પાર્વતીબાનું મચકણિયું

પાર્વતીબાનું મચકણિયું

વ્રજલાલ શેઠ દશા શ્રીમાળી વાણિયા વડોદરામાં રહેતા હતા. તેમને પાર્વતી નામે દીકરી ઉત્તમ સત્સંગી હતી. તેને સમાધિ થતી, પણ તેના સસરાના ઘરે કોઈને સત્સંગ ન હતો; તેથી પાર્વતીને મહેણાં મારી સત્સંગની નિંદા કરી સંતાપતાં હતાં. પછી એક સમયે વડોદરાથી ગોકુળ, મથુરા યાત્રાસંઘ જઈ રહ્યો હતો. પાર્વતીબાઈનાં સાસુ આદિક તેમની સાથે જાત્રાએ જવા તૈયાર થયાં અને પાર્વતીને કહ્યું કે, “તું તો સ્વામિનારાયણની સત્સંગી છો, તેથી તને જાત્રાએ નહિ તેડી જઈએ અને તને જમુનામાં સ્નાન નહિ કરાવીએ.”

ત્યારે પાર્વતીએ કહ્યું કે, “બહુ સારું. તમે મને ગોકુળ, મથુરા નહિ તેડી જાઓ અને સ્નાન નહિ કરાવો, પરંતુ મારા પિતાજી ગઢડે જાત્રાએ જવાના છે, તે મને ત્યાં તેડી જશે. ત્યાં ઘેલા નદીમાં હું સ્નાન કરીશ એટલે મારે તો બધાં તીર્થમાં સ્નાન થયું. કેમ જે, પ્રત્યક્ષ ભગવાને એમાં ઘણાં વર્ષ સુધી હજારો સંત-હરિભક્તો સહિત સ્નાન કરી ઘણી વાર જળક્રીડા કરી છે. તેના અતિ અપાર આનંદથી એ નદી હર્ષઘેલી થઈ ગઈ છે. તે ઉન્મત્તગંગાના સ્પર્શથી પશુ તથા એના ઉપર થઈને ઊડીને જતાં પક્ષીઓ પણ દેહ મૂક્યા પછી વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જાય છે.”

ત્યારે એની સાસુ મોઢું મચકોડીને બોલી કે, “જા, જજે. તારી ઘેલી નદીમાં નાહીને, ઘેલી થઈને, માથે હાથ દઈને રડજે.” ત્યારે પાર્વતી કહે, “તમે જમનાજીમાં નાહીને, માથે હાથ દઈને રડજો. હું શીદ રડું ? હું તો પ્રગટ ભગવાનનું ભજન કરીશ.” પછી પાર્વતીનાં સાસુ-સસરા વિગેરે ઘરનાં બધાં જાત્રાએ ગયાં. ખરા મોતીનું અઢીસેં રૂપિયાની કિંમતનું કાનનું મચકણિયું પાર્વતીને તેના બાપે આપેલું હતું, તે પાર્વતીનાં ઘરેણાંના દાબડામાં હતું; પણ તે પાર્વતી ન જાણે એમ જતી વખતે એની સાસુએ છાનું લઈ લીધું. તે જાત્રાએ ગઈ ત્યાં કાનમાં પહેરતી હતી. ત્યારપછી કેટલાક દિવસે વ્રજલાલભાઈએ ગઢડે જવા સંઘ કાઢ્યો, તેમની સાથે પાર્વતી ગઢડે ગઈ.

હવે મથુરા ગયેલી એની સાસુ એકાદશીને દિવસે સવારમાં પાંચ-સાત બાઈઓની સાથે જમુનાજીમાં નહાવા ગઈ. તેમાં નહાતાં નહાતાં પેલું કાનમાં પહેરેલું મચકણિયું હાથની ઝપટ લાગવાથી પાણીમાં ડબ લઈને પડી ગયું. તે જોઈ, “હાય હાય ! મારું મચકણિયું પાણીમાં પડી ગયું રે !” એમ કહી, પછી એણે તથા બીજી બાઈઓએ મળી ઘણું ખોળ્યું, પણ ઊંડા પાણીમાં ક્યાંય તણાઈ ગયું; તે શાનો પત્તો લાગે ! પછી ખોળી થાકીને, માથે હાથ દઈને રોવા લાગી. “હાય હાય ! તે મચકણિયું તો પાર્વતીનું હતું. તેનાથી છાની રીતે હું પહેરવા લાવી હતી. હવે એના બાપને હું શો જવાબ દઈશ ? હાય હાય ! હવે મારે અઢીસેં રૂપિયાનો ખર્ચ થશે.” એમ કહી માથે હાથ દઈને રડવા લાગી.

આ બાજુ ગઢડે ગયા પછી પાર્વતી પણ કેટલીક બાઈઓ સાથે ઘેલા નદીમાં નહાવા ગઈ. ત્યાં ખળખળિયામાં જળના પ્રવાહમાં બેસીને નહાતાં નહાતાં બધાં તીર્થ સંભારી અતિ પ્રેમમાં બે હાથની પોશો ભરીને જળ પોતાને માથે રેડવા માંડયું અને બોલવા માંડયું, “આ ગંગાસ્નાન કર્યું, આ સરસ્વતી, આ રેવા, આ જમુના.” એવું નામ લેતામાં પાણીની પોશ ભરીને માથે રેડે છે કે તરત તેમાં પેલું મચકણિયું પાર્વતીએ દીઠું કે, “આ તો મારું મચકણિયું છે.” એમ એણે ઓળખ્યું. તેથી અતિ આશ્ચર્ય પામી કહેવા લાગી કે, “આ તો મારાં ઘરેણાંના દાબડામાં મૂકેલું હતું. હું તો અહીં લાવી નથી ને આ જળના પ્રવાહમાં, જમુના નદીનું નામ લેતાં મારી પોશમાં ક્યાંથી આવ્યું ? ને કેમ થયું ? તે તો મહારાજ જાણે !” પછી સ્નાન કરીને રસ્તામાં આવતાં શ્રીહરિને સંભારી, “ઓ મહાપ્રભુ ! આ મારું મચકણિયું અહીં શી રીતે આવ્યું હશે !” એમ પ્રાર્થના કરતી શ્રીગોપીનાથજી મહારાજનાં દર્શન કરીને બાઈઓ સાથે દરબારમાં મોટીબાનાં દર્શન કરવા ગઈ; ત્યાં પગે લાગીને બેઠી.

ત્યારે મોટીબાએ પૂછ્યું કે, “પાર્વતી ! તારા બાપ તો મોટા મુક્ત છે ને તું પણ શ્રીહરિને વિશે અતિ હેતવાળી છે; તેથી સત્સંગ માથા સાટે રાખે છે; પણ તારાં સાસરિયાં કોઈ સત્સંગી નથી, ખરું ?” પછી બીજી બાઈઓ એની સાથે આવ્યાં હતાં તે બોલ્યાં કે, “મોટીબા ! એ તો બહુ સારી સત્સંગી છે, પણ એનાં સાસરિયામાં તો કોઈને સત્સંગ નથી, તેથી એને ઘણું સંતાપે છે; તોપણ એ પાર્વતી તેમને કંઈ શ્રીહરિના પ્રતાપની વાતો કરીને સત્સંગી કરતી નથી.” પછી મોટીબા હસીને બોલ્યાં કે, “પાર્વતી તો સત્સંગી કરશે જ, પણ પાર્વતીના કાને પહેરેલું આ જે મોતીનું મચકણિયું છે; તે પણ એનાં બધાં સાસરિયાંને સત્સંગી કરશે. કેમ કે, પ્રત્યક્ષ ભગવાનનું મહાતીર્થ આ ઉન્મત્તગંગા છે તેમાં તે મચકણિયું નાહ્યું છે; માટે એ જડ છે તોપણ મોટા મુનિ તુલ્ય છે. એનાં દર્શન કરી પાપી પણ પવિત્ર થશે ને નિંદા કરનાર પણ સત્સંગી થશે.”

આવું સાંભળી પાર્વતી સહિત બધી બાઈઓ અતિ વિસ્મય થયાં અને પાર્વતીને કહ્યું કે, “તું તારે ઘેર ગયા પછી તારાં સાસરિયાં જાત્રાથી આવે ત્યારે આ મચકણિયું દેખાડજે, તેથી સર્વે એનાં દર્શન કરી માહાત્મ્ય જાણશે અને સર્વે સત્સંગી થશે.” પછી ગઢપુરથી વ્રજલાલ શેઠ સર્વે સંઘ સહિત જૂનાગઢ તથા પંચતીર્થની જાત્રા કરી વડોદરે આવ્યા. ત્યારપછી થોડા દિવસે પાર્વતીનાં સાસરિયાં પણ ગોકુળ,થુરાની જાત્રા કરીને આવ્યાં. ત્યારે પાર્વતીએ પોતાનાં સાસુને કહ્યું કે, “મારાં ઘરેણાંનો દાબડો મેં તમને પટારામાં મૂકવા આપ્યો છે તે કાઢી આપો.” પછી એની સાસુએ તે કાઢી આપ્યો, ત્યારે તે ઉઘાડીને જોયું તો તેમાં મચકણિયું દીઠું નહીં. તેથી પાર્વતીએ કહ્યું કે, “મેં તમારા દેખતાં બધું ઘરેણું દાબડામાં મૂકીને સોંપ્યું હતું, તેમાંથી મારું મચકણિયું ક્યાં ગયું ?” પછી તેની સાસુએ માન્યું ને કહ્યું કે, “હું જાત્રા ગઈ ત્યાં મારે પહેરવા લઈ ગઈ હતી. તે જમનાજીમાં નાહતાં નાહતાં મારા હાથની ઝપટથી ઊંડા પાણીમાં નીકળી પડયું. તે ઘણું ખોળ્યું પણ જડયું નહીં. પછી માથે હાથ મૂકીને રડી. હવે એ વાત તારા બાપને કહીશ નહીં. હું તને બીજાં મોતી વેચાતાં લઈને એના જેવું જ મચકણિયું કરાવી આપીશ.”

પછી પાર્વતીએ પૂછ્યું કે, “તમે જમુનાજીમાં નહાતાં મચકણિયું ખોયું, તે દિવસ શી તિથિ હતી ?” તો કહે, “એકાદશીને દિવસ સવારમાં.” પછી પાર્વતી બોલી કે, “એ જ દિવસે સવારમાં હું પણ ઘેલા નદીમાં નહાતી હતી. ત્યાં બધાં તીર્થ સંભારતાં જ્યારે જમુનાજીને સંભારી માથે જળ રેડવાની પોશ ભરી કે, તેમાં એ મચકણિયું મેં તરત દીઠું. તે જુઓ, આ રહ્યું !” એમ કહી તે દેખાડયું. તે જોઈ એમની સાસુ તથા બધાં સગાં અતિ આશ્ચર્ય પામ્યાં ને એ મચકણિયાને ઓળખીને પગે લાગીને બોલ્યાં કે, “બાઈ, તારી પ્રેમભક્તિ ખરી છે અને સ્વામિનારાયણ ભગવાન છે; એમ અમે નિશ્ચે જાણ્યા. કેમ જે, મારાથી જમુનાજીમાં ખોવાયું તે જ આ મચકણિયું તારી પાસે છે. ઓહોહો ! ક્યાં ગોકુળ-મથુરા ને ક્યાં ગઢડા !! ક્યાં જમુનાજી ને ક્યાં ઉન્મત્તગંગા !! હજાર ગાઉનું છેટું છે. ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને ! ને ધન્ય છે એ મહાતીર્થ ઉન્મત્તગંગા ને ! અને ધન્ય છે બાઈ તારા પવિત્ર પાર્વતી નામ ને ! તેં તો અતિ પ્રેમથી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ વડે અમારી એકોતેર પેઢી તારી.” એમ કહી પાર્વતીને તથા મચકણિયાને પગે લાગીને પાર્વતીનાં સાસરિયાં બધાં આશ્ચર્ય પામી સત્સંગી થયાં. અને પાર્વતીની સાથે નિત્ય મંદિરમાં દર્શન કરવા આવતાં ને પ્રગટ ભગવાનનું ભજન કરવા માંડયું ને પાર્વતીનો ઘણો મહિમા જાણ્યો ને ફરીથી પાર્વતીની સાથે એનાં સાસરિયાં સર્વે શ્રીગઢપુરની જાત્રા કરવા ગયાં હતાં.