
એક દિવસ શ્રીજીમહારાજ શ્રીવડતાલ મધ્યે ગોમતીજીને કાંઠે સભા કરીને વિરાજમાન થયા હતા. તે સમે મુક્તાનંદ સ્વામીને અદ્ભુતાનંદ સ્વામી કહે જે, “આપણને દોઢસો સાધુને મહારાજે સુરત મોકલ્યા હતા. તે દિવસે વિમુખની સાથે બોલવાની બંધી કરી હતી. ને અમે ફરતાં ફરતાં સુરત ગયા ને ત્યાં એક વાડીમાં ઊતર્યા. ને અમે ગામમાં ભિક્ષાવૃત્તિ કરી લાવીએ ને જમીએ.
એ સમયે બધા સાધુ માંદા થયા અને હું એક સાજો હતો. તેથી સર્વે સંતની સેવા કરું. તે કોઈ સંતને રાબ જોઈએ અને કોઈ સંતને રોટલો જોઈએ. તે ગામમાં સાંખ્યયોગી બાઈઓને ખબર કરાવું, એટલે તે કરી લાવે. વળી, ત્યાં સંતોનો એક કૂવો હતો. તેનું થાળું બાંધીને ત્રણ દેગડીઓ ઊનું પાણી રેડું ને બીજું ટાઢું નાખું; એવી રીતે સંતોને નવરાવું ને જમાડું. આમ સેવા કરતાં કરતાં ત્રણ સંત તો ભગવાનના ધામમાં ગયા. તેમનાં નામ : એક અખિલબ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી, બીજા ત્રીવિક્રમાનંદ સ્વામી ને ત્રીજા પ્રભવાનંદ સ્વામી; એ ત્રણેય સંતે ઐશ્વર્ય-પ્રતાપ જણાવીને એમ કહ્યું જે, ‘આ મહારાજ તેડવા આવ્યા છે ને અમે અક્ષરધામમાં જઈએ છીએ.’ એવી રીતે કહીને બધા ધામમાં ગયા. ત્યાર પછી સર્વે સંતો સાજા થયા. વળી, કોઈકે સંતોની ઝોળીમાં ઝેર નાંખ્યું, ત્યારે પણ મહારાજે સંતોની રક્ષા કરી ને સાજા કર્યા. પછી સંતો હરિજનોને કથાવાર્તા કરવા મંડયા.
તે સમયે ત્યાં એક ધ્યાનાનંદ કરીને સાધુ હતા. તે આકરા વર્તતા. તેથી પોતાના સ્વભાવને વશ થઈને સત્સંગ મૂકીને નીકળી ગયેલા, પણ સ્વામિનારાયણનો નિશ્ચય ત્રણેય અવસ્થામાં પેઠેલો. તેથી પાંચ-પચીસ ગાઉ જાય ને ત્યાં કોઈ સ્વામિનારાયણનું નામ લે એવો કોઈ ન દેખાય, ત્યારે અકળાઈને વળી પાછા જ્યાં સ્વામિનારાયણનું નામ લેવાતું હોય એવા સત્સંગી જ્યાં હોય ત્યાં આવીને રહે. તે સાધુ (અદ્ભુતાનંદ સ્વામી કહે જે,) અમે જ્યાં ઊતર્યા હતા ત્યાં આવીને બેસવા મંડયા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘તમારી સાથે અમારે બોલવાની પણ આજ્ઞા નથી.’ ત્યારે તે સાધુ કહે જે, ‘તમે કહો તો આ દૂર જે લોકો ઊભા છે, ત્યાં હું ઊભો રહું ને તમારાં દર્શન કરું.’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘ઠીક.’ તેથી તે સાધુ છેટે ઊભા રહે, ને લોકોને વાતો કરે ને કહે જે, ‘આ સાધુ તો સોનાની થાળી જેવા છે, ને હું તો લોઢાના ખીલા જેવો છું.’ એવી રીતે દોઢ મહિના સુધી વાતો કરીને ઘણાને સત્સંગ કરાવ્યો. તેથી સંત સર્વે એમના ઉપર રાજી થયા. જ્યારે અમને ‘મહારાજ વડતાલ આવ્યા છે’ એવા સમાચાર મળ્યા, એટલે અમે વડતાલ જવા નીકળ્યા ત્યારે તે ધ્યાનાનંદ સ્વામીને પણ અમારી સાથે તેડી લાવ્યા.
જ્યારે અમે વડતાલ પહોંચ્યા ત્યારે મહારાજ ગોમતીજીને કાંઠે સભા કરીને વિરાજમાન હતા. ને હજારો સંત તથા હરિજનો બેઠા હતા. તે સમે ધ્યાનાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને કહે જે, ‘હે મહારાજ ! કાં તો મારો નિશ્ચય તોડી નંખાવો તો હું જ્યાં ત્યાં કંઈક કાળું મોઢું લઈ પડયો રહું. ને આ તમારા સંતો તો સોનાની થાળી જેવા છે ને હું તો લોઢાના ખીલા જેવો છું. તે તમારા સંતને લાજ પમાડું છું.’
એવું વચન એ સાધુનું સાંભળીને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે જે, ‘હે મહારાજ ! એનો નિશ્ચય તો એવો છે, ને અમે કહ્યું જે, છેટા ઊભા રહો તો છેટે દોઢ માસ ઊભા રહી ઘણા કુસંગીને સત્સંગી કર્યા.’ એવી રીતનું મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળીને મહારાજ તેની ઉપર દયા કરીને કહે જે, ‘હે ધ્યાનાનંદજી, તમે સત્સંગમાં રહો.’ ત્યારે તે ધ્યાનાનંદ સ્વામી કહે જે, ‘હે મહારાજ ! તમે તો મને રાખો છો, પણ મારો સ્વભાવ મને રહેવા દેતો નથી.’ ત્યારે મહારાજ કહે જે, ‘રહો, હવે રહેવા દેશે.’ ત્યારે તે સાધુ રહ્યા. ને અઢી મહિના સત્સંગમાં રહીને દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા. એવી રીતે નિશ્ચયનું બળ હતું, તો મોક્ષ થયો.”
વહાલા ભક્તો ! ધ્યાનાનંદ સ્વામીનો સ્વભાવ આકરો હતો, પરંતુ ભગવાનનો નિશ્ચય દૃઢ હતો ને સંતોનો ખૂબ જ મહિમા હતો. વળી, તેઓ પોતાના જ દોષો જોતા હતા ને સંતોના તો ગુણ જ જોતા. તેથી સંતોનો રાજીપો થયો ને મહારાજના આશીર્વાદથી સત્સંગમાં સુખે રહ્યા અને મહારાજને પામ્યા. જો આપણે પણ ધ્યાનાનંદ સ્વામીની જેમ ભગવાનનો દૃઢ નિશ્ચય રાખીશું અને પોતાના જ દોષો જોઈશું અને સંતો-ભક્તોના ગુણ જ લઈશું; તો આપણે પણ મહારાજને પામી જઈશું.