ધન્ય છે આવા સત્સંગીને...

ધન્ય છે આવા સત્સંગીને...

ભગવાન શ્રીસ્વામિનારાયણે અતિ કરુણા કરી આ ધરા પર પ્રગટી કળિયુગમાં પણ સતયુગ જેવો ધર્મ પ્રવર્તાવ્યો. એમના ઉપાસક સંતોએ પણ ગામડે ગામડે વિચરણ કરી સત્સંગનું ખૂબ પોષણ કર્યું. અનેક જીવોને દારૂ, માટી, ચોરી, અવેરી જેવાં કુલક્ષણો મુકાવી સદ્ધર્મના માર્ગે વાળી આદર્શ સત્સંગીઓ બનાવ્યા. સત્સંગનો એટલો પ્રભાવ હતો કે મોટા મોટા રાજાઓ, શાહુકારો પણ સત્સંગીઓ ઉપર વિશ્વાસ રાખતા.

સોરઠમાં આવેલ માણાવદર ગામનો એક પ્રસંગ છે. એ વખતે માણાવદરમાં મુસલમાન રાજા ગજેફરખાન રાજ્ય કરતા હતા, તેને પણ સત્સંગીઓનો ખૂબ વિશ્વાસ. તે એવું માનતા કે સ્વામિનારાયણના સત્સંગી હોય તે ક્યારેય ચોરી કરે નહિ, અણહકનું લે નહિ, કોઈનોય વિશ્વાસઘાત કરે નહીં.

પરંતુ આ વાત ગામના વેપારીઓને ગળે ઊતરે નહીં. એક વખત તેઓએ રાજાને કહ્યું, “તમો ગામમાં સ્વામિનારાયણિયા છે તેમના ખેતરે હવાલદાર કેમ મોકલતા નથી ?” ત્યારે રાજા કહે - “અમોને તેઓનો વિશ્વાસ છે; તે અમોને પૂરો ભાગ આપે છે, ક્યારેય રાજ્યનો ભાગ ચોરતા નથી.”

ત્યારે વેપારીઓ કહે, “ક્યારેક તમારી જાણ બહાર થોડું અનાજ ઘરે નાંખી દેતા હશે, તેની તમને શું ખબર ?” ત્યારે રાજા કહે, “મને સ્વામિનારાયણના ભક્તોનો વિશ્વાસ છે, તે ક્યારેય ચોરી કે વિશ્વાસઘાત કરે જ નહીં. અરે ! એનાં છોકરાં પણ ક્યારેય પડી વસ્તુ લે નહિ, તો ચોરી તો કરે જ ક્યાંથી ?

વેપારીઓ કહે, “મોટા તો ઠીક, પણ છોકરાંઓનો વિશ્વાસ નહીં.” ત્યારે રાજા કહે, “પરીક્ષા કરી જુઓ.” વેપારીઓ અંદરો અંદર ગણગણવા લાગ્યા કે આ રાજા ખરો, પણ આંધળું રાજ્ય ચલાવે છે.

પછી એક દિવસ એક વેપારીએ સત્સંગીઓનાં છોકરાંઓની પરીક્ષા કરવા પોતાની દુકાન આગળ શેરીમાં થોડા પૈસા-દોકડા નાંખ્યા, અને દુકાનમાં બેઠો બેઠો જોવા લાગ્યો કે અહીંથી હમણાં સત્સંગીનાં છોકરાં નીકળશે, તે જોઉં કે તે પૈસા લે છે કે નહિ ?

એવામાં સત્સંગીનાં બે-ત્રણ છોકરાં તેની દુકાન આગળથી નીકળ્યાં, એટલે પેલો વેપારી જોઈ જ રહ્યો કે તે છોકરાં શું કરે છે ? પણ આ તો સાચા સહજાનંદી હતા. રસ્તામાં પૈસા પડેલા ભાળી તેઓ તેને અડી ન જવાય તેમ છેટાં ચાલ્યાં.

આ જોઈ પેલા વેપારીથી રહેવાયું નહિ, એ બોલ્યો, “અરે છોકરાંઓ ! આ તો તમારા ભાગ્યના હશે, લઈ લો એ પૈસા.” ત્યારે એક છોકરાએ જવાબ આપ્યો, “અમે સત્સંગી છીએ. અમારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે પડી વસ્તુ કોઈની હાથે ન લેવી; એમ કહી છોકરાંઓ જતાં રહ્યાં, પરંતુું છોકરાનો જવાબ સાંભળી પેલો વેપારી સ્તબ્ધ થઈ જોઈ જ રહ્યો ને અંતરથી ધન્યવાદ આપવા લાગ્યો.

ધન્ય છે, આ બાળ સત્સંગીઓને ! નાની ઉંમરમાં એણે સંતોનો સમાગમ કરી આવા રૂડા સંસ્કાર પામી સ્વામિનારાયણ ભગવાનનું નામ રોશન કર્યું. આપણને પણ એ જ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, સંતો-ભક્તો મળ્યા છે, આ દિવ્ય સત્સંગ મળ્યો છે; આપણે પણ જો ભગવાનની નાની-મોટી આજ્ઞાઓનું પાલન કરીશું તો ભગવાન ખૂબ જ રાજી થશે.