પ્રેરક પ્રસંગ - પરમ હિતેચ્છુ મિત્ર

પ્રેરક પ્રસંગ - પરમ હિતેચ્છુ મિત્ર

એક નગર હતું. તેમાં એક રાજા રાજ્ય કરતો હતો. રાજાએ એના નગરમાં એવું એક ન્યાયપંચ બનાવેલું કે, કોઈ વ્યક્તિ કાંઈક ગુનો કરે તેને તેના ગુનાનો ન્યાયપંચ ફેંસલો આપે. જો ગુનો સાબિત થાય તો અપરાધી વ્યક્તિ ને પાંચ વર્ષ માટે એક અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવે. તેને ફક્ત ખાવા-પીવાનું આપવામાં આવે. આ નિયમ સાથે બીજો એક નિયમ પણ હતો કે ગુનેગાર વ્યક્તિ ને બદલે કોઈ પણ બીજો વ્યક્તિ જો તે ગુનેગારની સજા ભોગવવા તૈયાર થાય તો ગુનેગારને બદલે તે વ્યક્તિ ને અંધારી કોટડીમાં પૂરવામાં આવે ને ગુનેગાર છુટો થાય.

આ નગરમાં એક અનાડી યુવક રહેતો હતો. તે હંમેશાં કાંઈક ને કાંઈક તોફાન, ચોરી વગેરે કર્યા કરતો. તેનાં માતા-પિતાએ તેને ઘણો સમજાવ્યો કે, તું આ કુટેવ છોડી દે, નહિ તો રાજાને કોઈ ફરિયાદ કરશે તો અંધારી કોટડીમાં પાંચ વર્ષ પુરાવું પડશે, પરંતુ તેનાં તોફાન વધતાં જતાં હતાં. તેનો એક હિતેચ્છુ મિત્ર હતો. તે પણ એને ખૂબ સમજાવતો, પણ આ તોફાની તેનું પણ કાંઈ માનતો ન હતો.

એક દિવસ તે એક શેઠની દુકાને ચોરી કરવા જતો હતો. તેની તેના મિત્રને ખબર પડી તેથી રોક્યો. પરંતુ તેણે તેના હિતેચ્છુ મિત્રને પણ માર્યો ને ચોરી કરવા ગયો ને તે પકડાઈ ગયો.

ન્યાયપંચે તેને ગુનેગાર જાહેર કર્યો. પછી તેના સંબંધીને પૂછવામાં આવ્યું કે, તમારામાંથી કોઈ તેના બદલે કેદમાં જવા તૈયાર છે? ત્યારે કોઈ તૈયાર ન થયા. એ વખતે તેનો હિતેચ્છુ મિત્ર કે જેને એણે માર્યો હતો તે આગળ આવ્યો ને કહ્યું, “હું તેના બદલે કેદ ભોગવવા તૈયાર છું.” ન્યાયપંચે તેના નિયમ પ્રમાણે પેલા ગુનેગારને બદલે તેના હિતેચ્છુ મિત્રને પાંચ વર્ષ અંધારી કોટડીમાં પૂરવાની સજા કરી, પરંતુ ન્યાયપંચને એના પર દયા આવી. કારણ કે તે સજ્જન, પરોપકારી અને નિર્દોષ હતો. તેથી તેને રાજા પાસે લઈ ગયા. રાજા પણ તેની મિત્ર પ્રત્યેની વફાદારી જોઈને આશ્ચર્ય પામ્યો.

જ્યારે પેલા ગુનેગાર મિત્રને આ વાતની ખબર પડી તો તેને ખૂબ દુ:ખ થયું. પોતાના ખરાબ કૃત્યનો પસ્તાવો કરવા લાગ્યો. તે દોડતો દોડતો રાજા પાસે ગયો ને તેના નિર્દોષ અને પરમ હિતેચ્છુ મિત્રને છોડાવવા માટે રડીને આજીજી કરવા લાગ્યો. તેણે રાજાને વચન આપ્યું કે, તે ભવિષ્યમાં હવે કોઈ ખરાબ કૃત્ય નહિ કરે. તેના પલટાયેલા વર્તનથી રાજા ખુશ થયો ને તેના હિતેચ્છુ મિત્ર કે જેને ગુનેગારના બદલે સજા કરવામાં આવી હતી તેને છોડી મૂકવામાં આવ્યો.

જ્યારે તેનો મિત્ર છૂટીને આવ્યો ત્યારે તે તેને ભેટીને રડી પડ્યો. તેની માફી માંગી ને કહ્યું, “મિત્ર, મને માફ કરી દે. તેં મને સુધારવા માટે ઘણી મહેનત કરી છતા હું ન માન્યો અને ઊલ્ટાનો મેં તને માર્યો છતાં તેં મને બચાવ્યો, હવે હું કદી કોઈ કુકર્મ નહિ કરું.” આમ તેના હૃદયનું પરિવર્તન થયું ને તેની જિંદગી સુધરી ગઈ, ખૂબ સુખી થયો.

આ સત્સંગરૂપી પરિવારમાં આપણા પરમ હિતેચ્છુ એવા સંતો-ભક્તો પણ પેલા હિતેચ્છુ મિત્રની જેમ આપણી ઘણી બધી અવળાઈ સહન કરીને પણ સદાય આપણું હિત જ કરતા હોય છે. આપણે એનું ન માનીએ, એના પ્રત્યે નેગેટિવ થઈએ છતાં તે બધું સહન કરીને પણ આપણા હિત માટે પ્રયત્ન કરતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ધન્ય છે એવા પરમ હિતેચ્છુ મિત્રો ને કે જે આપણા ભલા માટે એમના જીવનની ક્ષણો વાપરે છે!