
એકવાર મહારાજ ભુજમાં બિરાજમાન હતા. ભુજના પ્રેમી ભક્તોએ ફૂલદોલના ઉત્સવનું આયોજન કરેલું. આ ઉત્સવમાં દેશોદેશથી હરિભક્તો મહારાજનાં દર્શન કરવા તથા સમૈયાનો લાભ લેવા આવતા હતા. તેમાં કાઠિયાવાડથી પણ ભક્તો આવ્યા હતા. તેઓએ મહારાજનાં દર્શન, સંતસમાગમનો ખૂબ લાભ લીધો. પછી જ્યારે પોતાના દેશ તરફ પાછા જવા નીકળ્યા, ત્યારે મહારાજની રજા લેવા ગયા.
મહારાજનાં દર્શન કરી હાથ જોડી બોલ્યા, “હે મહારાજ ! હવે અમે અમારા દેશમાં જઈએ છીએ, તો આપની રજા લેવા આવ્યા છીએ. હે પ્રભુ ! સમૈયામાં ખૂબ આનંદ આવ્યો, આપે ખૂબ સુખ આપ્યું. હે દયાસાગર ! આવી ને આવી દયા રાખજો.” મહારાજ તે ભક્તો સામું જોઈને થોડું હસ્યા ને બોલ્યા - “ભક્તો ! તમે પણ અમારા પર દયા રાખજો.”
પછી તો હરિભક્તો મહારાજને દંડવત કરી રજા લઈ પોતાને દેશ જવા ચાલતા થયા. રસ્તામાં મહારાજે જે જે લીલા કરી હતી તે સંભારતાં ચાલ્યા જતા હતા. હજી તો થોડાક જ છેટે ગયા હતા ત્યાં અચાનક તેઓને મનમાં વિચાર આવ્યો કે, આપણે જ્યારે મહારાજની રજા લેવા ગયા ત્યારે આપણે મહારાજને પ્રાર્થના કરી હતી કે, આવી ને આવી દયા રાખજો. મહારાજ તો આપણા ષ્ટદેવ છે, તે આપણે પ્રાર્થના કરીએ; પણ આપણે તો મહારાજના સેવક છીએ, મહારાજે આપણને કહ્યું કે તમો પણ અમારા પર દયા રાખજો, તે મહારાજના આ વાક્યનો મર્મ સમજાયો નહિ. આવું કહેવા પાછળ મહારાજનો શું આશય હશે ?
પછી તો અંદરો-અંદર ચર્ચા કરવા લાવ્યા, પણ કોઈને મહારાજના આશયની ખબર ન પડી, એટલે તેઓએ નક્કી કર્યું કે, ચાલો પાછા મહારાજ પાસે જઈએ ને મહારાજને જ પૂછીએ. એટલે તેઓ પાછા મહારાજ પાસે આવ્યા. મહારાજ સભામાં બિરાજમાન હતા. આવી પગે લાગ્યા, એટલે મહારાજે પૂછ્યું - “કેમ ભક્તો, હજુ નથી નીકળ્યા ?”
ત્યારે હરિભક્તોએ બધી માંડીને વાત કરી. ત્યારે મહારાજે કહ્યું, “વહાલા ભક્તો ! આ સાડા ત્રણ હાથનો તમારો દેહ છે; તેમાં ત્રણ આંગળનું હૃદય છે, ત્યાં અમે રહીએ છીએ. તે અમારે રહેવાનું સ્થાન ચોખ્ખું રાખજો. ત્યાં સંસારના માયિક પદાર્થ ઘાલશો નહિ. જો અમારી મૂર્તિ સિવાય બીજું હૃદયમાં નાંખશો તો અમારાથી ત્યાં નહિ રહેવાય; માટે હૃદય ચોખ્ખું રાખજો, એટલી દયા રાખજો.”
એમ મહારાજે પોતાનો આશય જણાવ્યો ત્યારે હરિભક્તોએ હાથ જોડી કહ્યું, “હે મહારાજ ! અમો આપની આજ્ઞા પ્રમાણે જ રહીશું, આપને ન ગમે એવું કાંઈ અંતરમાં પેસવા નહિ દઈએ.” આવાં વચનો સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને આશીર્વાદ આપ્યા. પછી હરિભક્તો ફરી મહારાજને દંડવત્ કરી પગે લાગી પોતાના દેશ તરફ જવા રવાના થયા.
વહાલા ભક્તો ! આપણા સૌના અંતરમાં મહારાજ સાક્ષાત્ બિરાજમાન છે, માટે વહાલા મહારાજને ન ગમે એવું કાંઈ જોવું નહિ, સાંભળવું નહિ, વિચારવું નહિ. એવું કોઈ કાર્ય કરવું નહિ કે જેથી મહારાજ નારાજ થાય. આજના આ ન્ટરનેટ-મોબાલના જમાનામાં આપણું અંતર ડહોળાવાના ખૂબ જ ચાન્સ છે. માટે આંખથી, કાનથી, મનથી જગતનો એવો કોઈ ડોળ અંતરમાં ન નાંખવો. મહારાજનાં વચનો યાદ રાખી એમના ગમતામાં એમની આજ્ઞા પ્રમાણે રહીશું, તો વહાલા મહારાજ રાજી થાશે, અંતરમાં રહી એમનું સુખ અને આનંદ આપશે.