
જયદીપ અંકલ જેવા સભામાં બેઠા ત્યાં અચાનક તેમની નજર મહારાજ ઉપર ગઈ. જોયું તો મહારાજનો ખેસ ઊંચો-નીચો અને પાઘ ચાંદલા સુધી પહોંચી ગયેલી. વળી, કંઠનો હાર પણ વ્યવસ્થિત સેન્ટરમાં નહોતો. આ જોઈ તેમને બહુ લાગી આવ્યું. કેમ જે, આ બાબતે તેઓ એક-બે વાર ધ્યાન દોરી ચૂક્યા હતા. હવે આ વખતે સૌને વઢીને ઠપકો આપવો કે શું કરવું ? એ તેમને સમજાતું નહોતું. થોડીવાર વિચાર કરી છેવટે તેમણે એ સમયે તો કોઈને કાંઈ ન કહેતાં પોતે જ ઊભા થઈ બધું સરખું કરી દીધું. અંકલને આ બધું કરતા જોઈ સ્ટેજના સ્વયંસેવકો એકબીજા સામું જોવા લાગ્યા.
સભા પૂરી થતાં જ કેટલાક યુવકો ઝટપટ અંકલ પાસે પહોંચ્યા . “અંકલ ! અમને અમારી ભૂલ સમજાઈ છે. અમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ.” અંકલે કહ્યું, “અરે હા... મારે તમને બધાંને આ વાત ખાસ કહેવાની જ હતી... સ્ટેજની સેવા કરવામાં તમે આટલા બધા હાજર હતા, તો પણ મહારાજ સામે તમારા માંથી એકેયની નજર ન ગઈ ? સ્ટેજની સેવાની જવાબદારી ભલે ગમે તેની હોય પણ અહીં આવતા વેંત આપણી સૌની પહેલી દૃષ્ટિ આપણા ધ્યેય સ્વરૂપ શ્રીહરિજી મહારાજ ઉપર જ જવી જોઈએ. મહારાજનાં દર્શન કર્યા વગર તેમને ભૂલીને જે કાંઈ કરીએ એ ખોટું આપણે મહારાજને કેન્દ્રમાં રાખીને તેમને રાજી કરવા તો આ બધું કરીએ છીએ ! જો એમને ભૂલીને કરીએ તો એ કેન્દ્રમાં ક્યાં રહ્યા ? આપણી કોઈ પણ સેવા; ભાવના અને ભક્તિ સભર હોવી જોઈએ, સરકારી નોકર જેવી નહીં. વહાલા પ્રભુજી, પૂ.ગુરુજી કે સંતોને કોઈને આવું ન ગમે. માટે હવેથી સૌ સાવધાન રહેજો. મહારાજની પાઘ કપાળ દબાઈ જાય એટલી નીચી કે ખૂબ ઊંચી ન હોવી જોઈએ. વળી, મહારાજનાં વાઘા, ઘરેણાં, પ્રભુની બેઠક વગેરે પણ એકદમ વ્યવસ્થિત રાખવું જોઈએ. આ બાબતની આપણી ભૂલ મહારાજના પ્રત્યક્ષ ભાવની ખામી બતાવે છે.
શ્રીજીમહારાજ પ્રથમના ૬૮મા વચનામૃતમાં સ્પષ્ટ કહે છે કે, ‘મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું.’ માટે આજથી આપણે સૌ મહારાજની મૂર્તિ માં કદી પ્રતિમા કે મૂર્તિભાવ ન રાખતા; હંમેશાં પ્રત્યક્ષભાવ જ રાખવાની ટેવ પાડીશું. વળી, વચ.સા.-૨ મુજબ જેવી રીતે કુશળ કુંવરબાઈ મહારાજનાં દર્શન કરતાં એમ જ દર્શન કરીશું.“ આટલી વાતો કરી અંકલ મૌન થયા. સૌ યુવકો તેમને થેંકયુ કહી છૂટા પડ્યા, પણ તેમાંના એક યુવકને આ પ્રસંગ ઠેઠ ઊંડે સુધી અસર કરી ગયો. જેનું નામ હતું... પ્રગટ. તે અંકલને પર્સનલ મળી પ્રત્યક્ષ ભાવ વિશે વધુ સમજવા તત્પર થયો. અંકલે તેને પ્રભુના પ્રગટપણા વિશે વિગતવાર સમજાવવા માંડ્યું...
ગઢપુરમાં મોટીબાનો દૂધનો કટોરો લાલજી સાક્ષાત્ પી જતા. વડતાલવાસી શ્રીહરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી બહાર આવી રામપ્રતાપભાઈને હાર પહેરાવતા. મોટીબા દ્વારા દર્શનમાત્રથી મૂર્તિમાં પ્રાણ પુરાઈ જતાં શ્રીગોપીનાથજી મહારાજની મૂર્તિનું શીખાનું કામ એમ જ અધૂરું રાખવું પડેલું. નારાયણજીભાઈ સુથારે દોરેલી મહારાજની અધૂરી ચિત્રપ્રતિમા તેમનાથી પથારીમાં હાથ નીચેે દબાતાં પ્રભુએ ‘હું તેમાં સાક્ષાત્ રહ્યો છું ’ એમ તેમને પ્રભુમાં જગાડીને કહેલું. શ્રીજીના ધામગમન બાદ બ્રહ્માનંદ સ્વામીને પ્રભુએ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર પહેરાવેલો. આમ, મૂર્તિને વિશે પ્રગટપણું જણાવ્યું હોય એવી અનેક વાતો-ચરિત્રો સંભળાવી અંકલે કહ્યું, ‘બેટા પ્રગટ ! જો તું મૂર્તિભાવ છોડી અક્ષરધામાધિપતિ મહારાજ સાક્ષાત્ મારી પાસે બેઠા છે, મારી સામે જોઈને હસી રહ્યા છે... આવી ભાવનાઓ કર્યા કરીશ તો મહારાજ ખૂબ રાજી થશે.’
અંકલની વાતો સાંભળી પ્રગટ તો ખુશ ખુશ થઈ ગયો. તેમના કહેવા મુજબ પ્રભુને પ્રગટ માનવાનો અભ્યાસ જોરશોરથી કરવા લાગ્યો. હવે તેને સવારની કથામાં, પોતાના વાંચનમાં, સદ્વિચારમાં, કોઈકની વાતમાં, દરેકમાં આ જ બાબત પકડાવા લાગી. અભ્યાસની લટક લાગતા હવે તેને પોતાને પણ આ બાબતના અવનવા એંગલો પકડાવા લાગ્યા. હવે પ્રગટ માટે મહારાજ માત્ર મૂર્તિમાં જ સીમિત રહ્યા ન હતા. મહારાજ કહેતા જે, ‘લીલા ઘાસને દંડવત કરજો અમે તેમાં રહીને પણ તમારી સહાય કરીશું...’ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત તેને બહુ જ ગમી ગયેલી.
એક દિવસ તેનો મિત્ર વિકાસ તેની ઓફિસે જઈ ચડ્યો. જોયું તો આજે પ્રગટની ઓફિસનું દૃશ્ય બદલાઈ ગયેલું. વિકાસે કહ્યું, “કેમ પ્રગટ ! આ બધું હું શું જોઈ રહ્યો છું? તારા ટેબલ પર મેં આજ દિન સુધી એકેય વસ્તુ ગોઠવાયેલી જોઈ નથી. ફાઈલો અને પુસ્તકો પણ જ્યાં ત્યાં એમ જ પડ્યાં હોય. વળી, સ્વચ્છતા બાબતે તો તું આળસુ નંબર વન છે. એની જગ્યા એ બધુ આંખને ગમે એવું વ્યવસ્થિત... આ બધું શું છે ! કોઈ મહેમાન આવવાના છે કે ?” પ્રગટે તેનો ટૂંકો ઉત્તર આપી વાતનો દોર બદલતાં કહ્યું, “હા વિકાસ, મહેમાન તો આવતા આવશે પણ હવે... હવે સમજાઈ ગયું છે.” “શું સમજાઈ ગયું છે ?” “એ બધી વાત પછી કરું; પહેલા શાંતિ થી બેસ.” આમ કહી પ્રગટે તેના માટે એક ચેર નજીક કરી. વિકાસ બેઠો એટલે પ્રગટે વાત શરૂ કરી... “વિકાસ ! આમાં બીજું કાંઈ જ નથી; આ પ્રગટને ઓલ્યા પ્રભુનું પ્રગટપણું ગળા હેઠે ઊતરવા લાગ્યું છે. થોડા દિવસ પહેલાં આપણા જયદીપ અંકલે એક વાત નહોતી કરી ! બસ એ જ વાત... ખૂબ મજા આવે છે .
મારી ઓફિસે ઘનશ્યામ મહારાજ તો બે વર્ષ થી છે પણ હવે જે ફિલિંગ આવે છે એની શું વાત કરું ! મારા ગુસ્સા ની માત્રા હવે ઘટી ગઈ; ઓફિસના કામકાજમાં જે થાક લાગતો હતો, માથું ભારે થતું હતું એ બધું હવે ખબર નહીં... આનંદ જ આવે છે . તમામ નિર્ણયો પણ એમને જ પૂછીને... સાવ હળવો થઈ ગયો. જેવા કસ્ટમર જાય કે તરત એની સાથે જ વાતો... મજા પડી ગઈ છે. અને હા, આ બધું એમની આંખોને ગમે એટલા માટે જ વ્યવસ્થિત થવા લાગ્યું છે. બાકી તો હમણાં તેં કહ્યું એમ હું તો આળસુનો પીર જ હતો, પરંતુ જ્યારથી આ વાત સમજાણી ત્યારથી મારા કમ્પ્યુટરના ડેસ્કટોપ પરનું લખાણ, વસ્તુ ની ગોઠવણ, દીવાલ પરનાં સૂત્રો વગેરે બધું જ બદલાઈ ગયું છે . મેં મારી ઓફિસમાં જ નહિ પણ ઘરમાં, કિચનમાં, રૂમોમાં અરે ! બાથરૂમ વગેરે બધી જ જગ્યા એ સૂત્રો લગાડી દીધાં છે.” વિકાસે પૂછ્યું, ‘શેનાં સૂત્રો ?’ ‘પ્રભુના પ્રગટપણાનાં;’ એમ કહી સામેની દીવાલે આંગળી ચીંધતા થકા તેણે પૂ.ગુરુજીનો એક દોહો ગાવા માંડ્યો...
મૂર્તિ માં મૂર્તિભાવ રહે, એ જ છે નાસ્તિકભાવ;
મૂર્તિ ને પ્રગટ હરિ માનો, ‘જ્ઞાન’ એ આસ્તિકભાવ.
વિકાસ ! આનાથી તો દિવ્યતા અને અલૌકિકતાના એવા વાઈબ્રેશનો વહેવા લાગ્યા છે કે આખો દિવસ બસ આનંદ જ આનંદ. ક્યારેક મારા દ્વારા ઘરમાં થોડાં વાસણ ખખડવાં લાગે ત્યારે એ સૂત્રો વાંચી હું તરત ઠેકાણે આવી જાઉં છું.”
વિકાસ ધીરજપૂર્વક પ્રગટની વાતો સાંભળતો રહ્યો, પણ બેસતી વખતે તેણે બીજી પણ એક બાબતે આશ્ચર્ય જોયેલું. પ્રગટની બાજુમાં એક સુંદર ચેર બસ એમ જ પડી હતી અને એ પોતે સામાન્ય ચેરમાં બેઠો હતો. તેથી તેણે ફરી પૂછ્યું, “પ્રગટ ! સાચું બોલી દે કોણ આવવાનું છે; આપણા જયદીપ અંકલ ?” પ્રગટે કહ્યું, “ના વિકાસ, એમણે તો મને થોડી દિશા દેખાડી હતી પણ હમણા છેંલ્લા મહિનામાં સંતોએ મને ઘણા નાના-નાના અભ્યાસ શીખવ્યાછે. જે એકદમ સહેલા છે તેમાંના થોડાક કહું... તને પણ બહુ ગમશે.” એમ કહી પ્રગટ બોલવા લાગ્યો... “ઘરેથી બાઈક લઈને ઓફિસે આવીએ તો મહારાજને પાછળ બેસાડી દેવાના, ફરવા જઈએ તો મહારાજને એક ફૅમિલી મેમ્બર તરીકે મનોમન સાથે લઈ જવાના, એક મિત્રની જેમ પ્રભુ સાથે વાતે વળગવાનું... વિકાસ ! આવો કોઈક અભ્યાસ ફાવી જાય-ગમી જાય-પકડાઈ જાય તો આપણું કામ થઈ જાય.” આમ પ્રગટ તો મહેમાનની વાતને બાજુ પર રાખી પોતાની ધૂન મુજબ બોલ્યે જતો હતો...
વિકાસે પ્રગટને વચ્ચે અટકાવી ફરી પૂછ્યું, “પ્રગટ ! આ બધી અભ્યાસની વાતો તો ઘણી સાંભળી, પણ હવે એ કહે કે મહેમાન કોણ આવવાનું છે ?” હવે પ્રગટે પોતાનો મિત્ર જાણી રહસ્ય ખોલવા માંડ્યું... “વિકાસ ! મહેમાન આવવાના નથી; હાજર જ છે. આ પણ પ્રભુજીના પ્રગટપણાના સ્વીકારનો પ્રગટનો એક અભ્યાસ જ છે; જેમાં હું ફ્રી સમયમાં ક્યારેક એકાદ કલાક મારી બાજુમાં એક ચેર મૂકી રાખું છું ને મારા પ્રભુ સાક્ષાત્ એના પર બેઠા છે એમ ધારવાનો અભ્યાસ કરું છું. અષ્ટ પ્રકારની પ્રતિમા અંતર્ગત આ મારી દોરેલી મનોમય મૂર્તિ. કેવી સરસ વાત ! ભલે દરેકે આવું - આમ જ કરવું એવો નિયમ ન હોય પણ, આવો કોઈક નાનકડો અભ્યાસ આપણને શ્રીહરિ ની નજીક લઈ જતો હોય તો આપણા માટે બેસ્ટ.”
વહાલા ભક્તો ! પ્રભુમાં જોડાવાના આવા કોઈક અભ્યાસ આપણા પણ ચાલતા જ હશે ને ! જો આપણે આળસ-પ્રમાદ છોડી - પ્રભુનું સ્મરણ થાય, હરિવરમાં હેત થાય, આપણો આત્મા પરમાત્મા થી ભરાઈ જાય; એવો મહારાજમય રહેવાનો આવો કાંઈક અભ્યાસ કરતા રહીશું તો ચોક્કસ પ્રભુ રાજી થઈ આપણને એમના આનંદે આનંદિત કરશે અને ‘સ્મરણ વર્ષ’ આપણા માટે સાર્થક થઈ જશે...