પ્રાર્થનાનું પલ્લું ભારે

પ્રાર્થનાનું પલ્લું ભારે

એક ગરીબ બહેન ભગવાનનાં ભક્ત હતાં. તેમના પતિને મહિનાઓથી પેરાલિસિસ થયો હતો, તેથી પથારીવશ હતા. ઘરમાં બીજું કોઈ કમાણી કરનાર હતું નહીં. એક વખત તેમણે પોતાના બાળકોને કહ્યું કે, ‘હું તમને જન્માષ્ટમીના દિવસે સરસ વાનગીઓ જમાડીશ.’ તેમને ખાતરી હતી કે ભગવાન જરૂર મારા બાળકો માટે સરસ ભોજન પૂરું પાડશે.

તે બહેન કરિયાણાની દુકાને ગયાં. ત્યાં દુકાનદારને વિનંતિ કરતાં કહ્યું, ‘તમે મારા બાળકોના ભોજન માટે કાંઈક સીધું આપશો ?’ દુકાનદારે પૂછ્યું, ‘તમારે કેટલા રૂપિયાનું સીધું જોઈએ છીએ ?’ બહેને કહ્યું, ‘હું અતિ ગરીબ છું, મારા પતિ ઘણા દિવસથી બીમાર છે; ખરેખર મારી પાસે પ્રાર્થના સિવાય બીજું કાંઈ જ નથી.’

ત્યારે નાસ્તિક દુકાનદારે મજાક કરતાં કહ્યું, ‘તમારી પ્રાર્થના એક ચબરખી પર લખીને આ ત્રાજવામાં મૂકો, હું તેની ભારોભાર તમને સીધું આપીશ.’ બહેને સહેજ પણ અચકાયા વિના પોતાના પાકીટમાંથી ગળી વાળેલ એક ચબરખી કાઢીને આપતાં કહ્યું, ‘લો ભાઈ, મેં ગઈ રાતે ભગવાનને આ પ્રાર્થના લખી છે.’ ચબરખીમાં લખ્યું હતું કે, હે ભગવાન ! મારે એક તમારો જ આશરો છે, માટે તમે મને મારા બાળકોના ભોજન માટે જરૂર સીધું-સામગ્રી આપશો.’

દુકાનદારે ચિઠ્ઠી વાંચી ને હસતાં હસતાં તે ત્રાજવાના એક પલ્લામાં મૂકી. બાજુના પલ્લામાં લોટનું એક પેકેટ મૂક્યું, પણ ચિઠ્ઠીવાળું પલ્લું સહેજ પણ ઊંચું ન થયું. તેણે બીજી વસ્તુઓ મૂકી છતાં ત્રાજવામાં કોઈ ફેરફાર ન થયો. તેને ખૂબ આશ્ચર્ય થયું. તે દુકાનદાર નાસ્તિક પણ ઇમનાદાર હતો, તેથી કહ્યું, ‘બહેન, આ શું થઈ રહ્યું છે ? તે મને સમજાતું નથી; પણ મેં વચન આપ્યું છે, માટે તારે જેટલું જોઈએ તેટલું લઈ લે. કારણ કે આ તારી પ્રાર્થનાની ચબરખી તો મારી દુકાનના બધા સામાન કરતાં પણ ભારે છે.’ ત્યારે તે બહેન જેટલું પોતાને જોઈતું હતું, તેટલું જ લઈને ભગવાનનો આભાર વ્યક્ત કરતું ભજન ગાતાં ગાતાં પોતાને ઘરે ગયાં.

પછી દુકાનદાર પણ ભગવાનને કરેલ પ્રાર્થનાનો આવો પ્રતાપ જોઈને આસ્તિક થયો ને ભગવાનનો ભક્ત બની ગયો.

વહાલા ભક્તો, સાચા દિલથી કરેલ પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે, અને એટલે જ શ્રીહરિલીલામૃતમાં આચાર્ય વિહારીલાલજી મહારાજ કહે છે,

દુ:ખ હરિજનનું દિલે ધરે છે, સુખનિધિ શ્યામ સહાયતા કરે છે;
તદપિ ભજન જે કરે ન ભાવે, નહિ નરજાત કુજાતિ તે કહાવે.

વળી, શ્રીહરિચરિત્રામૃત સાગરમાં સદગુરુ શ્રીઆધારાનંદ સ્વામી કહે છે કે,

देह दिये श्रीहरिवर जोउ, अन्न वसन देवत हे सोउ ।
ताकु नहीं संभारत प्रानी, तेहिकर दु:खी होत हेरानी ।।

વહાલા ભક્તો, આપણા વહાલા મહારાજ શ્રીસ્વામિનારાયણ ભગવાન ભક્તવત્સલ છે. તે આપણાં દુ:ખ, સંકટ, મુશ્કેલી વગેરેમાં જરૂર સહાય કરે છે, પરંતુ ક્યારે ? જ્યારે આપણે બીજા બધા આધાર છોડીને સાચા દિલથી એક ભગવાનને જ આર્તનાદથી પોકારીએ ત્યારે. માટે સંકટમાં આપણી બુદ્ધિ, ધન, સત્તા વગેરેનું બળ છોડી મહારાજને પોકારવા.