
વહાલા ભક્તો ! આધારાનંદ સ્વામી કૃત શ્રીહરિચરિત્રામૃતસાગર પૂર-૧૫ તરંગ-૯૯માં એક વાત આવે છે.
ગઢપુરથી એક વખત મહારાજે શુકમુનિ પાસે સંતો-હરિભક્તો પ્રતિ એક પત્ર લખાવ્યો હતો. એમાં એકાદશીનું જાગરણ કેમ કરવું ? એ વિશે વાત લખી હતી. આ પત્રમાં શ્રીહરિએ એક એવી વાત લખાવી કે, જે ભક્તજન ભજન-સ્મરણ કરશે તેને ભગવાન પ્રગટ દર્શન આપશે. તેને સાક્ષાત્ પરમાત્મા મળશે. આ વાતને પુષ્ટિ આપે એવી એક અદ્ભુત કથા સદ્ગુરુ ગાથા ભાગ-૨માં પ.પૂ.સદ્.શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામી-છારોડીવાળાએ એમના ગુરુના ગુરુની લખી છે.
૧૯૫૮ની સાલમાં જૂનાગઢના સંત ગોપીનાથજી પુરાણી ઉપેલટા ગામમાં પધાર્યા હતા. એક દિવસ સ્વામી મંદિરમાં કથા કરી રહ્યા હતા. અને ભગવાનનાં સાક્ષાત્ દર્શન કરવાં હોય તે ભક્તને તત્પરતા કેવી હોવી જોઈએ ? તે અંગે ભાવવાહી કથા શ્રોતાજનો સાંભળી રહ્યા હતા.
એમાંના એક ઉપલેટા ગામની શાળાના પ્રિન્સિપાલ ભાઈશંકરભાઈને આ વાત અંતરમાં ઊતરી ગઈ. એમને મનમાં એમ થયું કે, હવે જો પરમાત્માનાં સાક્ષાત્કાર દર્શન ન થાય તો આ જીવનનો કોઈ અર્થ નથી, એટલે જિજ્ઞાસાથી સ્વામીને પ્રાર્થના કરી કે, “સ્વામી, કૃપા કરીને પરમાત્માનાં સાક્ષાત્ દર્શન થાય એવો મને ઉપાય બતાવો ને.”
ગોપીનાથજી પુરાણી અતિ પ્રવિત્ર અને નિર્દંભી સંત હતા. શ્રીહરિનાં પ્રગટ દર્શન માટેની શ્રોતાની આતુરતા જોઈને પુરાણી સ્વામી ઊંડા ઊતરી ગયા. એમના મનમાં એમ થયું કે, ‘જ્યાં સુધી મને શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યાં સુધી મારાથી આ પ્રશ્નનો યથાર્થ જવાબ કઈ રીતે આપી શકાય ? મારે ખુદને તો હરિદર્શનની પ્યાસ હોવી જ જોઈએ.’
પછી પુરાણી સ્વામીએ કહ્યું, “ભાઈશંકર ! શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ હોય તો શ્રીહરિ અવશ્ય દર્શન આપે છે; પરંતુ આ અંગેની વિશેષ ચર્ચા આપણે પછી કરીશું.”
સ્વામીએ મોટા સંતો પાસેથી એવું સાંભળેલું કે, ‘જો કોઈ ખરા દિલથી ખાધા-પીધા વિના ત્રણ દિવસ અને ત્રણ રાત શ્રીહરિનું અખંડ સ્મરણ કરે, ભગવાનમાં અખંડવૃત્તિ રાખે, અખંડ ભજન કરે; તો મહારાજ એને પ્રત્યક્ષ દર્શન આપે છે.’ આથી સ્વામીએ મોટા સંતોના વચનને વિશ્વાસપૂર્વક પ્રયોગમાં મૂકી, શ્રીહરિનો સાક્ષાત્કાર કરવાનો દૃઢ નિશ્ચય કર્યો.
એક દિવસ નક્કી કરી, નિર્જળા ઉપવાસ કરી, મંદિરના નાનકડા એકાંત ઓરડામાં મહારાજની મૂર્તિ પધરાવી અને મૂર્તિ આગળ બેસી ગયા, ધ્યાનસ્થ થયા અને અખંડ એકતાર સ્વામિનારાયણ...સ્વામિનારાયણ સ્મરણ ચાલુ કર્યું, અને આશ્ચર્ય થયું.
બીજા દિવસની વહેલી સવારનો સમય હતો. ઓરડીમાં અચાનક તેજ..તેજ..તેજ થઈ ગયું. તે તેજમાં ભગવાન શ્રીહરિની કિશોર મૂર્તિ મંદમંદ હસતી હસતી એમની સામે પ્રગટ થઈ. પુરાણી સ્વામી સામે પ્રેમભરી દૃષ્ટિથી શ્રીહરિ મંદમંદ હસી રહ્યા હતા. આ અદ્ભુત મૂર્તિનાં દર્શનથી પુરાણી સ્વામીના અંતરમાં અત્યંત આનંદ થયો. હૃદય ગદ્ગદ થઈ ગયું, નેહથી આંખમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી અને તેઓ પ્રગટ થયેલા પુરુષોત્તમ શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. થોડીવારમાં શ્રીહરિ એમની નજર સમક્ષથી અદૃશ્ય થઈ ગયા.
આ રીતે શ્રીજીમહારાજના સાક્ષાત્કારથી પુરાણી સ્વામી ભારે ધન્યતા અનુભવવા લાગ્યા, પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા અને અનુષ્ઠાન પૂરું કર્યું.
શ્રીહરિના સાક્ષાત્કારને લીધે પુરાણી સ્વામીનું મુખારવિંદ અત્યંત દેદીપ્યમાન બની ગયું. એમના રોમેરોમમાંથી શ્રીહરિની દિવ્ય અનુભૂતિનો આનંદ નીતરી રહ્યો હતો. એમની તીવ્ર શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેના પ્રેમને લીધે મોટા સંતોએ બતાવેલો પ્રયોગ, ધાર્યા કરતાં ટૂંક સમયમાં સફળ નીવડ્યો.
આ તરફ ભાઈશંકરભાઈના અંતરમાં શ્રીહરિના સાક્ષાત્કારની પ્યાસ ભારે બળવત્તર બની રહી હતી. સ્વામીનું અનુષ્ઠાન પૂર્ણ થયાનું જાણી તેઓ મંદિરે આવ્યા. બે હાથ જોડીને કહ્યું, “સ્વામી, હવે કરુણા કરીને મને જલ્દી શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શન થાય તેવો ઉપાય બતાવવા મારા ઉપર કૃપા કરો.”
ત્યારે સ્વામીએ કહ્યું કે, “તમે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમથી ત્રણ દિવસ અને ત્રણ રાત્રી, ખાધા-પીધા વિના મહારાજનું ભજન કરો. મહારાજ તમને પ્રત્યક્ષ દર્શન આપશે; આ અનુભવસિદ્ધ વાત છે.”
એક સદ્ગુરુના વચનમાં પાકો વિશ્વાસ રાખી એ પોતાને ઘેર ગયા અને એકાંત ઓરડામાં શ્રીહરિની મૂર્તિ પધરાવી, ઘીનો દીવો કરી, હાથમાં જપમાળા લઈને સ્વામિનારાયણ મહામંત્રનું એકતાર ભજન કરવા માંડ્યા.
શિષ્યની ઉત્કૃષ્ઠ શ્રદ્ધાની વાત જાણીને પુરાણી સ્વામી અત્યંત રાજી થયા અને મહારાજને દર્શન દેવા પ્રાર્થના કરી. એક સદ્ગુરુ સંતની પ્રાર્થના, બીજું શિષ્યનાં શ્રદ્ધા, પ્રેમ, તત્પરતા, ભજનનો અને ભગવાનને પામવાનો વેગ અને ત્રીજું સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ રટણ; આ ત્રણ બાબતને લઈને ભાઈશંકરભાઈને ત્રણ દિવસ અને ત્રણ રાત્રી ભજનમાં કોઈ તકલીફ પડી નહિ અને આનંદથી ભજન થયું. ચોથા દિવસની વહેલી સવારે શ્રીહરિએ એમને સાક્ષાત્ દર્શન દીધાં. એ કૃતાર્થ થયા અને અત્યંત ભાવવિભોર બની શ્રીજીમહારાજને માંડ્યા દંડવત કરવા.
આ સ્વપ્નું નહિ પણ સત્ય ઘટના છે; એની ખાત્રી કરાવવા ભગવાન સ્વામિનારાયણે મંદમંદ હસતા ભાઈશંકરભાઈને એમ કહ્યું, “તમે પુરાણી ગોપીનાથજીને કહેજો કે, તેઓ તત્કાળ ઉપલેટાથી નીકળી ગોંડલ જાય. ગોંડલમાં બ્રહ્મચારી શાંતાનંદજીને આજે રાત્રે બાર વાગ્યે અમે અમારા ધામમાં તેડી જઈશું.” એમ કહી મહારાજ અદૃશ્ય થઈ ગયા.
શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દર્શન પામીને ભાઈશંકરભાઈ પૂજા-પાઠમાંથી પરવારીને ઝડપથી મંદિરમાં આવ્યા અને પુરાણી સ્વામીને દંડવત કરવા માંડ્યા. હેતનાં આંસુડાં આંખોમાંથી ચાલ્યાં જાય છે. પુરાણી સ્વામીએ એમની સામે દૃષ્ટિ કરી અને એમના મુખની આભા જોઈને જ સમજી ગયા કે, ભાઈશંકરને મહારાજનાં પ્રત્યક્ષ દર્શન થઈ ચૂક્યાં છે. ભાઈશંકરભાઈ કહે, “મારો મનોરથ પૂરો થયો. આપની કૃપાથી મને આજે વહેલી સવારે પ્રાણપ્યારા શ્રીજીમહારાજનાં સાક્ષાત્ દર્શન થયાં છે.” ત્યારે પુરાણી સ્વામીએ અંતર્યામી ભાવથી પૂછ્યું, “મહારાજે મારા માટે કાંઈ સંદેશ કહ્યો છે ?” “હા સ્વામી, મહારાજે તમને તત્કાળ ગોંડલ જવા કહ્યું છે. મહારાજ આજે રાત્રે બ્રહ્મચારી શાંતાનંદજીને ધામમાં તેડી જશે.”
આ વાત સાંભળી દેવપ્રસાદ સ્વામીને જોડમાં લઈને પુરાણી સ્વામી તત્કાળ ઉપલેટાથી ગોંડલ જવા રવાના થયા. ત્યાં રાતના બાર વાગ્યે મહારાજ શાંતાનંદ બ્રહ્મચારીને તેડી ગયા. આવો છે આ પ્રગટ પુરુષોત્તમનારાયણનો સંપ્રદાય !
ઉપાય તો બધાય ગ્રંથોમાં લખ્યા હોય, સંતોએ કહ્યા હોય, આપણે સાંભળ્યા પણ હોય; પરંતુ એવા ઉપાય આપણે કરીએ એટલી આપણામાં તીવ્રતા, તત્પરતા, વેગ, શ્રદ્ધા, પ્રેમ કે પ્રભુ પામ્યાની ભૂખ હોય તો ને !
વહાલા ભક્તો ! આપણે પણ આવો પ્રભુપ્રેમ કેળવીએ. તે માટે મહિમા વધારીએ, મહિમા માટે પ્રભુપ્રેમી સંતનો સેવા-સમાગમ કરી રાજીપો રળીએ તો અખંડ ભજનસ્મરણ થાય. જો એવું તીવ્ર શ્રદ્ધાથી સ્મરણ કરતા રહીએ તો મહારાજ જલ્દી રાજી થાય અને તેમનો અખંડ અનુભવ આપે...