
એક હતો રાજા. તે પોતાના મોટા રાજ્યમાં ખૂબ જ સારું શાસન કરતો હતો. પ્રજા તેનાથી ખૂબ જ ખુશ હતી. પણ રાજાને કોઈ સંતાન હતું નહીં, તેથી રાજ્યના ઉત્તરાધિકારી અંગે સહુ ચિંતિત હતા. કુદરતને કરવું ને એક દિવસ અચાનક અકસ્માતમાં રાજાનું અવસાન થયું. બધાએ દુ:ખપૂર્ણ હૃદયે રાજાની બધી વિધિ પૂર્ણ કરી, પરંતુ રાજ્યનો રાજા હવે કોને બનાવવો ? તેની ચિંતા સહુને થવા લાગી.
રાજ્યના ડાહ્યા અને વફાદાર સહુ વડીલોએ મળીને નક્કી કર્યું કે, આવતીકાલે સવારે રાજ્યના મુખ્ય પ્રવેશદ્વારથી જે કોઈ પ્રથમ પ્રવશે કરે તેને આપણા રાજ્યનો રાજા બનાવવો. પરંતુ તેમાં એક શરત મૂકી કે તે વ્યક્તિ એક વર્ષ માટે જ રાજા તરીકે ના સર્વે અધિકારો ભોગવી શકશે, એક વર્ષ બાદ આપણા રાજ્યના એક નિર્જન અને હિંસક પ્રાણીઓથી ભરેલા ટાપુ ઉપર કાયમ માટે તેને તેના ભાગ્યના ભરોસે મૂકી દેવામાં આવશે. આ શરત જેને માન્ય હોય તે વ્યક્તિ જ રાજા બની શકશે.
બીજા દિવસે રાજ્યના મુખ્ય પ્રવેશદ્વારથી પ્રથમ પ્રવેશ કરનાર એક વ્યક્તિને આ શરત પ્રમાણે રાજા બનવાનું કહેવામાં આવ્યું. તે માણસે વિચાર્યું કે આખી જિંદગી આમને આમ ઢસરડા કરીને જીવવાની છે તો પછી એક વર્ષ રાજા બનીને જલસા કરી લેવામાં શું વાંધો ? એક વર્ષ પછી ટાપુમાં જિવાય તો જીવશું, નહિ તો હરિઈચ્છા; એવું વિચારીને તે રાજા બનવા તૈયાર થયો.
સર્વે મંત્રીમંડળ અને પ્રજાજનોએ તેનો રાજ્યાભિષેક કર્યો. નવા નિમાયેલા આ રાજાને તો સર્વે ભોગ-વિલાસ મળવા લાગ્યા. રાજાને તો મઝા પડી ગઈ, તે રોજને રોજ નવા નવા આનંદ-પ્રમોદના કાર્યક્રમો કરવા લાગ્યો. તેના હુકમ પ્રમાણે સહુ કોઈ તેને જે જોઈએ તેની વ્યવસ્થા કરવા લાગ્યા. નાચ-ગાન, ખાવું-પીવું, હરવું-ફરવું, માન-સન્માન વગેરે ભોગવતાં ભોગવતાં એક વર્ષ તો પૂરું થઈ ગયું.
મંત્રીમંડળે મળીને રાજાને કહ્યું, “મહારાજા ! આ રાજ્યના રાજા તરીકે નો આજે છેલ્લો દિવસ છે, આપણે નક્કી કરેલી શરત મુજબ આવતીકાલે સવારે આપને સન્માનભેર ધામધૂમથી આપણા રાજ્યના નિર્જન ટાપુ ઉપર મોકલી દેવામાં આવશે. આપના સ્થાને રાજ્યની શરત પ્રમાણે નવા રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવશે, માટે આપના વિદાય સમારંભમાં હાજર રહેવા આપ સવારમાં તૈયાર રહેજો.” આ સાંભળીને રાજાને તો ખૂબ જ મૂંઝવણ થવા લાગી, આખી રાત ઊંઘ ન આવી ને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો.
સવારે તેના વિદાય સમારંભ બાદ આખરી સવારી કાઢીને તેને રાજ્યના નિર્જન ટાપુ ઉપર મોકલી દેવામાં આવ્યો. સહુ કોઈ પાછા વળ્યા અને રાજા તો એકલો અટુલો ટાપુ ઉપર પહોંચી ગયો. ટૂંક કાળમાં જ તેને હિંસક પ્રાણીઓએ ફાડી ખાધો.
આ પ્રમાણે દર વર્ષે નવા નવા રાજા નિમાતા રહે અને મરતા રહે. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. છેવટે સહુને બીક લાગવા લાગી તેથી નવા રાજા માટેની વ્યક્તિ મળવી મુશ્કેલ થવા લાગી, તોપણ કોઈ ને કોઈ મૂર્ખાઓ તો મળી જ રહેતા.
એક વખત એક બુદ્ધિશાળી માણસે ખૂબ જ વિચારીને રાજ્યના રાજા તરીકેની શરતો બાબતે મંત્રીમંડળને પૂછપરછ કરતાં કહ્યું, “એક વર્ષ સુધી હું રાજા તો બનું પણ હું જે હુકમ કરું તેનું સહુ કોઈ યથાર્થ પાલન કરશે ને ?”
“હા હા જરૂર કરશે, રાજાના હુકમનો કોઈ કેવી રીતે અનાદર કરી શકે ? પરંતુ એક વર્ષ સુધી જ આપનો આદેશ સહુ કોઈ માનશે.” રાજ્યના મંત્રીમંડળના વડીલે કહ્યું.
તે બુદ્ધિશાળી માણસે રાજાનું પદ સ્વીકાર્યું, સહુએ ધામધૂમથી તેનો રાજ્યાભિષેક કર્યો. બીજે જ દિવસે સવારે તેણે મંત્રીમંડળની બેઠક બોલાવી ને હુકમ કર્યો કે, “આપણા રાજ્યના નિર્જન અને હિંસક પ્રાણીઓથી ભરેલા ટાપુ ઉપર આપણે હથિયારબંધ સેના સાથે જવાનું છે તો તેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે.”
મહારાજાના હુકમ પ્રમાણે સહુ તૈયાર થયા અને ટાપુ ઉપર પહોંચ્યા, ત્યાં જઈને જોયું તો ઘણાં બધાં મનુષ્યોનાં હાડકાંઓ જોવાં મળ્યાં. તેથી સહુને ભય લાગવા લાગ્યો. પરંતુ રાજાએ તો બારીકાઈથી આખા ટાપુનું નિરીક્ષણ કરી લીધું અને મનમાં પ્લાન બનાવી લીધો. ટાપુ ઉપર ફરીને સહુ પરત ફર્યા. રાજાએ તો બીજા દિવસથી જ ક્રમબદ્ધ કામો શરૂ કરાવી દીધાં. જાણકાર માણસોની ટીમ બનાવીને સૌ પ્રથમ તો ટાપુ ઉપરના હિંસક પ્રાણીઓને પકડીને બીજા જંગલોમાં છોડી દીધા. ત્યારબાદ ઈજનેરોના પ્લાન પ્રમાણે જંગલનું વ્યવસ્થિત કટીંગ કરાવ્યું અને સરસ રસ્તાઓ બનાવડાવ્યા.
સરોવરો, બગીચાઓ, મેદાનો વગેરે બનાવડાવ્યાં, સુંદર મજાના રાજમહેલનું નિર્માણ કરાવ્યું. પ્રજાજનો રહી શકે તેવાં અલગ અલગ પ્રકારનાં નાનાં મોટાં ઘણાં બધાં મકાનો બંધાવ્યાં. આમ સંપૂર્ણ સુખ-સુવિધાવાળું એક ભવ્ય નગર નિર્માણ થયું. ટાપુ ઉપર ચાલતા આ કામોનું નિરીક્ષણ કરવા રાજા અવારનવાર પધારતા અને જરૂરી સૂચનાઓ આપતાં છેવટે એક વર્ષ પૂરું થાય તે પહેલાં તો તે ટાપુને સ્વર્ગ જેવો બનાવી દીધો. રાજ્યના પ્રજાજનોનો વસવાટ પણ ત્યાં કરાવી દીધો. આખા વર્ષ દરમ્યાન રાજાએ પોતાને જ્યાં કાયમ વસવાટ કરવાનો છે તેની ઉપર જ ધ્યાન આપીને તેની બધી જ પૂર્વતૈયારીઓ કરી લીધી.
એક વર્ષ પૂરું થતાં જ ખૂબ જ આનંદથી નવા નગરમાં તે રાજા રહેવા પધાર્યા અને ખૂબ જ ખુશી સાથે રહેવા લાગ્યા. બુદ્ધિશાળી રાજાએ સમજી વિચારીને કાર્યો કર્યાં તો કાયમ માટે સુખી થયા.
વહાલા ભક્તો ! ભગવાને આપણને નક્કી કરેલા સમય પૂરતા જ આ કાયા નગરના રાજા બનાવ્યા છે. ત્યાર પછી ગમે કે ન ગમે પણ આ દેહ અને દુનિયા છોડવાં જ પડશે.
દેહ છોડીને જ્યાં કાયમ જવાનું છે તેની કોઈ પૂર્વતૈયારી કરીએ છીએ ? કે પછી આ લોકમાં જ પહોળા પડીએ છીએ ?
જો જો સાવધાન ! બરાબર તપાસજો કે આ લોકનું કરવામાં પરલોકનું કામ બાકી તો રહી નથી જતું ને...?