
એક પ્રતાપી મહાત્મા હતા. તેમને એક શિષ્ય હતો. બંને ગામડાઓમાં ફરે .જ્યાં જાય ત્યાં ગામની બહાર ઉતારો કરે. શિષ્ય ભિક્ષા લાવે તે બંને જમે. જમતી વખતે શિષ્ય ગુરુને ગામના સમાચાર આપે.
શિષ્યને સહુ પૂછે, ‘તમારા ગુરુ કોણ ?’ ત્યારે શિષ્ય કહે, ‘મારા ગુરુ બધાની મુશ્કેલી દૂર કરે એવા ખૂબ જ મહાન છે.’
ગામલોકોને જે કાંઈ મુશ્કેલી હોય તે શિષ્યને કહે. શિષ્ય ગુરુ પાસેથી ઉત્તર સાંભળીને લોકોને કહે. તેથી લોકોને શાંતિ થાય.
એકવાર શિષ્ય એક શેઠના ઘેર ભિક્ષા માગવા ગયો. તેમના ઘરમાં એક પાળેલો પોપટ હતો. શેઠ ભિક્ષાની વ્યવસ્થા માટે ઘરમાં ગયા, ત્યારે પોપટે શિષ્યને કહ્યું, ‘તમારા ગુરુ મને આ પીંજરાના બંધનથી છોડાવશે ?’ શિષ્યે કહ્યું, ‘હા...હા, એ તો ગમે તેનું બંધન તોડે એવા સમર્થ છે. તને બંધનમુક્ત કરવાનો ઉપાય હું ગુરુ પાસેથી જાણીને આવતીકાલે કહીશ.’
શિષ્યે ઉતારે આવી ગુરુને કહ્યું, ‘આજે કોઈ મનુષ્યનો પ્રશ્ન નથી, પરંતુ એક પોપટ શેઠને ત્યાં પાંજરામાં છે, તેણે બંધનથી છૂટવાનો ઉપાય પૂછાવ્યો છે.’
શિષ્યની વાત સાંભળીને ગુરુ તો અચેતન જેવા થઈને ચત્તાપાટ પડી ગયા. શિષ્ય તો એકદમ ગભરાઈ ગયો. ગુરુને અચાનક આ શું થઈ ગયું ? તે ગુરુની સારવાર કરવા લાગ્યો. ગુરુને હવા નાંખવા લાગ્યો. ઘણી વાર એમ અચેતન પડી રહ્યા પછી ગુરુ જાગ્યા. ગુરુની સાથે વાત કરવા જેટલી હિંમત પણ શિષ્યની ન રહી. એની એ જ વાત ફરી પૂછવા જાય ને ફરી કાંઈક ગુરુને થઈ જાય તો ! એમ સમજીને ગુરુને આરામ કરવા દીધો.
બીજે દિવસે શિષ્ય ભિક્ષાર્થે શેઠના ઘરે આવ્યો. પોપટે તેને બોલાવીને પૂછ્યું, ‘મારા પ્રશ્નનો ઉત્તર લાવ્યા ?’
શિષ્ય કહે, ‘એ વાત જવા દે, તારી વાત મેં ગુરુને કરી તો તેમને વસમું લાગી ગયું. તે અચેતન થઈને જમીન ઉપર ચત્તાપાટ પડી ગયા, માંડમાંડ સારા થયા.’
વાત સાંભળીને પોપટ બોલ્યો, ‘વાહ ! ગુરુદેવે ખૂબ જ કરુણા કરી, મને સમજાઈ ગયું.’
શિષ્યને કાંઈ જ સમજાયું નહી, તે તો ભિક્ષા લઈને ગયો.
થોડીવારમાં પોપટને ખાવાનું આપવા આવતા શેઠાણીને દૂરથી જોઈને પોપટ પાંજરાના હીંચકા ઉપરથી નીચે ચત્તોપાટ પડી ગયો. શેઠાણીને થયું કે, ‘પોપટને કાંઈક થયું છે. હાલતો-ચાલતો નથી. મરી ગયો લાગે છે.’
શેઠાણીએ શેઠને બતાવ્યું. તેમને પણ લાગ્યું કે પોપટ મરી ગયો છે. તેમણે નોકરને કહ્યું, ‘આપણો પોપટ મરી ગયો છે, માટે તું આને ગામબહાર નાંખી આવ.’
પોપટને કપડામાં મૂકીને નોકર તેને ગામબહાર નાંખી આવ્યો. થોડીવારે પોપટ સ્વસ્થ થઈને ઊડીને ઝાડ ઉપર બેસી ગયો અને બંધનથી મુક્ત કરવા બદલ મનમાં સંતનો ખૂબ જ આભાર માનવા લાગ્યો.
વહાલા ભક્તો ! આપણે પણ જનમો જનમથી માયાના બંધનમાં બંધાયા છીએ. જો આનાથી છૂટવું હોય તો કોઈ નિર્બંધ સંતનું શરણું લઈ તેમની આજ્ઞા પ્રમાણે જો ભગવાન ભજી લઈએ તો કામ થઈ જાય.