પ્રેરક પ્રસંગ - સાચી દિશાનું મહત્ત્વ...

પ્રેરક પ્રસંગ - સાચી દિશાનું મહત્ત્વ...

એક ભાઈ રેલ્વે સ્ટેશને ઊતર્યો. સાથે એક મોટી વજનદાર બેગ હતી. એમને જ્યાં જવાનું હતું તે સ્થળ સ્ટેશનથી થોડું દૂર હતું, એટલે સ્ટેશનથી બહાર આવી એક ટેક્સીવાળાને એડ્રેસ બતાવી કહ્યું કે, મારે આ જગ્યાએ જવું છે, કેટલું ભાડું થશે ?

ટેક્સીવાળાએ કહ્યું : “૧૦૦ રૂપિયા.”

એટલે આ ભાઈ જરા અક્કડાઈથી કહે, “આટલું નજીક જવાનું છે ને સો રૂપિયા ? તમે લોકો મુસાફરોને લૂંટવા જ બેઠા છો કે શું ? નથી મારે ટેક્સી કરવી, હું ચાલીને જતો રહીશ.”

ટેક્સીવાળાએ બહુ નમ્રતાથી કહ્યું : “જેવી તમારી મરજી.” એમ કહી એ જતો રહ્યો.

એટલે આ ભાઈ પોતાની બેગ ઉપાડીને ચાલવા માંડ્યો. ઘણું ચાલ્યો ને છેવટે થાક્યો, એટલે એક વડીલને એડ્રેસ બતાવીને પૂછ્યું કે, “આ સ્થળ કેટલુંક દૂર છે ?

ત્યારે વડીલ એડ્રેસ જોઈને કહે : “અરે ભાઈ, આ તો તમે ઊંધી દિશામાં જાવ છો. તમારે જ્યાં જવાનું છે તે તો પેલી સાડમાં છે. હવે તો તમારે ચાલ્યા તેટલું ડબલ રીટર્ન જવું પડશે.”

આ ભાઈ ખૂબ થાકેલો ને ચાલીને જવાય તેવી પરિસ્થિતિ ન હતી, એટલે ટેક્સીની વાટ જોવા લાગ્યો.

ત્યાં ફરી એ જ ટેક્સીવાળો આવ્યો કે જેણે એમને ૧૦૦ રૂપિયા ભાડું કહ્યું હતું. એટલે જરા ઢીલા અવાજે ટેક્સીવાળાને પૂછ્યું, “અરે ભાઈ, મેં અડધા ઉપરનું અંતર તો કાપી નાખ્યું છે, હવે તું કેટલા રૂપિયા લઈશ ?

ટેક્સીવાળાએ કહ્યું કે, “૨૦૦ રૂપિયા.”

ટલે જરા અચકાઈને કહે, “પહેલા તો તેં ૧૦૦ રૂપિયા કીધા હતા ને હવે ૨૦૦ રૂપિયા ?

ટેક્સીવાળો કહે : “અરે ભાઈ, તમે અત્યાર સુધી ચાલ્યા તે બરાબર છે, પણ તમારે જે દિશામાં જવાનું હતું તેનાથી ઊંધી દિશામાં ચાલ્યા છો. માટે હવે તમારે જ્યાં જવાનું છે ત્યાં પહોંચવા માટે ડબલ અંતર કાપવું પડશે. માટે ભાડું પણ ડબલ થશે.”

આ ભાઈ મનમાં ઘણો અકળાયો, પણ બીજો કોઈ રસ્તો હતો નહિ એટલે ચૂપચાપ ટેક્સીમાં બેસી ગયો ને કહે, “કાંઈ વાંધો નહિ મને ત્યાં મૂકી જાવ.” આમ છેવટે એ જ કરવું પડ્યું. જો પહેલા જ ૧૦૦ રૂપિયા આપી દીધા હોત તો સમય અને પૈસા બંને બચત ને હેરાન પણ ન થાવું પડત.

વહાલા ભક્તો ! આ પ્રસંગ પરથી આપણે એ બોધ લઈએ કે આપણે કાંઈપણ કાર્ય કરીએ, તે જો યોગ્ય દિશામાં હશે તો જ સફળતા મળશે; નહિતર સમય, સંપત્તિ અને મહેનત બધું હોવા છતા અંતે પસ્તાવું પડશે.

આપણે આધ્યાત્મિક માર્ગના મુસાફરો છીએ, ભગવાન સુધી પહોંચવાનું છે. એ રસ્તો આપણા માટે અજાણ્યો છે. પરંતુ વહાલા મહારાજની કૃપાથી આપણને એવા ભોમિયા મળ્યા છે કે જે આપણને જરૂર ભગવાન સુધી પહોંચાડી દેશે. બસ આપણે કરવાનું એટલું જ છે કે આપણી બુદ્ધિનું ડહાપણ મૂકી એ બતાવે તે રાહ પર ચાલવાનું છે, પણ જો આપણી બુદ્ધિ વાપરીને ડહાપણ કર્યું તો જરૂર ભૂલા પડી જવાશે ને પસ્તાવું પડશે. માટે સાવધાન...