જેતપુરમાં એક ડાયા ભગત સારા સત્સંગી હતા. તેમણે બાળસભામાં આવતા એક કણબીના છોકરાને સ્વામિનારાયણ ભગવાનની વાતો કરી સત્સંગ કરાવ્યો હતો.
થોડા સમય પછી તે છોકરો માંદો થયો, ત્યારે ડાયા ભગતે તે છોકરાના બાપાને કહ્યું, આને સાધુનાં દર્શન કરાવો તો તેના જીવનું સારું થાય.
તેના બાપાએ હા કહી, તેથી ડાયા ભગત નિર્ગુણદાસ સ્વામી અને બીજા પાંચ સંતોને તેને ઘરે લઈ ગયા. સંતોએ છોકરાને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, ભગવાનને પ્રાર્થના કરી અને થોડાં કીર્તન બોલ્યાં. છોકરાના બાપાએ સંતોને ધોતિયાં ઓઢાડયાં.
પરંતુ આ પહેલા ધર્મરાજાએ યમદૂતોને બોલાવીને કહ્યું કે, તમે કણબીના છોકરાના જીવને યમપુરીમાં લઈ આવો.
જેવા સંતો મંદિરે ગયા તરત જ યમ તે છોકરાને લેવા આવ્યા. તે સમયે ઘનશ્યામ મહારાજે હનુમાનજીને કહ્યું કે, ‘તમે છોકરા પાસે જાવ અને યમને કહો કે, તે છોકરાના જીવને લીધા વિના પાછા જાય.’
હનુમાનજી ત્યાં ગયા અને યમને કહ્યું કે, ‘તમે તેને લેશો નહીં,’
ત્યારે યમદૂતોએ કહ્યું કે, ‘અમને ધર્મરાજાએ મોકલ્યા છે, તે અમે ત્યાં જઈ તેમને શું જવાબ આપીએ ?
ત્યારે વળી હનુમાનજીએ મહારાજને પૂછીને કહ્યું, ‘તમને ધર્મરાજાએ હુકમ કર્યો ત્યારપછી સંતોએ તે છોકરાને વર્તમાન ધરાવ્યા છે, માટે હવે તેને તમારાથી ન લેવાય, અને કાલે મહારાજ પોતે તેને પોતાના અક્ષરધામમાં તેડી જાશે.’
હનુમાનજીની આવી વાત સાંભળી જમ જતા રહ્યા. આ સંવાદ તે છોકરાએ સાંભળ્યો.
પછી છોકરાએ આ બધી વાત તેના બાપાને જણાવી. તેથી બધાને ખૂબ આશ્ચર્ય થયું.
બીજે દિવસે મહારાજ આ છોકરાને પોતાના અક્ષરધામમાં તેડી ગયા.
જોયું ને... વહાલા બાળમિત્રો ! આ છોકરાને સંતોએ માત્ર એક જ વાર દર્શન આપી વર્તમાન ધરાવ્યા એટલી વાતમાં તેની યમદૂત થકી રક્ષા થઈ, જ્યારે આપણે તો ભગવાન અને સંતોના આશરે છીએ. માટે આપણી તો ભગવાન જરૂર રક્ષા કરશે, કરશે અને કરશે જ. આપણે બસ તેમની આજ્ઞા પાળવાની.