પ્રગટનો સ્વીકાર ટાળે બધા વિકાર

પ્રગટનો સ્વીકાર ટાળે બધા વિકાર

વહાલા ભક્તો ! આપણે પ્રગટને નથી સ્વીકારતા અને પરોક્ષમાં બહુ શ્રદ્ધા રાખીએ છીએ, એનું કારણ છે અહંકાર. પ્રગટ હોય એ આપણા અહંકાર ઉપર ઘા કરે છે. એ આપણને જરાય ફાવતું નથી. માનીએ કે ન માનીએ, પણ ઈર્ષ્યા સર્વવ્યાપક છે. એ અંદર ઘુસી ગયેલી છે. એટલે અંદર અંદર બહુ નડે, સારા સારા ગુણો શીખવા ન દે. જુઓ ને ! આ આપણી સાથે રહેતા એક એક સાધુ અને હરિભક્ત સદ્ગુણોની ખાણ છે. એના ગુણ ખોળીને જો શીખીએ, તો ગુણવાન થતા વાર નથી. બાકી ઉપવાસ કરીને, તપ કરીને, માળા ફેરવીને, ચારધામની જાત્રા કરીને મરી જાશું, તો પણ આવી પ્રાપ્તિ દુર્લભ છે. આ પ્રસંગે મને સભાડિયાવાળા માવજીદાદા યાદ આવે છે. દાદા ઘણીવાર ખોપાળા આવતા અને બહુ સારી સેવા કરતા ને ખપ રાખી સત્સંગ કરતા. એકવાર દાદા મારી પાસે આવ્યા. એમની પાસે દોઢસો રૂપિયા હતા, તે મને ભીંહ મારીને દેવા માંડ્યા. મને કહે, “મારી પાસે બીજું કાંઈ નથી, પણ છોકરાએ મને હમણાં વાપરવા આપ્યા હતા, તે મારે ક્યાં વાપરવા ?  ગુરુજી તમે આ લઈ જાઓ.” મેં કહ્યું, “દાદા ! આ રૂપિયાનું શું કરાવવું છે ?” દાદા કહે, “આ વહાલા સંતોને જમાડજો.” મેં કહ્યું, “દાદા ! તમે રાખો, તમારે કામ લાગશે.” તો દાદા કહે, “ના ના; છોકરા મારું બધું ધ્યાન રાખે છે અને મારે આને રાખીને શું કામ છે ? તમે લઈ જાઓ, સંતોને જમાડી દેજો.”

માવજીદાદાને મેં કીધું કે, “દાદા ! આ દોઢસો રૂપિયામાં તો કાંઈ રસોઈ થાય નહિ; રસોઈના તો પાંચસો રૂપિયા થાય.” તો મને કહે, ‘જે થાય એ કરજો. જેટલું આવે એટલું જમાડી દેજો.’ મેં કીધું, “આટલા પૈસા તમે રાખો અને પાંચસો રૂપિયા ભેગા થાય ત્યારે મને આપજો.” તો મને કહે, ‘એ ક્યારે થાય ? આનું જેટલું થાય એટલું ખવાડી દ્યો ને ! એ પાંચસો ભેગા થાય ત્યાં સુધી એ બધી લપ કરવી, એનાં કરતાં અત્યારે જ લઈ જાઓ ને !’ માવજીદાદા પાસે બીજું તો કાંઈ ઝાઝું ધન નહોતું; પણ અવારનવાર ચારસો-પાંચસો રૂપિયા ભેગા થાય એટલે દાદા કહેતા કે, આને વાપરજો, સંતોને જમાડી દેજો. ખોપાળાવાળા વીરાદાદા અને સભાડિયાવાળા માવજીદાદા બેય ગોઠિયા મિત્ર હતા. બેય દાદાને ભગવાનમાં અને સંતોમાં બહુ જ પ્રેમ હતો. ત્રીજા બોટાદના વજુદાદા પરીખને યાદ કરું . આ બધાને મેં મારી નજરે જોયા છે. એના દિલના ભાવ મેં જોયા છે. એનો ત્યાગ, એની સેવા, એની શ્રદ્ધા, એનો પ્રેમ મારા હૃદયે અનુભવ્યો છે. બોટાદવાળા વજુદાદા પરીખ પચ્ચીસ વર્ષ સુધી મને કાયમ એકની એક વાત કરતા કે, મને મૂર્તિ સિદ્ધ થાય, એવી કૃપા કરો. દાદાને ભગવાનમાં ભાવ વધે-ઘટે એટલે બહુ બળતરા થયા કરે અને મને કાગળ લખે. કેટલાય કાગળ એણે મને લખ્યા છે. અને છેલ્લે એવું કહેવા લાગ્યા કે, હવે મને મૂર્તિ દેખાય છે. આમ મૂર્તિ સિદ્ધ કરી, ત્યારે શાંતિ થઈ.

આવા ભક્તોને કોણ ઓળખે ? એવા વ્યક્તિ આ લોકમાં ન રહે, પછી જ લોકોને તેનો મહિમા થાય છે. આપણી મોટામાં મોટી જો કોઈ નબળાઈ હોય તો એ આ છે. આપણને થોડુંક વહેલા જો કોઈ મોટાપુરુષનું માહાત્મ્ય સમજાઈ જાય, તો એને સંગે આપણામાં એમના જેવા ગુણો અવશ્ય આવી જાય. મોટાના સંસર્ગથી જે કામ થાય છે, એ કામ ઊંધે માથે તપ કરવાથી પણ થાતું નથી. આપણી મુશ્કેલી એ છે કે, મોટા સંતો-ભક્તો જ્યારે પૃથ્વી ઉપર હયાત હોય, ત્યારે આપણે એને અપનાવી શકતા નથી. કાંઈક ને કાંઈક વ્યવહારિક, આર્થિક કે કાંઈક થોડી ઘણી વાણી વર્તનની બાબત હોય એને વચમાં લાવી, આપણે મોટામાંથી હેત ઘટાડીએ છીએ. આના જેવી કોઈ કઠણાઈ નથી, આના જેવું કોઈ પાપ નથી. આ પાપે કરીને જ ભગવાન અને સંતોમાં ગાઢ પ્રીતિ થાતી નથી.

જો દિવ્યભાવ થાય તો તમામ પ્રકારનો માયિક ભાવ જાય, શાંતિ શાંતિ થઈ જાય. પણ, અભાવ છે તે ભાવ નથી થાવા દેતો; માટે મોટાનો સ્વીકાર કરવો. મોટા હોય એ મોટા જ હોય. આપણને એમની કોઈક વાતે ઠીક ન પડયું હોય અને ભાવ ઘટ્યો હોય, એટલે એ કાંઈ નાના ન થઈ જાય. નુકશાની તો આપણને જ છે. વજુદાદા પરીખમાંથી શીખ્યા જેવું કેટલું ! વીરાદાદામાંથી શીખ્યા જેવું કેટલું ! માવજીદાદામાંથી શીખ્યા જેવું કેટલું ! વલ્લભીપુરના લક્ષ્મણદાદામાંથી શીખ્યા જેવું કેટલું ! લાલજીભાઈ, પ્રેમજીદાદા અને આણંદદાદામાંથી શીખ્યા જેવું કેટલું ! આ તો મને આટલાં નામ યાદ આવ્યા. તમે તમારી રીતે વિચારી જુઓ ! જેને શ્વાસોચ્છ્વાસ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ બોલાતું હોય, એવા મહિલા પ્રેમિભક્ત કેટલાય હશે. જો શીખવું હોય તો તો એમાંથી પણ શીખી શકાય, પણ અહં ઓગળે તો કામ થાય. કેમ જે, અહંકારી કોઈમાંથી કાંઈ શીખી શકે નહીં. અને પોતાના અહંના કેફમાં ને કેફમાં જીં દગી આખ બીજાની સાથે ઇર્ષ્યા કરે, વિરોધ કરે અને સારો થાવા, ડાહ્યો થાવા, ઉપસવા માટે સ્ટેટસ પકડી રાખવા મથ્યા કરે ને બધાને નડ્યા કરે.

કોઈકે કહ્યું છે, “હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, જે હું જોઈ નહિ શકં, માટે તું હમણાં જ ફૂલો મોકલ ને ! તો હું જોઈ લઉં.

હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે, જેની મને ખબર નહિ પડે કે, તને આટલો મારામાં પ્રેમ હતો; માટે તું અત્યારે જ થોડં રડ ને ! હું મારી આંખે જ તારી આંખના આંસુ જોઈ લઉં.

હું મૃત્યુ પામીશ એટલે તું મારા દોષો તરત ભૂલી જઈશ, જે હું જાણી નહિ શકું કે, તું મારા દોષો ભૂલી ગયો, માટે તું હમણાં જ મને માફ કરી દે ને ! હું મૃત્યુ પામીશ અને તું મને બહુ યાદ કરીશ. જે હું અનુભવી નહિ શકં, માટે તું મને અત્યારે જ યાદ કર ને !

હું મૃત્યુ પામીશ અને તને એમ થશે કે, મેં એની સાથે થોડોક વધારે સમય વિતાવ્યો હોત તો સારું હતું, માટે તું અત્યારે જ એવું કર ને !થોડો વધારે સમય મારા માટે ફાળવ ને !

એટલે જ કહેવાનું મન થાય છે કે, રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણી વખત બહુ મોડં થઈ જાય છે.

હાલ દુનિયા માં જે કોઈ મોટા હોય, ભગવાનમાં લાગ્યા હોય, જેને સંસારનો કોઈ મોહ ન હોય,ભગવાન અને સંત જ જેનું જીવન હોય, એને માટે જ જે જીવતા હોય, એવા મોટા આ પૃથ્વી ઉપર જો કોઈ તમને દેખાય, તો તમે એને તમારા જેવા સામાન્ય ન આંકશો. તે આપણા જેવા સામાન્ય ન કહેવાય, બહુ ઊંચા કહેવાય. નિર્માની થઈને એની પાસેથી કાંઈક શીખી લેવું. એની ઈર્ષ્યા ન કરવી, વિરોધ ન કરવો, એના પગ પકડવા અને એની પાસેથી કાંઈક મેળવી લેવું. હું મોટો છું, હું જુનો છું, મને ખબર પડે છે; આ બધું ભૂલી જાઓ.