દોરી હરિના હાથમાં...

દોરી હરિના હાથમાં...

શ્રીજીમહારાજ એકવાર લોયામાં સંઘા પટેલના ઘરે સંતો-ભક્તોને સભામાં વાતો કરતા હતા. એ સમયે તરગાળા(પૂતળાની રમત રમનારા)નું એક ટોળું આવ્યું. આવીને તેમણે મહારાજને ફરિયાદ કરી કે, “હે સ્વામિનારાયણ ! તમે બધાને સત્સંગી કર્યા, તેથી અમારી કમાણી ઘટી ગઈ છે. હવે અમને કોઈ રમાડતા નથી. માટે તમે પ્રભુ છો તે કાંઈક દયા કરો તો અમારું ગુજરાન ચાલે.”

મહારાજ કહે, “અમે શું તમારી કમાણી ઘટાડી ?” ત્યારે તરગાળા કહે, “તમે બધાને ફેલફતૂર છોડાવી સત્સંગી કર્યા, તે હવે કોઈ અમારી રમત જોવા આવતા નથી, અને અમારું ગુજરાન તો અમારી આ રમત ઉપર છે. માટે તમો જો અમારી રમત જોવા આવો તો આ બધા તમારા સત્સંગી આવે.” મહારાજ કહે, “જાવ અમે ને અમારા સંતો-ભક્તો બધા આજે તમારી રમત જોવા આવીશું, તમો તૈયારી કરો.”

પછી મહારાજ સંતો-ભક્તો સાથે તરગાળાની રમત જોવા પધાર્યા. તરગાળો પોતાના દેરામાં જઈને દોરી-પૂતળાં તૈયાર કરી મહારાજ આગળ પૂતળાં રમાડવા માંડયો, પણ એકેય પૂતળું હાલ્યું-ચાલ્યું નહીં. તરગાળે વિચાર્યું કે કાંઈક દોરી બાંધવામાં ફેર હશે, એટલે તે ફરી દેરામાં ગયો ને તપાસ કરી તો દોરી-પૂતળાં બધું બરાબર હતું. તેણે ત્યાં પૂતળાં નચાવ્યાં તો નાચ્યાં. એટલે તે દેરામાંથી બહાર આવ્યો ને મહારાજ આગળ પૂતળાં રમાડવા લાગ્યો, પણ એકેય પૂતળું હલ્યું નહીં; એટલે ફરી દેરામાં ગયો ને જોયું તો ત્યાં બધાં પૂતળાં નાચ્યાં. એટલે ફરી તે મહારાજ આગળ આવી રમત કરવા લાગ્યો, પણ એકેય પૂતળું હલે કે ચલે નહીં.

આ આશ્ચર્ય જોઈ એણે મનમાં વિચાર કર્યો કે દોરી કે પૂતળામાં તો કાંઈ ખામી નથી, પણ સભામાં પેલા છોગલાવાળા બેઠા છે એનાં આ બધાં કામ છે. એટલે બહાર આવી મહારાજ આગળ હાથ જોડીને બોલ્યો : “હે પ્રભુ ! મારાં પૂતળાં કે દોરીમાં કોઈ ખોટ નથી, પણ એની દોરી તમારા હાથમાં છે; તે તમે જ રમવા દેવા નથી. હે મહારાજ ! તમે તો પરમેશ્વર છો, બધાની દોરી તમારા હાથમાં છે; તે કાંઈક કૃપા કરો ને પૂતળાંને રમવા દ્યો.”

મહારાજ કહે, “દોરીમાં કાંઈક ખામી હશે, માટે એક વાર દેરામાં જઈને દોરી સરખી કરી આવો એટલે પૂતળાં રમશે.” તરગાળાને હવે મનમાં નક્કી હતું કે દોરીમાં કાંઈ ખામી નથી, પણ મહારાજે કહ્યું એટલે દેરામાં ગયો ને તરત બહાર આવી પૂતળાં રમાડ્યાં, તો બધાં પૂતળાં નાચ્યાં. પછી તો એમણે પોતાની કળાથી મહારાજને રાજી કર્યા. મહારાજ પણ તેની પૂતળાં રમાડવાની કળા જોઈને ખૂબ રાજી થયા ને તેને ઘણી ભેટ આપી.

વહાલા ભક્તો ! જીવમાત્રની દોરી હરિના હાથમાં છે. ભગવાન કરે, કરાવે કે કરવા દે એટલું જ થાય છે, બાકી તરણુંય તૂટે નહિ; આ પરમ સત્યનો સ્વીકાર કરી, કોઈ વાતનું અભિમાન રાખ્યા વગર, ભગવાન અને મોટા પુરુષની આજ્ઞા-મરજીમાં રહીએ; એમાં જ આપણું કલ્યાણ છે.