
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૩૦/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન
શ્રીહરિચરિત્રામૃતસાગરમાં સદ્.શ્રીઆધારાનંદ સ્વામીએ સ્મરણનો મહિમા કહેતાં કહ્યું છે...
हरि कुं संभारे अंतरमांहि, तिनकर अति शांति रहाहि ।
त्रिविध ताप कहावत जेता, शांति करन उपाय हे जेता ।।
ભગવાનને હૃદયમાં સંભારે તેણે કરીને અંતરમાં અતિ શાંતિ રહે છે, મન પ્રસન્ન રહે છે, સુખ બહુ આવે છે. કારણ કે, ભગવાનના નામમાં અમૃતરસ ભર્યો છે. કોઈ સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ચાલુ રાખે તો અંદરથી અમૃતરસ ઝરે. ત્રિવિધ તાપને શાંત કરવાનો આ જ ઉપાય છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રિવિધ તાપ કહેવાય છે. એનાથી શાંતિ મેળવવાનો ઉપાય હરિસ્મરણ છે.
એક સમયે અયોધ્યાપ્રસાદજી મહારાજે અમદાવાદમાં નાના સુખાનંદ સ્વામીને કહ્યું, “હે સ્વામી ! તમે શ્રીજીમહારાજના લાડીલા છો, અતિ વૃદ્ધ છો, બોલવામાં અતિ પ્રવિણ છો અને બે પાવા એકસાથે વગાડવામાં પારંગત છો; માટે તમે હિંદુસ્તાન જાવ અને ત્યાં મુમુક્ષુઓને શ્રીજીમહારાજના પ્રગટપણાની વાતો કરજો. ધર્મકુળમાં જન્મેલા તેઓને તમારા દર્શનથી અને વાતોથી સુખ થશે, ભગવાનનો મહિમા વધશે.”
પછી સુખાનંદ સ્વામી ચાલ્યા, તે અયોધ્યા પાસે બરહારામ ઘાટે આવ્યા. ત્યાંથી સરજુ નદી ઊતરીને આંબલીયા ગામમાં આવ્યા. ત્યાં ઇચ્છારામભાઈનો પરિવાર રહેતો હતો. ત્યાં ધર્મકુળના ગોપાળજી મહારાજને ઘેર ઊતર્યા. તેમણે સ્વામીને બહુ પ્રેમથી સાચવ્યા, તેથી સ્વામી ચોમાસાના ચાર મહિના ત્યાં રહ્યા. કોઈ દિવસ ગજુમામા તથા અન્ય હરિભક્તો પણ પોતાને ઘેર ભાવથી રસોઈ કરાવીને સ્વામીને જમાડતા. સ્વામીમાં રહી સાક્ષાત્ ભગવાન જમતા હોય એવાં પણ ઘણા ભક્તોને દર્શન થતાં. વળી, સ્વામી કથાવાર્તા દ્વારા ભક્તોને ખૂબ સુખ આપતા.
એક દિવસ સ્વામી જમ્યા પછી બપોરના સમયે ગામથી ઉગમણી કોરે તળાવડીએ નાહ્વા ગયા. સ્નાન કર્યા પછી બાજુમાં આવેલા બગીચામાં એક ઘટાદાર આંબા નીચે આસન વાળી ભજનમાં બેઠા. પ્રભુપ્રેમમાં હૈયું રસતરબોળ થયું. મન મૂર્તિમાં ખોવાઈ ગયું. પ્રેમ સહિત ગદગદ વાણી થઈ ગઈ. ભજન થાય પણ બોલી ન શકાય.
भयौ बावरो प्रेम में, डोलत गलियन मांहि;
नारायण हरि लगन में, यह कछु अचरज नाहि.
વહાલા ભક્તો ! જે કોઈને ભગવાનમાં પ્રેમ થઈ જાય, તો તે ગાંડા જેવો લાગે. એ ગલિયોમાં ફરતો હોય કે વગડામાં જઈને આંબા નીચે ભજન કરતો હોય, પણ પ્રભુની લગની લાગી જાય પછી એની કોઈ ક્રિયામાં કાંઈ આશ્ચર્ય કહેવાય નહીં.
ભગવાન સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિરૂપે સ્વામી ભજન કરતા હતા ત્યાં
પ્રગટ થયા.
गीत्वा च मम नामानि, नर्तयेन्मम संनिधौ ।
इदं ब्रवीमि ते सत्यं, क्रीतोङहं तेन चार्जुन ।।
આદિપુરાણમાં આ લખ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, ‘હે અર્જુન ! જે મારા નામનું ગાન કરીને મારી નજીક નાચવા લાગે છે; એવા પ્રેમી ભક્ત માટે હું તેનો વેચાણ બની જાઉં છું. આ હું તને સાચી વાત કહું છું.’
વહાલા ભક્તો ! શ્રીહરિનાં દર્શન થતાં સ્વામી અતિ પ્રેમમગ્ન બની તત્કાળ ઊભા થઈ મહારાજને પગે લાગ્યા. મહારાજનાં દર્શન કરીને પછી પોતાના બંને પગે ઘૂઘરા બાંધી, બે પાવાને સાથે વગાડી મહારાજની આગળ નાચવા અને ગાન કરવા માંડયા.
બરાબર એ સમયે તરગામથી સ્વામીનાં દર્શન કરવા કનૈયારામ આંબલીયા ગામ આવ્યા. પછી શોધતાં શોધતાં આંબાના બગીચામાં આવ્યા, ત્યાં તો સ્વામીએ સહિત શ્રીજીમહારાજને સાક્ષાત્ જોયા ! આનંદ આનંદ થઈ ગયો. તે પણ ત્યાં બેસી ગયા. થોડીવાર સ્વામીના સૂરીલા કંઠે ગવાતાં કીર્તનો સાંભળ્યાં અને કીર્તન ભક્તિમાં ડોલતાં ડોલતાં શ્રીહરિનાં દર્શન કર્યાં. પછી કનૈયારામ આનંદવિભોર બની જેવા શ્રીહરિને પગે લાગવા ગયા, ત્યાં પ્રભુ અદૃશ્ય થઈ ગયા ! પછી સ્વામીને પણ સભાનતા આવી, તો તે સમયે સામે કનૈયારામ બેઠેલા અને કનૈયાલાલ(શ્રીહરિ) જતા રહેલા ! કનૈયારામ અહોભાવ સાથે દંડવત કરી સુખાનંદ સ્વામીને પગે લાગ્યા અને બોલ્યા ‘ઓહો...હો... સ્વામી ! આજ આપના પ્રતાપે હું પણ ધન્ય થઈ ગયો. મને પણ પ્રગટ પરમાત્માનાં દિવ્ય દર્શન થઈ ગયાં.’
પછી આનંદમગ્ન બની સ્વામી સાથે કનૈયારામ ગામમાં આવ્યા. કનૈયારામે સ્વામીની ભક્તિની અને શ્રીહરિનાં અલૌકિક દર્શનની સૌ હરિભક્તોને વાત કરી. એ સાંભળીને ધર્મકુળના સૌ ભક્તોને ખૂબ આનંદ થયો અને સુખાનંદ સ્વામીને ભાવથી બધા પગે લાગ્યા. પછી તો વિશેષ સમય આપીને સ્વામીનો સમાગમ કરવા લાગ્યા.
આ અરસામાં આંબલીયા ગામની ચારેય તરફનાં ફરતાં ગામોમાં કોગળિયા-પ્લેગનો રોગ ફાટી નીકળેલો. એમાં અનેક માણસ મરતાં હતાં. તે જોઈને સુફળ મામાએ સ્વામીને પગે લાગીને કહ્યું, ‘સ્વામી ! આજુબાજુના ગામમાં કોગળિયાનો ઉપદ્રવ બહુ છે. અમારા આંબલીયા ગામના સાત મહોલ્લા છે; એમાં કોગળિયું ન આવે એવી સ્વામી તમે દયા કરો.’
ત્યારે સ્વામી બોલ્યા, ‘સૌ બાઈ-ભાઈને પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરાવો, તો ગામમાં કોગળિયું નહિ આવે.’ એવું સાંભળીને સુફળ મામા તો તરત ઉપડયા અને સાતેય પરામાં ફરી વળ્યા અને સ્વામીએ કહ્યા પ્રમાણે કહ્યું. આ સાંભળીને બીકને લીધે સાતેય મહોલ્લામાં અઢારેય વર્ણના લોકો સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ભજન જ કરે, બીજી વાત જ નહીં. તેથી શ્રીજીમહારાજના પ્રતાપથી કોગળિયું આંબલીયા ગામમાં પ્રવેશી શક્યું જ નહીં !
સ્વામિનારાયણ ભગવાનનો આવો પ્રતાપ જોઈને ગામના અનેક જનો સ્વામીને શરણે આવીને કંઠી બાંધી શ્રીહરિના આશ્રિત થયા.
વહાલા ભક્તો ! આપણે સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ભજન ચાલુ જ રાખીએ તો આપણા હૃદયમાં પણ કળિયુગ પ્રવેશી શકે જ નહિ, દોષો આવી શકે જ નહીં. જેટલું કાંઈ મંગળ કહેવાય છે, તે સર્વે પવિત્રપણું ‘સ્વામિનારાયણ’ નામમાં રહ્યું છે; આવું તે નામ મહાન છે. ‘સ્વામિનારાયણ’ નામ ઉચ્ચારવાથી આ દુનિયામાં જેટલાં પણ અમંગળ છે, તે બધાનો નાશ થઈ જાય છે; સ્વામિનારાયણ નામમાં આવો પ્રતાપ રહ્યો છે, માટે આપણે સહુએ એનો અખંડ જપ ચાલુ જ રાખવો જોઈએ.