પ્રભુનો પત્ર તથા ઈષ્ટદેવની અપેક્ષા

પ્રભુનો પત્ર તથા ઈષ્ટદેવની અપેક્ષા

પ્રતિ,

મારા વહાલા ભક્ત !

આજે સવારે જ્યારે તું જાગ્યો ત્યારે હું તથા ગોપાળાનંદ સ્વામી તથા દાદાખાચર, અમે તારી પથારી પાસે જ ઊભા હતા.

મને એમ હતું કે, મારો લાડલો દીકરો મારું તથા મારા સંતો-ભક્તોનું સ્મરણ કરશે અને મને Thank you કહેશે, પરંતુ તું તો સીધો નાહ્વા માટે જતો રહ્યો અને અમારી સામું જોયું પણ નહીં.

પછી જ્યારે તું સ્નાન કરવા બેઠો ત્યારે મને એમ હતું કે, તું ભાવથી મારાં તિલ-ચિહ્નોને યાદ કરીશ અને મને સ્નાન કરાવીશ. મને ખૂબ જ ઈચ્છા હતી કે, તું મને હેતથી સ્નાન કરાવીશ, પણ તું તો બીજા વિચારોમાં જ ખોવાયેલો હતો. તેં તો મને એક ક્ષણ માટે પણ યાદ ન કર્યો.

પછી મને થયું કંઈ વાંધો નહીં. ચાલો પૂજામાં તો મારી સાથે એકાંત વિતાવશે ને, પરંતુ તિલક-ચાંદલો કરવાથી લઈને શિક્ષાપત્રીના વાંચન સુધી ન તો તેં મારી સાથે પ્રેમથી વાતો કરી કે ન તો મારું ચિંતન-મનન કર્યું. તેં દેહથી તો ક્રમ મુજબ માનસી, દંડવત્-પ્રદક્ષિણા કરી પણ તારું મન તો આખા દિવસના પ્લાનિંગમાં જ વ્યસ્ત હતું.

પછી જ્યારે સવારે તું નાસ્તો કરવા બેઠો ત્યારે તો મને એમ હતું કે, તું મને નાસ્તો કરાવાનું તો નહિ જ ભૂલે, પણ તેં તો મને યાદ જ ન કર્યો. વળી, રોજ સવારે હું સંતોમાં રહીને કથા તારી માટે જ કરું છું, પણ તું ક્યારેય અહોભાવથી આ કથા મારા માટે જ છે એવું સમજીને સાંભળતો નથી. મને એવી અપેક્ષા હતી કે, તું કથામાંથી તારા કામના પોઈન્ટ નોટ કરી લઈશ અને તેને તારા જીવનમાં ઉતારીશ, પણ તેં તો એક પણ પોઈન્ટ કથામાંથી નોટ જ ન કર્યો.

એક વાત કહું બેટા ! જ્યારે તું તારા ઘરના બધા સભ્યોને જય સ્વામિનારાયણ કહીને ઓફિસ જવા કારમાં બેઠો ત્યારે સંતોની આજ્ઞા પ્રમાણે તું સીટબેલ્ટ બાંધવાનું ન ભૂલ્યો એ જોઈને હું ખૂબ જ ખુશ થયો કે હાશ..! હવે મારે એટલી તો ચિંતા ઓછી. પછી તેં જ્યારે કાર શરૂ કરી ત્યારે હં ત્યાં જ તારી સામે જ ઊભો હતો મને થયું કે, તું હમણાં જ મને કહીશ કે ચાલો મહારાજ, મારી સાથે બેસો. છતાં પણ તારી સાથે રહેવાની ઝંખનાથી હું તને પૂછ્યા વગર તારી બાજુમાં બેસી ગયો. રસ્તામાં તું સાવ Free જ હતો. મને થયું કે તું હમણાં મારી સાથે વાત કરવાનું કે કથા સાંભળવાનું ચાલુ કરીશ. મેં એક વાર તારા ખભે હાથ પણ મૂક્યો હતો, પરંતુ તું આજુબાજુની દુનિયા જોવામાંથી ઊંચો આવે તો ને..! અને

ઓફિસે પહોંચ્યા બાદ જ્યારે તેં તારી જગ્યા પર આવીને તારી બાજુમાં એક એક્સ્ટ્રા ખુરશી મૂકી ત્યારે મને લાગ્યું કે હમણાં જ તું મને તારી પાસે બોલાવીને બેસાડીશ, પણ તેં તારા મિત્રને બેસાડ્યો. પછી જ્યારે તું તારા ઓફિસના કામમાં મૂંઝાયો ત્યારે તને સહાય કરવા હું તારી બાજુમાં જ ઊભો હતો. જો એક ક્ષણ માટે તેં તારા ડેસ્ક પર રહેલ મારી છબીને વિશ્વાસપૂર્વક યાદ કરીને મદદની માંગણી કરી હોત તો હું તારી સમસ્યાનો ઉકેલ આપવા માટે તત્પર જ હતો, પણ તેં તો મને મારો અભિપ્રાય શેર કરવાનો મોકો જ ન આપ્યો.

વળી, લંચ ટાઈમમાં જ્યારે તું તારું ટિફિન લઈને કેન્ટીન તરફ જતો હતો ત્યારે મને એમ હતું કે, આજે આપણે સાથે બેસીને જમીશું અને વાત વાતમાં હું પણ તારાં સુખ-દુ:ખનો ભાગીદાર બનીશ. તેં તારું ટિફિન ખોલીને મારી સામે મૂક્યું પણ ખરું. એક ક્ષણ માટે તો મને એમ થયું કે, હમણાં તું માનસીમાં મને જમાડીશ, પણ બીજી જ ક્ષણે તો તું મને ભૂલી તારા મિત્રો સાથે વાતોમાં મશગૂલ બની ગયો. હું જાણું કે, ભૂખ તો તને બહુ જ લાગી હતી, પણ હુંય તારા પ્રેમ અને ભાવનાનો ભૂખ્યો હતો. ભોજન વડે તું તારા પેટથી તો સંતૃપ્ત થઈ ગયો પણ તારી ભાવનાનો ભૂખ્યો હું ભૂખ્યો જ રહી ગયો. જ્યારે તેં તારા મિત્રો સાથે સુખ-દુ:ખની વાતો શેર કરી ત્યારે મને લાગ્યું કે, તું મારી સાથે પણ તારી અંગત વાતો શેર કરીશ, પણ તેં તો મને તારા મિત્રોના લીસ્ટમાંથી જ કાઢી નાખ્યો.

અને જ્યારે તું ઓફિસનું કામ પતાવી થાક્યો-પાક્યો ઘરે જવા નીકળ્યો ત્યારે મને એમ થયું કે, મંદિરે આવીને તું જરૂર તારું મન મોકળું કરીશ અને હું પણ તારો બધો થાક ઉતારી દઈશ પણ જ્યારે તારી કાર મંદિરનાં ગેટ પાસેથી પસાર થઈ ત્યારે તારું ધ્યાન તો ફક્ત કારમાં વાગતા મનોરંજક સંગીતમાં જ હતું અને હું તો મંદિરે તારી રાહ જોતો જ રહી ગયો.

સાંજે ઘરે આવ્યો ત્યારે બધા સભ્યોની જેમ હું પણ તને જોઈને ખુશ થયો. તું બધાને મળ્યો પણ હું તો જાણે ઘરનો સભ્ય જ નથી એમ મને ભૂલી ગયો. અને છેલ્લે જ્યારે તું ઘરનાં કામ પૂરાં કરી પથારીમાં સૂવા માટે ગયો ત્યારે તેં બધાને Good Night કહ્યું, પણ ફક્ત મારા સિવાય અને હું  તો જોતો જ રહી ગયો.

મને બહુ ઈચ્છા હતી કે, હું પ્રત્યેક ક્ષણ તારી સાથે રહું, તારી દિનચર્યામાં તને સાથ આપું અને તને કંઈક પ્રેરણા આપું કે, તારો જન્મ ફક્ત મને પામવા માટે જ થયો છે, અને તું શું કરે છે ? પણ તને તો સમય જ ન મળ્યો. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું એ વાતની રાહ જોઉં છું કે, તું એક દિવસ ચોક્કસ એકાગ્રતાપૂર્વક મારી માનસી તથા પૂજા કરીશ અને મારા તથા મારા સંતો-ભક્તોની આજ્ઞાનું પાલન કરીશ અને તારા ઉપર કરેલી કૃપા માટે મારો આભાર માનીશ. મારે તને મારા આનંદ અને આશીર્વાદથી છલકાવી દેવો છે અને તે માટે જ હું તને દરરોજ મારી બધી આજ્ઞાઓ પાળવા માટે તકો પણ આપું છું, છતાંય તારી અમુક ગાફલાઈને કારણે તું એ તકોનો લાભ લઈ શકતો નથી. આવી ગાફલાઈ હવે ક્યાં સુધી..?

હશે ! હવે એવું બને કે કાલે તને મારી યાદ જરૂર આવશે; એવો મને ગળા સુધી વિશ્વાસ છે. જો જે હો... મારો વિશ્વાસ અને તારો આ જન્મ વ્યર્થ ન જાય. અને ફરી પાછું તારે લખચોરાશીમાં ભમવું ન પડે.

બસ, એ જ અક્ષરધામથી તારા હૃદયને ધબકતું રાખનાર એવા તારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ...!?