
અમરેલી પાસે આંબા ગામ છે. વિક્રમ સંવત ૧૯૧૬ની સાલમાં ત્યાંના હરિભક્તોએ ગામમાં મંદિર કરવાનો નિર્ધાર કર્યો. બધા ભક્તોએ મળી મંદિર બાંધવાનું કામ શરૂ કર્યું. થોડા દિવસમાં ચણતરકામ પૂરું થયું, પણ મંદિર માળવાનું બાકી રહી ગયું. ગામમાં દેવશી ભગત લુહાર બહુ જ વિશ્વાસુ, મહિમા અને નિષ્ઠાવાન ભક્તરાજ હતા. તેમણે હરિભક્તોને કહ્યું કે, ‘મંદિર તો પૂરું કર્યું પણ માળણ કામ બાકી રહ્યું છે એ પણ પૂરું કરી દેવું છે, એને માટે માળણનો સામાન (વળીઓ, દોરી વગેરે) બહારથી વેચાતો લાવવો પડશે તેનું કેમ કરશું ?’ ત્યારે હરિભક્તો કહે, ‘અમારી શ્રદ્ધા પ્રમાણે અમે બનતી સેવા કરી છે, હવે અમારાથી બીજી સગવડતા થાય એવું નથી.’
દેવશી ભગતની એવી કોઈ આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, છતાં તેમણે નક્કી કર્યું કે, મંદિર તો પૂરું કરવું જ છે. પછી તેણે પોતાના દીકરાની વહુનાં ઘરેણાં અમરેલી એક સોની પાસે કરાવ્યાં હતાં, તે ઘરેણાં લઈને અમરેલી ગયા. ઘરેણાં સોનીને પાછાં આપીને તેના પૈસા લીધા. સાત સો રૂપિયા આવ્યા. તેમાંથી માળણ માટેનો સામાન ભાવનગરથી લાવીને મંદિર પૂરું કર્યું. પછી સંતોને તેડાવી મહારાજની મૂર્તિ પધરાવી, સંતોને રસોઈ આપીને જમાડયા અને ધોતિયાં ઓઢાડયાં.
દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી કે, દેવશી ભગતે પોતાનું સર્વસ્વ મંદિર માટે ખર્ચી નાંખ્યું છે, હવે તેની પાસે કાંઈ છે નહીં.
હવે પરિસ્થિતિ એવી આવી કે ગામમાં તેઓ કાંઈક ઉછીના પૈસા લેવા જાય તો કોઈ આપે નહીં. અરે, ખાવા અનાજ કે પળી તેલ પણ કોઈ આપે નહિ એવી તેમની હાલત થઈ ગઈ.
આ બાજુ અમરેલીના સોનીએ દેવશી ભગતના વેવાઈને ચાડી કરી કે, દેવશી ભગતે તમારી દીકરીના ઘરેણાં વેચીને ગામમાં મંદિર કરાવ્યું છે. ત્યારે વેવાઈએ વિચાર્યું કે, ભગતની લાજ જાય એમ કરવું છે. તેથી તેણે દેવશી ભગતને કહેવડાવ્યું કે, ‘અમારે અમારી દીકરીનાં લગ્ન આ ને આ વર્ષે કરવાં છે. અને જો નહિ કરો તો અમે એને બીજે પરણાવી દેશું.’ આમ, દેવશી ભગતને મોટી મુશ્કેલી આવી પડી. વળી, ગામના લોકો પણ ભગતની મશ્કરી કરવા લાગ્યા કે, “દાનેશ્વરીનો દીકરો થઈ છોકરાની ઘરવાળીનાં ઘરેણાં વેચી મંદિર કર્યું અને હવે લગ્ન કરવા તૈયાર થયો છે, તે ઓલી અમરેલીવાળીને શું પહેરાવશે ?” આમ બધા મદદ કરવાને બદલે મેણાં-ટોણાં મારવા લાગ્યા.
ઘરના માણસો પણ ચિંતા કરવા લાગ્યા કે ઘરમાં કાંઈ છે નહિ હવે શું કરશું ? પરંતુ દેવશી ભગતને તો ભગવાન સ્વામિનારાયણ પર પૂરો વિશ્વાસ હતો; એટલે ઘરના માણસોને ધીરજ આપતાં કહ્યું, “મહારાજ આપણી સાથે છે, શું કામ ચિંતા કરો છો ?” એમ કહી નરશી મહેતાનો પ્રસંગ કહ્યો કે, “જેમ શ્રીકૃષ્ણ ભગવાને શામળશાના લગ્ન કરી દીધા હતા, તેમ આપણા દીકરાના લગ્ન પણ શ્રીહરિજી કરી દેશે. લોકોને જેમ બોલવું હોય તેમ ભલેને બોલે, આપણે શ્રીહરિમાં વિશ્વાસ રાખી ભજન કરો.” આમ, ભગવાન પર ભરોસો રાખી ભજન કરવા લાગ્યા.
એહ ભરોસો ભીતરે, અચળ છે ઉરમાંય;
શરણાગતની શ્યામળા, સદા કરો છો સહાય.
ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણે એ જ રાત્રિએ દેવશી ભગતને દિવ્યરૂપે દર્શન આપીને કહ્યું, “હે ભક્તરાજ ! તમે જરાય ચિંતા કરશો નહિ, અમે તમારી સાથે જ છીએ. તમે અમારે અર્થે બહુ કર્યું છે. તમારા ઉપર હું અતિ પ્રસન્ન થયો છું. તમો દીકરાને લઈ અમરેલી પરણાવવા જજો, અમે આવીને બધું ઠીક કરી આપશું.” એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા.
પછી તેઓ દીકરાની જાન લઈને ગાજતે-વાજતે અમરેલી ગયા. જ્યારે માંડવામાં કન્યા પધરાવી ત્યારે વેવાઈએ ભગતની લાજ જાય તે માટે માંડવામાં જ ઘરેણાં તથા રૂપિયા માંગ્યાં. એમને મનમાં એમ કે ક્યાંથી ચૂકવશે ? પરંતુ એ જ સમયે શ્રીજીમહારાજ વણિકનો વેષ ધારણ કરીને આવ્યા. પોતે જરિયાની વસ્ત્ર ને ધોતી પહેરેલી છે, માથે અણિયાળી ટોપી ને હાથમાં છડી છે. સાથે થોડા માણસો છે ને એમની પાસે ઘરેણાં અને રૂપિયાની પોટલીઓ છે; એવી રીતે મહારાજ પધાર્યા. ત્યારે સહુ જોઈ રહ્યા કે આ કોણ ? મહારાજે માંડવામાં આવીને જેટલાં ઘરેણાં તથા રૂપિયા માંગ્યા તેટલાં ચૂકવી દીધાં અને કહ્યું, ‘હવે જોઈએ તો બોલો.’
વેવાઈને લાગ્યું કે આ ઘરેણાં ખોટાં તો નહિ હોય ને ! પછી તેણે શંકાનું સમાધાન કરવા માટે સોનીને બોલાવીને તે ઘરેણાં બતાવ્યાં. ત્યારે સોની તે ઘરેણાં જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયો અને બોલ્યો, “અહો ! આવું સોનું અને આવાં ઘરેણાં તો મેં મારી જિંદગીમાં ક્યારેય જોયાં નથી !!”
પછી ઘરેણાં ને રૂપિયા લઈને વેવાઈ કહે, “તમો કોણ છો ?” ત્યારે મહારાજ કહે, “અમે જૂનાગઢના પુરુષોત્તમ શેઠ છીએ અને આ પુરુષોત્તમ શેઠની પેઢીનો માલ છે !” શેઠના રૂપમાં રહેલ મહારાજની છટા જોઈનેે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આમ, દિવ્યરૂપે આવેલા મહારાજ લગ્નનો તમામ ખર્ચ ચૂકવી દઈને પછી ચાલતા થયા અને ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયા. ત્યારે ત્યાંના લોકો શેઠને ગોતવા માંડયા, પણ ક્યાંય હાથ આવ્યા નહીં. પછી ધામધૂમથી દેવશી ભગતના દીકરાના લગ્ન થયા. આમ, મહારાજે દેવશી ભગતની લાજ રાખી.
વહાલા ભક્તો ! જેને જેને ભગવાન વશ થયા છે, જેનાં જેનાં ભગવાને કામ કર્યાં છે, એના જીવનમાં સમર્પણ જોવા મળે છે. દેવશી ભગતે ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને પણ જો મંદિર બંધાવ્યું તો મહારાજ રાજી થઈ એમનું કામ કરી ગયા. આવા સમર્પણ માટે જરૂર છે : નિષ્ઠા, મહિમા અને વિશ્વાસની. અને આ ત્રણેય વાનાં આવે છે ભગવાન અને મોટાપુરુષને રાજી કરવાથી. માટે જ્યારે જ્યારે જીવનમાં એમને રાજી કરવાનો અવસર આવે ત્યારે એ તક ચૂકવી નહિ, રાજી કરી લેવા.