
છેલ્લા અમુક વર્ષોથી નિરવભાઈનો પરિવાર ઘણી ખરી સમૃદ્ધિ ભોગવતો હતો, પરંતુ હમણાંથી આર્થિક મંદીની ઝપટમાં આવી જતાં તેમની સ્થિતિ ખળભળી ગઈ. દર વર્ષે તો બેસતા વર્ષની ભેટ નિમિત્તે નિરવભાઈ ઘણીક ખરીદી કરતા. પત્ની માટે નવાં ઘરેણાં, કપડાં વગેરે સામગ્રીઓ લાવી આપતા; બાળકોને પણ અનેક પ્રકારના ફટાકડા, મોંઘાં કપડાં અને એવી બીજી વસ્તુઓ પણ લાવી આપતા. તથા પોતાના પરિવારજનોને પણ થોડી ઘણી મદદ કરતા. પરંતુ આ વર્ષની સ્થિતિ કાંઈક અલગ જ હતી.
આર્થિક તંગીની સાથોસાથ ઘરના બધા સભ્યોનો અરસપરસ સાથેનો વ્યવહાર અને સંબંધ પણ થોડો ગરમ થતો જતો હતો. અંદરોઅંદર નાનો-મોટો કલહ પણ થવા લાગ્યો હતો. દિવાળીના દિવસો નજીક આવતાં નિરવભાઈ એક દિવસ એકાંતમાં વિચારે ચડ્યા કે, ‘આ વર્ષે તો હું પરિવારના સભ્યોને નવા વર્ષની કાંઈ ભેટ આપી શકું તેમ નથી; તો આ વર્ષે શું કરીશ ?
આ વિચારોની ગડમથલથી કંટાળીને છેવટે તે શાંતિ માટે મંદિરે ગયા. મંદિરે ગયા ત્યારે સભામંડપમાં સંતો કથા-વાર્તા કરતા હતા. નિરવભાઈને કથામાં રસ પડ્યો તેથી કથામાં બેઠા. સંતો વાત કરતા હતા કે,
‘આપણા જીવનમાં જે કાંઈ સુખ અનુભવાય છે તેમાં ઘણાનો ફાળો હોય છે. આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ. કદી કોઈના ઉપકારોને ભૂલી ન જવાય કે તેના ઉપકારોને નજરઅંદાજ પણ ન કરાય...’
નિરવભાઈને આ વાત ખૂબ અસર કરી ગઈ અને આ વાતમાંથી જ તેને પરિવારજનોને નવા વર્ષ નિમિત્તે શું ભેટ આપવી ? તેનો ઉપાય પણ મળી ગયો. કથા પૂરી થયા પછી સંતોને વંદન કરી, ઠાકોરજીનાં દર્શન કરી નિરવભાઈ પાછા ઘરે આવ્યા.
નિરવભાઈએ ઘરે જઈ સાંજનું ભોજન કર્યું. પછી પોતાની પત્ની-સંતાનો વગેરેને ભેગાં કર્યાં અને ધીરે રહીને વાત શરૂ કરી કે, ‘તમે જાણો છો તેમ આ વર્ષે આપણી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી હું તમને નવાં કપડાં વગેરે ભેટ તો નહિ આપી શકું પણ આ વખતે એક અલગ જ ભેટ આપવાનો મારો વિચાર છે. તેમાં મારે તમારી સહુની મદદની જરૂર પડશે.’ સહુએ મદદ માટે સહમતી દર્શાવી. એટલે નિરવભાઈએ કહ્યું કે,
‘આપણે આટલા વર્ષોથી ભેગા રહીએ છીએ અને એકબીજાની મદદથી સુખે જીવન વ્યતીત કરીએ છીએ. જો આપણા પર કોઈની મદદ ન હોય, કોઈએ કાંઈ ઉપકાર ન કર્યા હોય તો આપણું જીવન ખૂબ અધૂરું હોત. માટે દરેકે પરિવારના બધા સભ્યોના પોતા પરના વ્યક્તિગત ઉપકારો, મદદ વગેરે યાદ કરી તેને લખવાના છે. અને તે લખાણ મને દિવાળીના આગલા દિવસ સુધીમાં આપી દેવાનું છે.’
સહુએ નિરવભાઈના માર્ગદર્શન મુજબ લખાણ કરી આપ્યું અને નિરવભાઈએ પોતે પણ લખાણ કર્યું. આ લખાણ જેમ જેમ થતું ગયું તેમ તેમ પરિવારના સભ્યોનું અરસપરસનું વર્તન બદલાઈ ગયું.
નવા વર્ષના પ્રભાતે દેવપૂજન, વડીલોનાં ચરણસ્પર્શ, આશીર્વાદ વગેરે પત્યા પછી નિરવભાઈએ ફરી સહુને ભેગા કર્યા અને સહુએ પોતાને અગાઉ આપી રાખેલ ઉપકારનું લખાણ કાઢ્યું અને પોતાની પત્નીને ઉદ્દેશીને પોતે જે ઉપકારો લખ્યા હતા તે વાંચ્યા, ‘તેં મારા જીવનમાં આવી આવી ભૂમિકાઓ ભજવી છે, મદદ કરી છે. તે મને ક્યારેય નહિ ભૂલાય.’
તે સાંભળી પત્નીની આંખમાંથી પ્રેમનાં આંસુ ચાલુ થઈ ગયાં. પછી તો પોતાનાં સંતાનોએ પણ તેની મમ્મી વિશે જે ઉપકારો લખ્યા હતા તે વાંચ્યા અને પછી તે લખાણના કાગળ પત્નીના હાથમાં આપતાં કહ્યું, ‘આ મારી નવા વર્ષની ભેટ..!’ પછી તેવી જ રીતે પોતાનાં બંને સંતાનો અને માતા-પિતા વિશેના બધાના ઉપકારો વગેરેનું વાંચન કરી તેને તેને તે તે કાગળ ભેટ તરીકે આપ્યા .
નવા વર્ષની આવી અકલ્પનીય ભેટ મળતાં આ નવા વર્ષનું પ્રભાત તો પરિવારના બધા જ સભ્યો માટે અવિસ્મરણીય બની ગયું. સહુની એકબીજા પ્રત્યેની માન્યતાઓ-ભાવનાઓ બદલાઈ ગઈ. અરસપરસ પ્રેમભાવ, આત્મીયતા ખૂબ જ વધી ગઈ. થોડો ઘણો કલહ થતો હતો તે તો ક્યાંય ગાયબ થઈ ગયો. નવા વર્ષની આ ભેટ સહુના માટે અમૂલ્ય બની રહી. અત્યાર સુધીના વર્ષોમાં મળેલ સારાં સારાં કપડાં, ઘરેણાં વગેરે કોઈ ભેટથી આવો આનંદ તો નહોતો જ મળ્યો.
વહાલા ભક્તો ! આ સત્સંગ આપણો પરિવાર છે. વહાલા મહારાજ, પૂ.ગુરુજી, સંતો-ભક્તો વગેરે આપણાં મા-બાપ, ભાઈ-બહેન સંબંધીજનો છે. તેમના આપણા પર અનંત ઉપકારો છે. આપણે જે કાંઈ સુખી છીએ તેમાં તેમનો બહુમોટો હાથ છે. નિરવભાઈના પરિવારજનોની જમે આપણે પણ મહારાજ, સંતો-ભક્તોના ઉપકારો યાદ કરી, ઋણી થઈ તેમને નવા વર્ષની આવી જ કાંઈક ભેટ આપવા જેવું નથી લાગતું...!!
હે દયાળુ ! અમારા પર આપની તથા આપના વહાલાઓની કરુણા તો અપરંપાર છે, પરંતુ અમે અમારી સ્વશ્રેષ્ઠતામાં જ જીવતા હોવાથી તે કરુણાને જોઈ પણ શકતા નથી અને ઋણી પણ થઈ શકતા નથી. હે નાથ ! આ સં.૨૦૭૭ના ‘દાસાનુદાસ’ વર્ષમાં સહુના ઉપકારોથી ઋણી રહેવાય, દાસ રહેવાય એવી આપ જ કૃપા કરશો..!