
જે ક્ષણે અંતરમાં શાંતિ અને સાચું સુખ પામવાની ઝંખના જાગે એ જ ક્ષણે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એક રશિયન યાત્રિક કે જે સાવ ગરીબ અને ઘરબાર રહિત હતો. વળી, અપંગ હોવાથી કામ-ધંધો પણ કરી શકતો ન હતો, તેમ છતાં તેમના દિલનો મિજાજ આભે આંબે એવો હતો..!
એક દિવસ આ રશિયન યુવાન પ્રભુપ્રાપ્તિ અર્થે ભગવાનને શોધવા નીકળી પડયો. તેણે સાંભળ્યું હતું કે, પ્રભુને મળેલા એવા સંતો ભારતમાં ઘણા જ છે; તેથી તે ફરતાં ફરતાં ભારત આવ્યો, ને તીર્થસ્થાનોમાં પ્રભુપ્રાપ્ત એવા સંતોને શોધવા લાગ્યો.
આ દરમ્યાન તેણે ઘણાં શાસ્ત્રો વાંચ્યાં. તે શાસ્ત્રોમાંથી તેના અંતરમાં એક વાક્ય ઊતરી ગયું ને તે તેના મનમાં અખંડ રમ્યા કરતું હતું કે, ‘ભગવાનને અવિરત પ્રાર્થના કરતા રહેવું.’ પરંતુ પ્રાર્થના શું કરવી ? ક્યારે કરવી ? તેને તે કાંઈ સમજાતું ન હતું.
તેણે ઘણાં મંદિરો, મઠોમાં જઈને પૂછ્યું પણ સંતોષકારક જવાબ ન મળ્યો; પરંતુ જેને ભગવાન મેળવવાની સાચી હૃદયમાં ચ્છા હોય તેને સ્વયં પરમાત્મા જ પોતાને મળવાની ગોઠવણ કરતા હોય છે.
એક દિવસ આ યુવાનને એક ભગવદીય સંતની પ્રાપ્તિ થઈ. સંતનાં દર્શન કરતાં જ અંતરમાં ટાઢું થવા લાગ્યું. તેમનું વર્તન જોઈને સાધકને ભગવાનનો અહેસાસ થવા લાગ્યો. તે યુવાન આ સંતને મળ્યો. સાધકની પૂર્વભૂમિકા સાંભળી આ મહાન સંતે એક જ નાની એવી પ્રાર્થના તેને શીખવાડી : ‘હે શ્રીહરિજી મહારાજ ! મારા ઉપર કૃપા કરો. હે પ્રભુ ! મારા ઉપર કૃપા કરો.’
આ પ્રાર્થનાનું સતત રટણ કરવાનું અને અંતરમાં ભગવાનની મૂર્તિ ધારતા રહેવાનું કહ્યું. આ વાતને ખૂબ જ વિશ્વાસ ને હેતપૂર્વક સાધકે અંતરમાં કંડારી લીધી. તે આર્તનાદે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, તેથી તેના સર્વે પ્રશ્નોનું સમાધાન થઈ ગયું અને અંતે પ્રભુપ્રાપ્તિની સફર પણ હાંસલ કરી.
પ્રાર્થના એટલે પ્રભુ સાથે સીધો વાર્તાલાપ, પરંતુ તે હૃદયપૂર્વક હોવી જોઈએ. સાચા દિલનો પોકાર જ પ્રભુ સુધી પહોંચે છે. મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણની કથા આપણે સાંભળી છે. ભરી સભામાં તેમના પાંચ પતિ અને ભીષ્મપિતા આદિક વડીલો હતા. તેમણે સહુને વિનંતિ કરી, પરંતુ કોઈ સહાય ન કરી શક્યું; છેવટે શ્રીકૃષ્ણને પોકાર્યા ને ભગવાન તત્કાળ સહાય માટે પધાર્યા.
સુનેરી મૈંને નિર્બલ કે બલરામ...ટેક
દ્રુપદ સુતા નિર્બલ ભઈ તા દિન, ગ્રહ લાયે નિજધામ;
દુ:શાસન કી ભુજા થકીત ભઈ, બસનરૂપ ભયે શ્યામ...
સુનેરી૦
પરમકૃપાળુ પરમાત્મા શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ પોતાની પરાવાણી વચનામૃતમાં પોતાના આશ્રિતોને નિત્ય પ્રાર્થના કરવાનું શીખવાડયું છે...
૧) ગઢડા પ્રથમ-૪૮ : ‘હે મહારાજ ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંત:શત્રુ તે થકી રક્ષા કરજ્યો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજ્યો.’ એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી.
૨) પંચાળા-૩ : ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે ભક્તવત્સલ ! હે દયાનિધે ! આ ન્દ્રિયો-અંત:કરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજ્યો.’ એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી.
૩) ગઢડા અંત્ય-૩૯ : ‘અહં-મમત્વરૂપ માયા થકી રક્ષા કરજ્યો અને તમારે વિશે પ્રીતિ થજ્યો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજ્યો અને એ સાધુને વિશે હેત ને મમત્વ થજ્યો.’
વહાલા ભક્તો ! આ રીતે આપણે પણ નિત્ય પ્રત્યે મહારાજ અને મુક્તોને પ્રાર્થના કરતા રહીશું, તો અંતરમાં સદા સુખ, શાંતિ અને પ્રભુપ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત થશે.