
એક વખત શુકમુનિ અક્ષરઓરડીની ઓસરીમાં બેસીને લખતા હતા, તે આખી રાત લખ્યું. સવાર થયું ત્યાં ચૌદ પાનાં લખીને તૈયાર કર્યાં; ત્યાં મહારાજ અક્ષરઓરડીમાંથી આવ્યા, એટલે સ્વામીએ મહારાજના હાથમાં તે પાનાં આપ્યાં. શ્રીહરિએ તે પાનાં હાથમાં લઈને જોયા વિના જ બધાં પાનાં ફાડી નાખ્યાં અને ફળીમાં ફેંકી દીધાં. શુકમુનિએ આખી રાત જાગીને આટલી બધી મહેનતથી કરેલા કામની મહારાજે આવી રીતે અવગણના કરી, તોપણ શુકમુનિ કાંઈ બોલ્યા નહીં. આ પ્રસંગ જોઈ નિત્યાનંદ સ્વામીએ એકાંતમાં શુકમુનિને પૂછ્યું, ‘સ્વામી ! તમે આખી રાત ઉજાગરો કરીને લખ્યું ને મહારાજે જોયા વિના પાનાં ફાડી નાખ્યાં, છતાં તમને કાંઈ સંશય થયો નહિ ?’ ત્યારે શુકમુનિ કહે, ‘મારે તો મહારાજને રાજી કરવા હતા; તે મહારાજ પાનાં વાંચીને રાજી થાય કે ફાડીને રાજી થાય.’
વહાલા ભક્તો ! સ્વામીનો આ ઉત્તર આપણે બધાએ આજીવન કાળજામાં કોતરી રાખવા જેવો છે. અહંશૂન્ય થયા વિના આવો જવાબ આપી શકાય નહીં. આધ્યાત્મિક માર્ગમાં સૌથી વધુ નુકસાન કરે તેવો કોઈ શત્રુ હોય તો તે છે અહંકાર. જ્યારે ભગવાન કે આપણા ગુરુ આપણામાં અહંકારને જુએ છે, ત્યારે તેઓ આપણા પ્રત્યેની લાગણી અને કરુણાને કારણે તેનાથી આપણને બચાવવા માંગે છે. તેઓ કોઈ પણ રીતે આપણા અહંકારનું ઓપરેશન કરી આપણને તેનાથી બચાવે છે, પણ તે સમયે ઘણી વાર આપણે તેમની લાગણી અને કરુણાને સમજી શકતા નથી; તેથી ભગવાન કે ગુરુને આપણા વિરોધી સમજી બેસીએ છીએ, અને આપણા રક્ષકનો જ ત્યાગ કરવા તૈયાર થઈએ છીએ, જે ખરેખર આપણી મોટી ભૂલ થાય છે. આપણે એ અહંકાર બચાવીને રાખીએ છીએ, એટલે જ ભગવાનને પામી શકતા નથી.
જો આપણે આવી પરિસ્થિતિમાં ભાંગીએ કે ભાગીએ નહીં અનેે સદ્ગુરુને સોંપાઈ જઈએ, તો તેઓ આપણને જીવનમુક્ત બનાવીને જ છોડે; પણ આપણે સોંપાવાને બદલે તેમની જ સામા થઈએ છીએ. જ્યારે કોઈ સદ્ગુરુ આપણને વગર વાંકે વઢે તો આપણે દુઃખી થઈએ છીએ કે, આમાં મારો તો કાંઈ વાંક ન હતો, તોપણ મને કેમ વઢ્યા ? મુમુક્ષુ તરીકે આપણે અહીં જ વિચારવાની જરૂર છે. જો વાંક નથી છતાં વઢ્યા તે શું એ મહાપુરુષને આપણી સાથે કાંઈ દ્વેષ છે ? એ તો સત્પુરુષ છે, નિષ્પક્ષ છે, તેમને ખોટું ગમતું નથી, તેમને કોઈ સ્વાર્થ નથી; છતાં તે આપણને વઢે છે શા માટે ? કાંઈક તો કારણ છે કે જે આપણે જાણતા નથી. તેઓ તો આપણા પર કૃપા કરીને આપણા અહંકારને ઓળખાવી તેનાથી આપણી રક્ષા કરવા ચ્છે છે, આપણને ભગવાનના વહાલા બનાવવા ચ્છે છે; માટે તેમની અવગણનાથી કે તેમના વઢવાથી ડરીને તેમનાથી અંતરાય વધારવાને બદલે તેમની કૃપા સમજી રાજી થવું જોઈએ. જેમ જેમ તેઓ આપણને તુચ્છકારે તેમ તેમ તેમાં તેમની કરુણાનાં દર્શન કરી તેમની નજીક જવું જોઈએ.
આમ કરવાથી તેમને આપણો વિશ્વાસ આવશે કે, ‘આ પાત્ર છે. આની કસોટી લેવામાં કાંઈ વાંધો નહિ આવે.’ તેઓ આપણને શુદ્ધ કરવામાં વિના સંકોચ પ્રયત્ન કરશે અને ભગવાનના અતિ વહાલા બનાવી દેશે. મહારાજે પણ વચનામૃત ગ.અં.૨૩માં કહ્યું છે કે, “શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે, ‘મારાં મોટાં ભાગ્ય જે મને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા, જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે.’ એવી રીતે વઢે તોપણ રાજી થવું, પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો ને કચવાવું નહીં.”
મહારાજે શેખમિયાંની પરીક્ષા કરી તેમનું અપમાન કર્યું. રાજા પાસે પણ અપમાનિત કરાવી કાઢી મુકાવ્યા; આનું રહસ્ય પણ કાંઈક આવું જ છે. આટઆટલું થવા છતાં તેણે મહારાજનો કે અપમાન કરવાવાળાનો જરા પણ અભાવ ન લીધો, ઉલ્ટાનો પોતાનો જ વાંક સમજીને માફી માંગતા રહ્યા. શું તેમને ખબર ન હતી કે, મહારાજના આગ્રહપૂર્વક કહેવાથી જ તેમણે મહારાજ પર હાથ ઉપાડયો હતો ? તેમને મહારાજનો કે બીજા ભક્તોનો વાંક કાઢવો હોત તો ન કાઢી શકત ? પણ એ અહંકારના પોષક રસ્તા લેવાને બદલે તેઓ વધુ દીન બન્યા અને માફી માંગી તો મહારાજ કેવા રાજી થયા ? કેવા આશીર્વાદ આપ્યા ? કેવો મહા આનંદ આપ્યો ?
સાચા સંત ક્યારેય અહંકારનું પોષણ નથી કરતા. જ્યારે આપણે શુદ્ધભાવે કાંઈક સેવા કરીએ અને તેમાં ઠપકો મળે તો સમજવું કે, તેઓ મારા પર બહુ રાજી છે. આ મારી સેવા સીધી ભગવાન પાસે પહોંચી છે અને ભૂલ હોવા છતાં મોટા આપણને જાળવેે તો આપણે કાંઈક વિચારવાની જરૂર છે.
આજ સુધીમાં જે કોઈ ભક્તોને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, ભગવાને જેનાં જેનાં કામ કર્યાં છે તે બધાને પહેલાં ભગવાને ખૂબ જ કસોટી કરીને શુદ્ધ કર્યા છે. અને તે કસોટીની વેળાએ તે ભક્તોએ ભગવાનની નિષ્ઠા, આશરો છોડવાને બદલે ભગવાન અને સંતો-ભક્તોની વધુ નજીક ગયા છે; તેમની આવી ભક્તિ જોઈને ભગવાને તેમના પર કૃપા કરી પોતાનાં સાક્ષાત્ દર્શન આપ્યાં છે, તેમને ભગવાન વશ થયા છે. ભગવાન પોતાના ભક્ત પર કૃપા કરતા પહેલાં તેની પાત્રતા ચકાસે છે, તેની ખૂબ જ કસોટી લે છે; ત્યારપછી પૂર્ણ પુરુષોત્તમનારાયણ મળે છે, માટે દુઃખ કે કસોટીથી ભાગવાને બદલે તેને ભગવાનનો કૃપા-પ્રસાદ સમજી આનંદથી તેનો સ્વીકાર કરી લેવામાં જ ફાયદો છે. ભગવાનને રાજી કરવાનો, ભગવાનને મળવાનો આ અલૌકિક ઉપાય છે. જો આપણે આવી કસોટીની એરણ પર ચડવા તૈયાર હોઈએ, તો ભગવાન આપણને મળવા તૈયાર જ છે.