
એક સૂફી સંત હતા. તેઓ ભગવાનનું ભજન કરતા, ખૂબ ધીરજવાન હતા અને સદા સૌનું ભલું થાય તેવા નાનાં મોટાં કાર્યો કરતા. પરંતુ તેમનો એક પાડોશી ખૂબ ઈર્ષાળુ હતો. તે સતત આ સંતને હેરાન કરવા કાંઈ ને કાંઈ અટકચાળા કર્યા કરતો.
એક વખત તેણે આ સંતના ઘરની સામે જ્યાંથી આ સંતને રોજ બહાર જવાનું ને પાછા આવવાનું થાય ત્યાં ટોઇલેટ બનાવ્યું. તે પાડોશી જાણી જોઈને ટોઇલેટને ઘણા દિવસ સુધી સાફ ન કરે, તેથી તે અતિશય ગંધાય. પરંતુ સંતને જ્યારે જ્યારે ત્યાંથી આવવા-જવાનું થાય ત્યારે તેઓ પોતાના નાકે રૂમાલ રાખી શાંતિથી પસાર થઈ જાય, ન તેઓ અકળાય કે ન અપસેટ થાય કે ન પાડોશી ઉપર ગુસ્સે થાય.
સંતને તો એક કઠોર હૃદયને કોમળ બનાવવું હતું, એટલે જ્યારે જ્યારે તે પાડોશી આ સંતને ભેગો થાય, ત્યારે ત્યારે તેને પ્રેમથી આવકારીને બોલાવે. સમય જતાં એકવાર તે પાડોશી બિમાર પડ્યો, પરંતુ તેની ચાકરી કરનાર કોઈ ન હતું. જ્યારે આ સૂફી સંતને તેની ખબર પડી, ત્યારે તેઓ તેમના ઘરે ગયા અને તેની સાર-સંભાળ લીધી. પછી તેણે આશ્ચર્ય પામીને સંતને પૂછ્યું, “તમે જ્યારે ગંધાતા ટોઇલેટની બાજુમાંથી નીકળો છો, ત્યારે તમે અકળાતા નથી ?” ત્યા રે સંતે સ્મિત કરતાં જવાબ આપ્યો કે, “એમાં અકળાવાની કે ગુસ્સે થવાની શી જરૂર છે ? હું તો નાકે રૂમાલ રાખીને પસાર થઈ જાઉં છું ને એમાં મારે કાંઈ ખર્ચ નથી કરવો પડતો.”
સંતની આવી સમજણ અને અપકાર ઉપર પણ ઉપકાર જોઈને તેનું હૃદય પીગળી ગયું ને સંતના પગમાં પડી ગયો. સંતના નિ:સ્વાર્થ પ્રેમે તેની ઈર્ષ્યા ને ધોઈ નાખી. આથી જ કોઈક સુજ્ઞ જને કહ્યું છે કે,
मलयाचलगन्धेन त्विन्ध नं चन्दनायते ।
तथा सज्जनसङ्गेन दुर्जन: सज्जनायते ।।
મલયાચલચંદનના સંગથી બળતણ તરીકે વપરાય તેવું તુચ્છ લાકડું પણ ચંદન જેવું બની જાય છે, તેમ સજ્જનના સંગથી દુર્જન પણ સજ્જન બની જાય છે.
વહાલા ભક્તો , સંતે જો ટાણે સમજણ અને સાધુતા રાખી, તો પોતે સુખી ને શાંત રહી શક્યા અને પોતાને હેરાન કરનારનું પણ હૃદય પરિવર્તન કરી દીધું.
મહારાષ્ટ્રમાં સંત તુકારામ થઈ ગયા. તેઓ ભજન કર્યા કરે. એક વખત હુતાશનીના દિવસે ગામનાં છોકરાંઓ ભેગાં થઈ તેમની પાસે આવ્યાં અને ફાગ (હોળી નિમિત્તે બોલાતા અપશબ્દો) બોલવાનું કહ્યું. ત્યારે સંત તુકારામે ના પાડી. એટલે તે છોકરાંઓને રમત સૂઝી. તેમણે સંતના માથે મુંડન કરીને ચૂનો ચોપડ્યો; અવળે ગધેડે બેસાડી ગાજર અને રીંગણાંની માળા પહેરાવી; પછી હાથમાં ગધેડાનું પૂછડું પકડાવી આખા ગામમાં હુરિયો બોલાવતાં ફેરવ્યા.
તુકારામ તો તેમની મસ્તી માં હતા, પરંતુ તેમનું આવું ઘોર અપમાન જોઈ તેમનાં પત્ની જાનબાઈ તો રોવા લાગ્યાં . તે જોઈ સંત કહે, “રુવે છે શું કામ? આમાં શું ખોટું થયું ? માથે વાળ વધી ગયા હતા, ને મારી પાસે પૈસા તો હતા નહીં, તે આ મફત મૂંડન થઈ ગયું...! વળી માથે ચૂનો ચોપડ્યો છે, તે ખોડો મટાડશે. વળી આપણાં લગ્ન થયા ત્યારે ક્યાં ફૂલેકું નીકળ્યું હતું ? તે આજે ફૂલેકું નીકળ્યું. અને ગાજર અને રીંગણાં થોડા દિવસ શાક બનાવીને ખાવા થાશે.”
વહાલા ભક્તો , સૂફી સંત અને સંત તુકારામને જ્યારે અપમાનિત કે હેરાન-પરેશાન કરવામાં આવ્યા, તે જ સમયે તેમણે કાંઈ ધીરજતા, ક્ષમા, નિર્માનીતા, સહજતા, સવળું સમજવું વગેરે ગુણો કેળવી લીધા નહિ હોય, પરંતુ જ્યારે જ્યારે આવું થાય ત્યા રે તેઓ પોતાને ઉપદેશ આપી પોતાને બદલતા રહેતા હશે.
વહાલા ભક્તો, આપણે આ દુનિયા માં અને ખાસ કરીને આ સત્સંગમાં વિવિધ પ્રકારના સત્સંગી અને બિનસત્સંગી મનુષ્યો સાથે રહેવાનું ને વ્યવહાર કરવાનો થાય છે. આપણી આસપાસ વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે. એમાંથી અમુક વ્યક્તિ ઓ, ભક્તો અને પરિસ્થિતિઓ આપણને અનુકૂળ હોય છે, તો અમુક પ્રતિકૂળ હોય છે; પરંતુ આપણે તેમાંથી કોઈને બદલી શકતા નથી. માટે જો આપણે બધાં સાથે દરેક પરિસ્થિતિ માં સુખી, શાંત અને આનંદમય રહેવું હોય તો આપણે પોતાને જ બદલવા પડશે. વિવિધ પરિસ્થિતિમાં પોતાને બદલી સુખી ને શાંત રહેવા માટે વિવિધ સમજણ કામ લાગે છે, જે આ દિવ્ય સત્સંગ દ્વારા મળે છે. ચાલો એવી સમજણ દૃઢ કરાવનારી થોડી વાતો વાગોળીએ :
વાસ્તવમાં આપણને અન્ય કોઈ વ્યક્તિ હેરાન- પરેશાન નથી કરતી, આપણી અંદર રહેલા અંત:શત્રુઓ જ આપણને હેરાન-પરેશાન કરે છે, તેથી કોઈક સુજ્ઞ જને કહ્યું છે કે, When there is no enemy within you, the enemy outside cannot hurt you.
સારંગપુરના ૧૮મા વચનામૃત માં શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘સમજીને ટાળે તો દુ:ખ ને સ્વભાવ બેય ટળી જાય. માટે સમજુ હોય તે જ સુખી થાય છે.’
જેમ આપણે આપણા મોબાઇલ અને લેપટોપમાં એપ્લિકેશનો, સોફ્ટવેર વગેરે અપડેટ કરીએ છીએ; ઘર, દુકાન, ફેક્ટરી વગેરેમાં સાધનો, વસ્તુઓ વગેરે અપડેટ કરીએ છીએ; તેમ આપણે આપણી જાતને પણ અપડેટ કરવી જાઈએ.
આ દુનિયામાં સૌથી વધુ દુ:ખી અને હેરાન- પરેશાન થનાર કોઈ હોય તો તે છે, અજ્ઞાની - અણસમજુ. ગ.પ્ર.પ્ર.ના ૨૦મા વચનામૃત મુજબ અજ્ઞાનીમાં અજ્ઞાની એ છે કે જે પોતે પોતાને નથી જોતો, સમજતો અને જાણતો. માટે સૌ પ્રથમ આપણે પોતાને ઓળખીએ, સમજીએ અને સુધારીએ.
જે ક્રોધ, ઈર્ષ્યા અને નિંદા વગેરે કરે છે, તે પ્રથમ પોતે બળે છે, પછી બીજાને બાળે છે, માટે જેવાં તે હૃદયમાં પ્રવેશ કરે કે તરત તેમને કાઢી, હૃદયને પ્રેમ, સહાનુભૂતિ, લાગણી વગેરેથી ભરી દો.
સદ્.ગુણાતીતાનંદ સ્વામીએ કહેલ છે કે, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, તેવો પોતાને સમજવાનો હોય અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહીં..
પૂ.ગુરુજીએ પોતાના એક દોહામાં પણ આ જ વાત કરી છે,
‘જ્ઞાન’ ઝીણામાં ઝીણી, સ્વખામી પર ખૂબી જ;
ગિરિ સમ માનશો તેદિ; હરિ ને જશો પામી જ.