પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ...

પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ...

સત્સંગનો પ્રતાપ તો જુઓ, નહિ તો આજ હળાહળ કળિયુગમાં દ્રવ્ય મળે ને કોની મતિ ફરે નહિ ? પણ આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. તે અમરેલીમાં ખોડાભગત હતા. તેમની નાની દીકરી નદીએ કપડાં ધોવા ગઈ, ત્યાં એક શાહુકારની સ્ત્રી કપડાં ધોઈને ગયેલી. તેનું સાતસો રૂપિયાનું ઘરેણું પડી રહેલું. તે ખોડાભગતની દીકરીએ જોયું તે લૂગડાંમાં સંતાડીને ઘરેલાવી ને પોતાના પિતાને કહ્યું, “મને નદીએથી જડયું.”

ત્યારે ખોડાભગત કહે, “અરે ! દીકરી આપણે સત્સંગીએ કોઈની પડી વસ્તુ ન લેવાય.” પછી ખોડાભગતે ઘરેણું લાકડીમાં પરોવીને માણેકચોકમાં આવીને જાહેર કર્યું કે, “અમે સત્સંગી, તે કોઈની પડી વસ્તુ લેતા નથી, પરંતુ આ મારી દીકરી નાની ને અણસમજુ તેથી નદીએ કોઈનું ઘરેણું પડયું રહેલ તેને હાથ આવ્યું તે લાવી છે. માટે જેનું હોય તે લઈ જાય.” પછી સરકારી માણસોએ શહેરમાં ઢંઢેરો પીટાવ્યો. પછી શાહુકારની સ્ત્રીએ કહ્યું કે, “મારું છે.” પછી તેમણે નિશાની આપી ને પાછું આપ્યું; આવો સત્સંગનો પ્રતાપ છે. તે સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે કે,

“પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ...અક્ષર”

માણાવદરમાં રાજા મુસલમાન હતો, પણ તે સત્સંગીનો ગુણ એમ જાણે જે સત્સંગી ચોરી કરે નહીં. તેથી તે સત્સંગીના વાડે ને ખળે હવાલદારને મોકલે નહિ. કેમ જે લોકને ખોટું ખર્ચ ન કરાવવું. પછી વેપારી કહે, “મુસલમાન ખરા ને આંધળું રાજ્ય, કદાચ મોટા ચોરી ન કરે પણ છોકરાં ચોર્યા વિના રહે નહીં.”

તે સત્સંગીનાં છોકરાંની પરીક્ષા લેવા સારુ બજારમાં અગાઉથી વેપારી દોકડા નાખી દે ને સત્સંગીનાં છોકરાં નીકળે તે દોકડા સામી નજર પણ ન કરે. ત્યારે પેલા વેપારી કહે, “છોકરાઓ, જો કોઈકના દોકડા પડયા છે તે લઈ જાવ.” ત્યારે તે સત્સંગીનાં છોકરાં કહે, “અમે ન લઈએ અમે સત્સંગી છીએ, તે કોઈની પડી વસ્તુ ન લઈએ.” ત્યારે વેપારીઓ કહે, “જેનાં છોકરાં પડી વસ્તુ લેતાં નથી, તે મોટા ચોરી કેમ કરે ?” એમ વેપારીને સત્સંગી પ્રત્યે વિશ્વાસ જાગ્યો ને ગુણ આવ્યો.

સત્સંગ વિના નિયમ ક્યાં છે ? સત્સંગી હોય તેની છાપ પડે ત્યારે ખરો કહેવાય. તે ગામ ચાડિયામાં રામ ભંડેરીનો દીકરો જીવો રહેતો. તેને ખડનું બીડ હતું, તેની બાજુમાં કુસંગીનું ખેતર. તેમાં વણવાવેલ તેના ચીભડાના વેલા આના બીડમાં આવ્યા ને ચીભડાં થયા. પેલા કુસંગીએ ધ્યાન રાખ્યું જે સત્સંગી ચોરી કરે નહિ, પણ જોઈએ હવે શું કરે છે ? જીવોભાઈ ખડ વાઢે પણ એકેય ચીભડું લે નહીં. ત્યારે કુસંગી આવ્યો ને કહે, “જીવાભાઈ ! ચીભડાં કેમ લેતા નથી ? ખાવ તો ખરા.”

ત્યારે જીવોભાઈ કહે,અમારે સત્સંગીને ચોરીને લેવાય નહીં. મારે તો તારાં ચીભડાં ને પથ્થરા એ બેય બરોબર છે.” ત્યારે તે કહે, “જીવાભાઈ ! તમે સત્સંગી ખરા હોં ! પણ હવે હું કહું છું કે ચીભડાં ઘરે લઈ જજો ને જમજો.” ત્યારે જીવાભાઈ કહે, “તમે કહો છો તો લઈએ, પણ કોઈની ચીજ પૂછ્યા વિના અમારે સત્સંગીથી લેવાય નહીં.”

આમ, જ્યાં જુએ ત્યાં ભગવાન ને ભગવાનની આજ્ઞા જ નજરમાં હોય એવી જેની વૃત્તિ હોય તેનાથી આજ્ઞા લોપાય નહિ અને જ્યાં સુધી નાસ્તિકપણું છે ત્યાં સુધી આજ્ઞા લોપાય છે જે, ભગવાન ક્યાં ભાળે છે ? માણસની મર્યાદા રહે છે, પણ ભગવાનની નથી રહેતી એ જ અજ્ઞાન છે. માટે આવાં અજ્ઞાનને ઓળખવાં અને ટાળવાં માટે ખરા ખપથી સાચા સાધુનો સમાગમ કરી સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા-ધર્મનિયમની દૃઢતા કરી ભગવાનની આજ્ઞા-ઉપાસના પરાયણ જીવન જીવશું તો મહારાજ આપણા ઉપર અતિશય રાજી થશે.