પ્રેમનું ઝરણું

પ્રેમનું ઝરણું

આનંદ નામનો એક યુવાન એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીના કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં તે પોતાની ફરજ બજાવતો હતો. કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ ઠંડાં પીણાં, શાકભાજી, ફળફળાદિ વગેરે સારી રીતે સાચવવું તેમજ સફાઈ રખાવવી એ એમની જવાબદારી હતી.

એક દિવસ સાંજના સમયે કોલ્ડ સ્ટોરેજના એક વિભાગમાં કાંઈક પ્રોબ્લેમ થયો હોવાથી તે તેની તપાસ કરવા ગયો. આજે બીજો કોઈ મદદનીશ સાથે ન હતો. તેણે કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી. તપાસ કરી તો કોઈ ખાસ પ્રોબ્લેમ ન મળ્યો. જેવો તે કોલ્ડ સ્ટોરેજની બહાર નીકળવા ગયો, ત્યાં તો દરવાજો બહારથી લોક થઈ ગયેલો હતો.

આનંદે દરવાજો ખોલવા ખૂબ પ્રયત્નો કર્યા, અંદરથી બૂમ પાડી; પણ તેનો અવાજ બહાર કોણ સાંભળે ? હવે તો બહાર નીકળવાનો એક જ ચાન્સ હતો : જો કોઈ બહારથી દરવાજો ખોલે. ઓફિસનો સમય પણ પૂરો થઈ ગયો હતો તેથી સ્ટાફનાં બધાં માણસો પણ જતાં રહ્યાં હતાં. આનંદે પોતાનો જીવ બચાવવા ટેમ્પરેચર વધારવા પ્રયત્ન કર્યો, પણ ઓટો સીસ્ટમને કારણે ટેમ્પરેચર વધવાને બદલે ધીમેધીમે ઘટવા લાગ્યું. આનંદને હવે મનમાં નક્કી થઈ ગયું કે તેનું મૃત્યુ નિશ્ચિત છે.

આનંદ હવે સખત ઠંડીને લઈને બેભાન થવાની અવસ્થામાં હતો, ત્યાં અચાનક કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખૂલ્યો. દરવાજો ખોલનાર હતો - એ કંપનીનો સિક્યુરીટી ગાર્ડ ! તેણે જોયું તો કોલ્ડ સ્ટોરેજમાં આનંદ બેભાન જેવી અવસ્થામાં હતો. તરત જ તેણે આનંદને બહાર કાઢ્યો. થોડું તાપણું કરીને એણે તેના શરીરને ગરમી આપી.

થોડીવારમાં આનંદ સ્વસ્થ થયો અને સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું, “ભાઈ ! તારી ફરજ તો બહારની છે, તું અહીં કોલ્ડ સ્ટોરેજમાં શું લેવા આવ્યો હતો ?” સિક્યુરિટી ગાર્ડે કહ્યું, “ભાઈ ! હું એક સામાન્ય માણસ છું. આ કંપનીમાં છેલ્લા બે માસથી નોકરી કરું છું. આ કંપનીમાં હજારો કર્મચારીઓ છે કે જે રોજ સવારે આવે છે અને સાંજે પાછા ઘરે જાય છે. હું દરવાજે ઊભો ઊભો એ બધાને જોઉં છું અને એ પણ મને જુએ છે. માત્ર તમે જ એક એવા છો કે જ્યારે સવારે આવો ત્યારે અને સાંજે પાછા જાવ ત્યારે મને ‘જય સ્વામિનારાયણ’ કહો છો. તમે જ્યારે હસીને મારી સાથે વાત કરો છો ત્યારે મને એમ થાય છે કે મારા જેવા સામાન્ય માણસની પણ કોઈકને તો કિંમત છે. આજે સવારે તમારા જય સ્વામિનારાયણ તો સાંભળવા મળેલ, પણ સાંજે હું તમારા જય સ્વામિનારાયણ સાંભળવાની રાહ જોતો હતો. બધા કર્મચારી જતા રહ્યા પણ તમને ન જોયા એટલે મને થયું કે શું થયું      હશે? એ શંકાએ હું તમને શોધતાં શોધતાં કોલ્ડ સ્ટોરેજમાં આવી પહોંચ્યો.” આનંદનું હૈયું તેનો નિ:સ્વાર્થ પ્રેમ જોઈ ભરાઈ આવ્યું....અંતરમાં ભગવાનનો આભાર માન્યો.

માત્ર એક સ્નેહભર્યા વહેવારથી કેવું મોટું કામ થયું ! આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કે આપણી આજુબાજુના ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેની નજર સામેથી આપણે રોજ પસાર થઈએ છીએ, છતાંય આપણે તેની સામું પણ જોતા નથી, સામું જોઈએ તોપણ કોઈ હાવભાવ વ્યક્ત કરતા નથી. દરેક સાથેનો પ્રેમપૂર્ણ વ્યવહાર આપણને પ્રેમથી ભરી દે છે અને સામેની વ્યક્તિના હૃદયમાં આપણું સ્થાન બનાવી દે છે.