પ્રેમ કે પ્રેશર..?

પ્રેમ કે પ્રેશર..?

આ વાર્તાને જો પોતાના પર લઈએ તો બહુ જ ફાયદો થાય. ઘણી વખત પોતાના રાગ-દ્વેષને લઈને પ્રેમ કે પ્રેશર અપાતાં હોય છે અને તેને લઈને દુ:ખ આવે છે, પણ નિ:સ્વાર્થભાવે, સ્વભાવવશ ન થતાં મોટાના માર્ગદર્શન પ્રમાણે પ્રેમ કે પ્રેશર આપવામાં આવે તો અચૂક તેમાં લાભ જ થાય.

વડોદરામાં જય અને પાર્થ બે મિત્રો એક જ શાળામાં સાથે જ ભણતા હતા અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આપી રજા માણી રહ્યા હતા.

થોડા દિવસો પછી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. તોફાન, મસ્તી અને ગાફલાઈને કારણે બન્ને પરીક્ષામાં નાપાસ થયા. રિઝલ્ટ જોઈને તેઓ ડરી ગયા કે હવે માતા-પિતાને શું કહીશું ? તેમ છતાં બન્નેએ તેમનાં માતા-પિતાને વાત કરી કે, તેઓ પરીક્ષામાં નાપાસ થયા છે. હવે તેઓ પાસે એક તક હતી કે, એક મહિના પછી નાપાસ વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા આવે તેમાં પાસ થવું.

પાર્થ એક શિક્ષકનો છોકરો, એટલે તેના પિતાએ પરીક્ષાનું રિઝલ્ટ સાંભળતાં જ પાર્થને ગાલ પર એક લાફો મારી દીધો. અને કહ્યું કે, ‘હું એક શિક્ષક છું અને મારો જ છોકરો નાપાસ થયો. હવે હું બીજાને મોઢું શું બતાવું ? હવેથી ટી.વી., મોબાઈલ, ઘરની બાર નીકળવાનું બંધ, કોઈ મિત્રને મળવાનું નથી અને આખો દિવસ રીએક્ઝામની તૈયારી કરવાની અને પાસ થવાનું છે. અને જે દિવસે વાંચવા-લખવા ન બેસે તે દિવસે જમવાનું નહિ મળે;’ આવું ગુસ્સામાં આવીને કહી દીધું. પાર્થના પિતા રોજ તેને ટોક-ટોક કરે અને સારી રીતે તેની સાથે વાત પણ ન કરે.

પાર્થ ડરને લીઘે આખો દિવસ વાંચ્યા-લખ્યા કરતો, પરંતુ તેને મનમાં ડર બેસી ગયો કે, હવે હું પાસ નહિ થયો તો શું થશે ? એવા વિચારોને લઈને તણાવ અને ડિપ્રેશન અનુભવવા લાગ્યો, જેના કારણે મહેનત કરવા છતાં કંઈ યાદ રહેતું નહોતું. છેવટે તે રીએક્ઝામમાં પણ નાપાસ થયો. આ પરિણામ જોઈને પાર્થને હવે ઘેર જવામાં પણ સંકોચ થતો હતો. તેને એટલા બધા વિચાર આવતા હતા કે સ્યુઈસાઈડ કરી લેવાનું મન થતું હતું.

પાર્થના મિત્ર જયનો પરિવાર સત્સંગી હતો. તેના પિતાને રિઝલ્ટની ખબર પડતાં જ જયને કહ્યું, ‘બેટા, તું ચિંતિત ન થતો. હવેથી તું મહેનત કરીને રીએક્ઝામમાં પાસ થઈ જઈશ; એવો મને તારા પર વિશ્વાસ છે. અને ચાલ, આપણે સંતોને વાત કરીએ.’

જયના પિતાએ સંતોને વાત કરી કે, જયને આવું રિઝલ્ટ આવ્યું છે. તેથી સંતોએ પણ જયને બળ આપ્યું કે, ‘ભાઈ, આવું રિઝલ્ટ આપણી ગાફલાઈને કારણે આવ્યું હોય, પરંતુ આપણી પાસે હજુ એક તક છે અને તેના માટે સમય પણ છે. તેનો ઉપયોગ કરીને પ્રભુજી, પૂ.સંતો અને મમ્મી-પપ્પાને રાજી કરવા મહેનત કરજે. અમે કૃપાનાથને પ્રાર્થના કરીશું કે, રીએક્ઝામમાં તને સારું રિઝલ્ટ આપે.’

જયને થયું કે, મારું આવું રિઝલ્ટ આવ્યું હોવા છતાં બધા મારી કેટલી ચિંતા કરે છે ! તો મારે હવે બધાને રાજી કરવા છે. આમ વિચારી તેને ખૂબ મહેનત કરી અને સારા માર્ક્સે પાસ થયો.

આવું જ કોઈ મારા પર પ્રેશર કરે તો તેમાં સાચું-ખોટું નહિ વિચારતા આમાં રહીને મારા વહાલા મહારાજ મારી પાસે શું સુધરાવવા ઈચ્છે છે ? તે પકડીને સુધારો કરીશું તો પહેલા કરતાં એક સ્ટેપ તો ચોક્કસ આગળ વધીશું અને કોઈ પ્રેમ આપીને સુધારો કરાવે છે તો તેમાં કરુણા-કૃપાના વિચારો કરીને પોતાના હૃદયને ભાવભીનું કરીશું તો તેમાં પણ વિશેષ હિતેચ્છુને સુખરૂપ થઈશું.

તો ચાલો, આપણે આપણું તપાસી લઈએ કે, આમાં મારે કેટલો સુધારો કરવા જેવું છે ?