પ્રભુને અતિ વહાલી વસ્તુ પ્રેમ : કથામૃતમ

પ્રભુને અતિ વહાલી વસ્તુ પ્રેમ : કથામૃતમ

એક વાત ધ્યાનમાં લેવા જેવી એ છે કે, ભગવાન પુરુષોત્તમની દૃષ્ટિએ બધું જ એનું છે. કોઈ બાબતની આપણા નાથને કમી નથી. તેઓ સર્વેસર્વા, સ્વતંત્ર મૂર્તિ છે, પરંતુ એને એક વસ્તુ બહુ ગમે છે અને એ આપણી પાસે છે. એનું નામ છે પ્રેમ, દિલનો ભાવ, હેત ! આપણો જીવ બહુ હેતાળો છે. આપણે પ્રેમી છીએ. આપણને કોઈને કોઈમાં હેત કરવું બહુ જ ગમે છે. હેત કર્યા વિના આપણે રહી જ ન શકીએ. આપણે જન્મો જનમથી ધનમાં, મકાનમાં, સારી વસ્તુમાં, જમીનમાં, ખેતરમાં, સ્ત્રી કે પુરુષ ગમે ત્યાં હેત કરતા આવ્યા છીએ. આ જીવનો સ્વભાવ હેતથી લથબથ છે તેથી જ્યાં ત્યાં ચોંટી જાય છે.

શ્રીજીમહારાજે ગ.મ.૬માં કહ્યું છે કે, “ચિત્તનો સ્વભાવ એવો છે જે, જે જે પદાર્થ સાંભરે તે તે પદાર્થમાં ચોંટી જાય છે.” આમ જીવ ગમે તેવી નકામી બાબતમાં પણ ચોંટી જાય છે; પણ ભગવાનનો સ્વભાવ ચોંટવાનો નથી. એ નિર્લેપ છે, જ્યારે આપણે ભગવાનની ચિદ્-અચિદ્ પ્રકૃતિમાં સ્વભાવિક ચોંટી જવાના, બંધાઈ જવાના કે હેત કરી લેવાઈ જવાના સ્વભાવવાળા છીએ.

આ આપણો જે ચોંટી જવાનો સ્વભાવ છે એ જ ભગવાનને રાજી કર્યાનું સાધન પણ બને એમ છે. આપણે એટલું જ બદલવાનું છે કે, બીજે જે હેત કરીએ છીએ તે આપણે ભગવાનમાં કરવાનું છે. બીજું કાંઈ કરવાની જરૂર નથી.

આપણને મમતા કરવાની ટેવ છે. માટે જ્યાં-ત્યાં મમતા થઈ જાય છે, ગમે તેને આપણે પોતાના માનીને તેમાં હેત કરવા મંડી પડીએ છીએ. એ મમતા કરવાની આપણી ટેવને એક ભગવાનને જ પોતાના માનીને તેમાં હેત કરવામાં વાપરીએ, તો કામ થઈ જાય. માટે પ્રભુને જ પ્રેમ કરો. ભગવાન માત્ર એક પ્રેમરૂપી દોરડે કરીને બંધાઈને આપણી પાછળ પાછળ ફરશે. આજ દિવસ સુધી જેણે જેણે ભગવાનમાં પ્રેમ કર્યો છે એ બધાએ ભગવાનને ખૂબ રાજી કરી લીધા છે. અને ભગવાન તેને વશ થઈ ગયા છે. માટે સાવધાન થઈ મન મૂકીને ભગવાનમાં જોડાવું જોઈએ. પ્રભુમાં પ્રેમથી જોડાવાનો સૌથી સરળ ઊપાય છે ભગવાનનાં ચરિત્રો.

વહાલા ભક્તો ! સહુને સુખ થાય તેવી કોઈ વાત હોય તો તે છે ભગવાનનાં ચરિત્રો. ભગવાનનાં ચરિત્રોમાં જેને સુખ આવે છે તેને જ ભગવાનનો નિશ્ચય છે, એને જ ભગવાનમાં હેત છે, એને જ ભગવાન સમજાણા છે. જેને પરમાત્માનાં ચરિત્રોમાં મજા આવતી નથી અને જ્ઞાનની ઊંચી ઊંચી લુખી વાતોના ફડાકા મારે છે તેને કાંઈ સમજાણું નથી, તે બિચારો હજુ ખોળે છે. જેને જડી ગયું છે તે બેઠો બેઠો ચરિત્ર સાંભળ્યા કરે, વાંચ્યા કરે અને તેનો આનંદ લૂંટ્યા કરે.

આપણા જૂના સંતો-ભક્તો ચરિત્ર વાંચતા. બેઠા બેઠા મહારાજની લીલા ગાતા, સાંભળતા. આમ ને આમ સહેજે મુક્ત થઈ જતા, પાકી જતા અને પામી પણ જતા. મોટી મોટી જ્ઞાનની વાતો કર્યા કરે પણ શ્રીહરિ તથા સંતો-ભક્તોમાં સ્નેહ થતો નથી તો તે ક્યાં અટવાઈ જાય તેનું કાંઈ નક્કી નથી. જ્ઞાનની વાતો કરવી જોઈએ તેની કાંઈ ના નથી, પણ અંતરમાં શાંતિ અને સુખ તો મહારાજનાં લીલા-ચરિત્રોમાંથી થાય છે.

એકવાર મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું, અંતરમાં શાંતિ થાય એનો ઉપાય કહો ને. ત્યારે શ્રીજીમહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને પોતાનાં નાનાં મોટાં બધાંય ચરિત્રો કહેવા લાગ્યા. ત્યારે સ્વામીને એમ થયું કે, હું પૂછું છું શાંતિ થવાનો ઉપાય અને મહારાજ પોતાની વાત કર્યા કરે છે કે, અમે નાના હતા ત્યારે અયોધ્યામાં આમ કરતા ને તેમ કરતા, અમે વનમાં ફર્યા; એવી બધી વાતો કરી પણ કાંઈ શાંતિ થાય તેવી વાત તો ન કરી. પછી નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, “સ્વામી ! મહારાજે જે વાત કરી તે જ શાંતિ માટેની હતી, પરંતુ તમે મનમાં કાંઈક જૂદું માનીને બેઠા છો એટલે મહારાજની વાત તમને ઠીક બેઠી નહીં.”

તેમ આપણે હૈયામાં બીજો ગોટો લઈને બેઠા હોઈએ તો ભગવાનની કોઈ વાતમાં સુખ ન આવે. હૈયામાં હેત અને અહોભાવના હિલોળા હાલતા હોય તો અખંડ આનંદ આનંદ થાય.

તપ ને તીરથમાં  હું કાંઈ ન જાણું,
સહેજે સહેજે રે હું તો સુખડા માણું...

એક માણસ કેટલુંય તપ કરે, તીર્થ કરે, વ્રત કરે, જ્ઞાન કથી કથીને કેટલોય થાકી જાય અને એક માણસ દાસનોદાસ રહી પ્રભુને માંડે  પ્રેમ કરવા કે, હે મારા નાથ ! હે મારા પ્રભુ ! હે દયાળુ ! હું તમારો અને તમે મારા !  તો આ ભક્ત ઝટ ભગવાનને પામી જાય.

જે ઠાકોરજીને સંભારવા માંડે અને હેત કરવા લાગે તો તેને ધામનો રસ્તો સાવ ટૂંકો થઈ જાય છે. જો એ ન થાય તો પછી લાંબે ચકરડે ચડવું પડે. સંપત્તિ, સંસાર, બૈરાં, છોકરાં, સંબંધી અને ઓળખાણ અને આપણી જગતમાં લોકપ્રિયતા તે આપણને ગાંડા કરી મેલે એમ છે. એમાંથી કાંઈ છાંટોય શાંતિ મળે તેમ નથી. જેદી તેદી શાંતિ મળશે તો તે ભગવાન પાસેથી જ મળશે. કેમ જે, શાશ્વત સુખનું સરનામું એક સ્વામિનારાયણ છે.

જે સુણતાં સંશય ટળે, મહિમા જણાય અમાપ;
પ્રગટ પુરુષોત્તમના, તે  પરચાનો  પ્રતાપ.

  • ભગવાનના પરચા અને પ્રતાપ સાંભળતાં બધાય સંશય ટળી જાય છે ને અમાપ મહિમા જણાય છે.
  • મોટા ભાગ્ય હોય તો ભગવાનની લીલા સાંભળવા મળે, પ્રભુના પ્રતાપની વાતો સાંભળવા મળે. જેમ જેમ ભગવાનના પ્રતાપની વાતો સાંભળીએ તેમ તેમ આપણો જીવ ભગવાનમાં જોડાવા લાગે.
  • માટે ભગવાનના મહિમાની, લીલા-ચરિત્રોની, ઐશ્ચર્યોની, પ્રતાપની વાતો ખૂબ સાંભળવી, એકબીજાને કહ્યા કરવી.
  • એવાં પ્રસંગો, પરચાઓ, ચરિત્રો કંઠે કરવાં. ઘણાક ડાહ્યા સંતો-હરિભક્તોને પાંચ, વીસ, પચાસ, સો, બસો ચરિત્રો કંઠે હોય છે. તે એકબીજાને કહ્યા કરે છે, ગાયા કરે છે ને એમાંથી આનંદ ચૂસ્યા કરે છે. તેમને સુખી થવાનું આ સાધન સમજાય ગયું છે.

હમણાં ઉંમર નાની છે, હાથ પગ ચાલે છે એટલે સેવા, તપ વગેરેનું જોર કરીએ છીએ, પણ પછી શરીરમાં શક્તિ નહિ રહે અને પથારીમાં પડયા રહેવું પડશે ત્યારે ભગવાનની લીલા, પરચા જ આપણું જીવન બનશે અને તેમાંથી જ આપણો ગુજારો થાશે. બેઠા બેઠા પુસ્તક વાંચ્યા કરીશું અને કોઈક આવશે તો તેને કહીશું કે, ભાઈ ! લે વાંચ. તે પણ જો કાન સારા હોય તો !

વહાલા ભક્તો ! શરીરના સ્પેરપાર્ટ થોડા ઘણા સારા હોય ત્યાં નિવૃત્તિ લઈ લેજો. બધું ઘસાઈને સાફ થઈ જાય પછી કહે કે, હવે મને સમર્પિત કરીને સંતો-ભક્તો સાથે રાખજો, પણ પછી શું વળે ? માટે વહેલા સાવધાન થઈ સંકેલો કરજો. આપણે દેહના સંબંધીઓ માટે ઘણું ઘણું કર્યું, આટલા વર્ષો એમની પાછળ ખર્ચી નાખ્યા પણ હવે આપણા કલ્યાણનું કાર્ય કરી નાખવાનો વખત આવ્યો છે. જો અત્યારે સાવધાન નહીં થઈએ તો પાછળથી ઘણો પસ્તાવો થશે. અને જો એમનામ દેહ પડી જશે તો કલ્યાણનું કામ બાકી રહી જશે.

આપણાં શાસ્ત્રો કહે છે કે, પચાસ વર્ષ પછી આપણે બધાએ વનમાં જાવું. પણ હવે વન નથી મંદિરો છે, માટે મંદિરમાં સંતોના સંગમાં રહેવાની, કથા-વાર્તા સાંભળવાની અને થાય તે સેવા કરવાની ટેવ પાડવી. આમ સંતો-ભક્તોની મદદ લઈ ભગવાનમાં હેત કરી લેવું અને છેડો સુધારી લેવો...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૩/૦૭/૨૦૧૪, રવિવારના રોજ શ્રીસ્વા.મંદિર કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન.