠા કેળવવાના ઉપાયમાં આપણા ઇષ્ટદેવ આવું કહેછે -

શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં,’ એમ વિગતિ થતી નથી; એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે, પણ ઇષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતાં નથી.

કોઈ એવું માને કે, ‘હું આત્મનિષ્ઠા પહેલાં કેળવી લઉં પછી ભગવાનની ભક્તિ કરીશ,’ તો એ અશકય છે. માટે આત્મનિષ્ઠાની સાથોસાથ ભગવદ્ભક્તિ અને ભક્તિની સાથેસાથે આત્મચિંતન કરવું જરૂરી છે. જ્યારે પ્રભુની પૂજા, માનસીપૂજા કે ધ્યાન-ભજન કરવા લાગીએ, ત્યારે તો ખાસ આત્મભાવને યાદ કરી-કરીને તેનો અભ્યાસ કરવો. પોતાને માયિક આકારરહિત શુદ્ધ ચૈતન્ય તેજરૂપે માની, પોતાની કિરણ-વૃત્તિ દ્વારા શ્રીહરિનું દર્શન, સેવન, પૂજન વગેરેકરવું.

શરૂઆતમાં કદાચ કેવળ વૃત્તિ દ્વારા ધ્યાનભજન કે સેવા-પૂજા ન ફાવે અથવા એમાં હેત ન ઉપજે તો શું કરવું ? આ બાબતે આપણા આદિગુરુ મહામુક્તરાજ શ્રીગોપાળાનંદ સ્વામીએ આવી ટેકનિક શીખવાડી છે - આત્મસત્તારૂપ થઈને વારંવાર પ્રતિલોમ દૃષ્ટિ કરે તથા ભગવાનની મૂર્તિને વારંવાર ધારે. તે કેમ ધારે ? તો જાણીએ ભગવાન આગળ ચાલ્યા આવે છે; તે ભગવાનની મૂર્તિને ત્વચાએ કરીને સ્પર્શ કરતે કરતે દેહને સાંખ્ય વિચારે કરીને ખોટો કરતો જાય અને ભગવાનની મૂર્તિને જીવમાં ધારે. પછી જાણીએ ભગવાન ભારે ભારે શણગાર પહેરીને આગળ સામા ચાલ્યા આવે છે. પછી તે ભગવાનને નેત્રે કરીને દર્શન કરતે કરતે મૂર્તિને પ્રતિલોમ પણે કરીને જીવમાં ઉતારતે જાવું ને દેહના તથા ઇન્દ્રિયોના ભાવને ખોટા કરતા જાવું. (આમ પાંચેય ઇન્દ્રિયો દ્વારા પ્રભુમાં પ્રેમ તથા જોડાણ વધારી શકાય એમ અભ્યાસ કરતા થકા) પછી જ્યારે સત્તામાત્ર જે જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિ જ રહે, પણ બીજો કોઈ પંચવિષય સંબંધી ઘાટ ન થાય, ત્યારે તે ભગવાનની મૂર્તિ ને જોઈ રહેવું.

ભગવાન પુરુષોત્તમના પ્રતાપે આપણા શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અક્ષરધામ માનવાની માસ્ટર કી ગોપાળાનંદ સ્વામી આમ બતાવે છે.

પછી એમ માનવું જે, મારો જીવાત્મા છે તેજ અક્ષરબ્રહ્મ છે. કેમ જે, અક્ષરધામમાં પણ પુરુષોત્તમ ભગવાન રહ્યા છે, તેના તે જ મારા જીવાત્માને વિશે રહ્યા છે. ।।૯૧।।

આ રીતે સત્સંગ-ભજન કરતી વખતે પોતાના આત્મસ્વરૂપને અક્ષરધામ રૂપે માનવાનો અભ્યાસ લાંબા સમય સુધી ચાલુ રાખવાથી આત્મનિષ્ઠા તત્કાળ દૃઢ થાય છે.

કોઈ પણ બાબતનો જેટલો અભ્યાસ વધુ કરીએ તેટલી તે બાબત જલ્દી સિદ્ધ થાય છે.

अभ्यास जन यह करे जैसा, वात सो सिद्ध हि करत तैसा ।
अभ्यास में आरत जोये पूरा, आरत विन सो रहे अधूरा ।।

ह.च.सागर

કોઈ પણ પ્રકારનો અભ્યાસ સારામાં સારો કરવો હોય તો તે માટે તીવ્ર લગની જરૂરી છે. આપણે આત્મનિષ્ઠા કેળવવી હોય તો લાંબા સમય સુધી આક્રમક બનીને તેનો અભ્યાસ ચાલુ રાખી શકીએ એવો ઈશક કેળવવો જરૂરી છે. જેમ ઓલમ્પિક રમતોત્સવમાં ગોલ્ડ મેડલ મેળવવો હોય તો તે વ્યક્તિ વર્ષો સુધી શ્રદ્ધા રાખીને સતત પ્રેક્ટીસ કરતા રહે છે. કોઈને શ્રેષ્ઠ સંગીતકાર બનવું હોય તો દસ હજાર કલાક નિયમિત પ્રેક્ટીસ કરતા રહે ત્યારે શ્રેષ્ઠ સફળતા મળે છે. માટે આપણે સંતો-ભક્તોએ તો તેના કરતા પણ વધુ શ્રદ્ધા રાખીને આત્મનિષ્ઠાનો અભ્યાસ કરતા રહેવું જોઈએ.

હે મહારાજ ! હે પુરુષોત્તમ ! આપને પ્રસન્ન કરવા હું આત્મનિષ્ઠા કેળવવાના આ ત્રણેય ઉપાયોનો અભ્યાસ શ્રદ્ધાપૂર્વક કાયમ કરતો રહુ એવું શુરાતન આપતા રહેજો; એવી મારી આપના શ્રીચરણોમાં પ્રાર્થના છે.