
સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાને સ્થાપેલ આ સત્સંગ દિવ્યતાથી સભર ભર્યો છે. સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નખ-શીખ દિવ્ય છે. તેથી જેને મહારાજની મૂર્તિનો સંબંધ થાય, તે નખશીખ દિવ્ય બની જાય છે. આ સત્સંગમાં દિવ્ય બુદ્ધિવાળા સંતો-ભક્તો ખૂબ જ આનંદ માણે છે. તેઓ સર્વત્ર ભગવાનનો જ સંબંધ જુએ છે અને ભગવાનના સંબંધે મહિમા યુક્ત દૃષ્ટિથી બધામાં દિવ્યતા જુએ છે; જ્યારે માયિક દૃષ્ટિવાળાને માયિકતા પકડાય છે. માટે જો સત્સંગની દિવ્યતા જ જાણવી હોય, સત્સંગનો આનંદ માણવો હોય, તો ભગવાનનો મહિમા સમજવો જરૂરી છે.
સદ્.ગોપાળાનંદ સ્વામી કહે છે કે, “અનંત દિવ્ય ચક્ષુએ કરીને ને અનંત પ્રકારની જ્ઞાનગોષ્ઠીએ કરીને, પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો મહિમા નિત્ય પ્રત્યે નવો-નવો અનુભવીને, સર્વ વાસના છેદીને, એક પુરુષોત્તમમાં લોભાવું.”
જેટલો ભગવાનનો મહિમા સમજાય, તેટલો તેમના સંબંધમાં આવેલા સંતો-ભક્તો નો પણ મહિમા સમજાય; જેટલો સંતો-ભક્તો માં ભાવ થાય, તેટલું ભગવાનમાં જોડાણ થાય. માટે દિવ્ય ભાવ જાળવી રાખવો હોય તો આપણે સત્સંગમાં મહિમાનું સ્તર વધારતા રહેવું. જટેલું મહિમાનું સ્તર જાડું, તેટલો દિવ્યભાવ સહેજે રહે. મહિમાનું સ્તર પાતળું થાય એટલે બીજાના દોષો-સ્વભાવો વધુ નજરે ચડે. પરિણામે દિવ્યભાવ ઘટતો જાય.
એક વખત મહારાજ કાળુ મકવાણાને ઘેર વિરાજમાન હતા. તે સમયે કોઈક બાઈ આવી. તે મહારાજને જોઈને બોલી જે, “સ્વામિ નારાયણ ! તારાં ઘાઘલાં લઉં, તારાં ભામણાં લઉં, તને દોરો બાંધું; તે તને કોઈ પ્રકારનો રોગ થાય નહીં !” તેથી મહારાજે પોતાનો જમણો હાથ લાંબો કર્યો, એટલે તે બાઈએ મહારાજને દોરો બાંધ્યો. તે વખતે પર્વતભાઈ બોલ્યા જે, “વાહ તારાં ભાગ્ય વાહ ! આ તો સાક્ષાત્ લક્ષ્મીજી તુલ્ય છે !” પછી સુરા ખાચર બોલ્યા જે, “આ તો ગણિકા જેવી છે.” ત્યારે મહારાજ કહે, “પવર્તભાઈ ! આ સુરાખાચર શું કહે છે ?” પર્વતભાઈ કહે, “મહારાજ ! અત્યારે તમે સાક્ષાત્ પુરુષોત્તમ છો, તે તમે લાંબો હાથ કર્યો ને તમને રાખડી બાંધી, એટલે લક્ષ્મીજી જેવી થઈ રહી !” મહારાજ કહે, “પર્વતભાઈને મહિમાનું અંગ છે ને સુરાખાચરને ભૂલ શોધવાનો સ્વભાવ છે.”
આ એકના એક જ પ્રસંગમાં પર્વતભાઈને ખૂબ આનંદ થયો અને સુરાખાચરને કાંઈ સુખ ન મળ્યું. માટે જેની મહિમાવાળી દૃષ્ટિ હોય તેને દિવ્યભાવ સહેજે રહે. સત્સંગમાં સૌના ગણુ લઈએ, દિવ્યભાવ અને પ્રેમભાવ રાખીએ તો ભગવાન ને ભગવાનના મોટા સાધુ રાજી થાય અને સત્સંગમાં આગળ વધાય. વળી, જમે બીજાના નાના ગણુ જોવામાં પણ લાભ છે, તમે જ પોતાના નાના દોષો જોવામાં ને ટાળવામાં પણ ઘણો જ ફાયદો છે. માટે મહારાજને રાજી કરવા અને સત્સંગમાં દિવસે-દિવસે આગળ વધવા, આ સત્સંગમાં મહિમા-દિવ્યભાવ અને પ્રેમભાવ વધારીએ અને મહારાજના અનહદ રાજીપાના પાત્ર બનીએ.