દિવ્ય કૃપાપ્રસાદ...

આ દુનિયામાં ગમે તેને પૂછો, 'How are You ?' ગોખી રાખેલો એક જ જવાબ આપે, 'I am Fine.'

અંગ્રેજી ન ભણેલાને ગુજરાતીમાં પૂછો... ‘કેમ સુખી છો ને..!’ એટલે તરત જ ‘હા હા કેમ નહીં..!’ એમ હાકલો કરીને બોલી જાય. પરંતુ અંતર તપાસીને જેમ છે તેમ વાસ્તવિકતા જણાવે એવા તો કોઈક જ હશે. જોકે જનસમાજના લેવલે આમ જ બોલવાનો રૂઢ થઈ ગયેલો રિવાજ લોકો માટે તો કંઈક અંશે યોગ્ય ગણાતો હશે. પરંતુ આપણે તો આ બાબતે થોડું ઊંડું  વિચારવું જોઈએ.

કોઈ સંત-ભક્ત આપણને ઉપરોક્ત પ્રશ્ન પૂછે ત્યારે દુન્યવી લોકોની જેમ જ ઉત્તર આપી દઈએ તો ‘સાચું સુખ કોને કહેવાય ?’ એ આપણે સમજ્યા જ નથી. હા, બહારના લોકો સાથે તો આ બાબતે આપણે પણ દુનિયાના પ્રવાહની જેમ જ વહેવું પડે, પરંતુ એ કદિ ન ભૂલવું જોઈએ કે આધ્યાત્મિક દુનિયામાં સુખની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ વિશેષ ઊંડાણવાળું હોય છે; તેમાં પણ ભગવાનના શ્રેષ્ઠ સુખની અનુભૂતિ તો કાંઈક અલગ જ હોય છે.

વહાલા ભક્તો ! આ સૂક્ષ્મ વિષયને સ્પષ્ટ કરનારા હમણાના જ એક પ્રસંગે સહજનું જીવન સાવ બદલી નાંખ્યું. સંતોની કૃપાથી તેને મળેલ અણમોલ રત્નરૂપી વાત તેના માટે પીકનીકની સફળતા બની ગઈ; તેના જીવનનો બહુ મોટો ટર્નીંગ પોઈન્ટ બની ગઈ. સહજની રોનક બદલી નાંખનાર આ અમૂલ્ય રત્ન કેવું હશે ? એ વાત સહજના જ મુખે સાંભળીએ તો કેવું..! પણ, એ પહેલા તેની પૂર્વભૂમિકા પણ જાણી લઈએ...

સહજ અને તેના કેટલાક મિત્રોએ મળી રજાના દિવસે પીકનીકમાં જવાનું આયોજન ગોઠવ્યુંં. મનાલી જવું કે ગોવા...! શીમલા જવું કે આબુ...! ચર્ચા ને અંતે ફાઈનલ થયું કે આપણે હરિભક્તોએ બીજે-ત્રીજે જઈ આપણું અંત:કરણ બગાડવા કરતા સંતોના સાનિધ્યમાં કુંડળધામ કેમ ન જઈએ ? પીકનીકની પીકનીક થઈ જાય અને તીર્થક્ષેત્રમાં દર્શન તથા સંતસમાગમ પણ થઈ જાય. હા-ના કરતા આખરે એ જ કાર્યક્રમ ફાઈનલ થઈ ગયો કે રક્ષાબંધનને દિવસે સહુએ પીકનીક કરવા કુંડળધામ જવું.

બીજે દીવસે સૌ કુંડળધામમાં સારી રીતે પીકનીક કરી સાંજે પરત ઘેર આવ્યા. રાત્રે ગૃપસભામાં પીકનીકના સ્વાનુભવોની ચર્ચા ચાલતી હતી. એક પછી એક યુવકો અહોભાવ અને આનંદથી પોતાના હૃદયના સ્પંદનો વ્યક્ત કરી રહ્યા હતા. સહજે ધીરેથી પોતાની વાત મૂકતા કહ્યું, ‘પીકનીક દરમ્યાન હું મારા સાક્ષી સંતને મળ્યો હતો. તેમણે કરેલ વાતરૂપી દિવ્ય કૃપાપ્રસાદમને કદી નહિ ભૂલાય; કહો તો શેર કરું’ સહુ યુવકો વાત સાંભળવા તત્પર થયા. સહજે વિગતવાર કહેવા માંડયું.

હું સહુ પ્રથમ મારો રીપોર્ટ આપવા સંતોને પર્સનલ મળ્યો. મળતાની સાથે જ સ્વામીએ મને પૂછયું, “કેમ સહજ સુખી છો ને..!!’ મેં તો સહજતાથી બોલવા જ માંડયું, ‘હા સ્વામી, મહારાજની દયા છે કોઈ વાતનું દુ:ખ નથી. હમણાં ઈન્ટરવ્યુ આપવા ગયો હતો, તે કંપનીમાં સારી જોબ મળી ગઈ છે. હવે ભણવાનું ટેન્શન ગયું એટલે ઉંઘ પણ સારી આવી જાય છે. કોલેસ્ટ્રોલ માપમાં આવી જવાથી ડોક્ટરે હમણા સ્વીટ ખાવાની પણ છૂટી આપી દીધી છે. અને હા એંગેજમેન્ટનું પણ... ગોઠવાઈ ગયું છે. હવે મારે કશી ચિંતા નથી; આનંદ આનંદ છે. વળી, મેં આપને ફોનમાં વાત કરી હતી એ મુજબ સંતોએ મને પોષકલીડર બનાવ્યો છે, તે સારું રીઝલ્ટ લાવવા મહેનત કરું છું.”

મારા આ ખુશીથી ભરેલા ઉત્તરમાં સ્વામીને કાંઈક ટકોર કરવા જેવું લાગ્યું. એટલે હું આગળ બોલું એ પહેલાં વચ્ચે જ તેમણે મને બે-પાંચ પ્રશ્નો પૂછી લીધા:

  • ‘શું તને ભગવાન મળી ગયા છે ?
  • બધી ખોટ ટળી ગઈ છે ?
  • તારી શુદ્ધિ -વૃદ્ધિનું કરવાનું બધું કામ પૂરું થઈ ગયું છે ?
  • શું દુન્યવી બાબતનું દુ:ખ નહિ; કોઈ ચિંતા નહિ એ જ તારું સુખ.. આનાથી ઊંચા અને સાચા સુખ મેળવવાની કોઈ ઝંખના જ નહીં... આવા બધા સુખમાં પરિતૃપ્ત થઈ અહીં જ અટકી જવાનું..!’

સ્વામીના આ પ્રશ્નો સાંભળી હું તો આંચકો જ ખાઈ ગયો કે, ‘શું ભૂલ થઈ ?’ પણ છેવટે તેમણે જ કૃપા કરી મારું અજ્ઞાન ઓળખાવ્યું.

બેટા સહજ ! સુખની વ્યાખ્યા જેના મનમાં જેવા પ્રકારની હોય એવું તેનું લેવલ બને છે. જગતમાં તો ટેન્શનથી ભરેલી વ્યસ્ત જિંદગીમાં થોડો ઘણો ફ્રી સમય મળે એટલે લોકો તેમના લેવલના સુખો મેળવવાના ઉપાયો કરે. પરંતુ આધ્યાત્મિક માર્ગે , ચાલેલા આપણે તો આ ભૂમિકાથી પર ઉઠી પાક્કું સમજવું જોઈએ કે... કાયમી રહેનારું, કદિ નાશ ન થનારું, શાશ્વત સુખ તો એકમાત્ર પ્રભુમાં જ છે.’

શ્રીજીમહારાજે વચ.પંચાળા-૧ માં આવા જ મહાસુખના લોભી થવાની વાત કરી છે. માટે ભગવાન સિવાયના સુખોને ઓળખી રાખવા; તેમાં ક્યારેય તૃપ્ત થઈ જવું નહીં, ફસાઈ જવું નહીં.

હા, દેહ ધર્યો છે તેથી દૈહિક ભૂમિકાના-પંચવિષયના આવા ક્ષણિક સુખો આપણે પણ ગ્રહણ કરવા પડે છે. પરંતુ જે તેને રસપર્વૂ ક ન ભોગવતા માત્ર દેહનિભાવ પૂરતા જ ભોગવે તેને ડાહ્યો કહેવાય. સાંભળ સહજ ! અહીં કુંડળધામમાં આવીને આપણે માયાનું સુખ તો નથી જ ભોગવવાના પરંતુ અહીંનું નેચરલ વાતાવરણ, લીલોતરી, આરામ કરી શકાય એવી ઉતારાની સુખ-સગવડતા, સારું ભોજન, મીઠો આવકાર, રાજીપા નિમિત્તે સાથે મળનાર વખાણ.. આ બધામાં પણ ન ફસાતા આપણે સાચા દિવ્ય સુખની ઝંખનામાં જીવવું જોઈએ. કેમ જે આ બધું તો શરીરનું અને ઈન્દ્રિયોનું સુખ છે. આ સુખમાં રસતરબોળ થઈ તેમાં જ સંતોષ પામી જનારને આગળના સુખનો વિચાર જ નથી આવતો. અરે, ત્યાં સુધી કહું તો ખોટું નથી કે ભગવાનને પડયા મૂકી આપણે સદ્વિચાર કે સારા કાર્યો અંગેના વિચારોમાં જ રમમાણ રહીએ તો એ સુખપ્રદ લાગનારા સાત્વિક સુખો પણ અંત:કરણનું સુખ છે, ભગવાનનું નહીં. આ બધા સુખો તો ભગવાનની ભૂખ ભાંગી નાખનારા છે.

સહજ ! આ પ્રસંગે એક વાત હું તને અચૂકપણે કહીશ કે, આ બધી સુખ બાબતની મેં જે કાંઈ વાતો તને કરી તે વાતો મારી નથી. થોડા દિવસ પહેલા પૂ.ગુરુજીએ તા.૦૯/૦૮/૨૦૨૧ના રોજ અમને સંતોને જે વાત કરી હતી એે જ મેં તને કહી છે. માટે તેને ‘દિવ્ય કૃપાપ્રસાદ’ તરીકે હૈયામાં કાયમ રાખી મૂકજે. સારરૂપ ટૂંકમાં પૂ.ગુરુજીએ સુખના છ પ્રકાર કહ્યા હતા:

  1. ઉંઘવું અર્થાત્ આરામ કરવો એ શરીરનું સુખ  છે.
  2. પંચવિષય ભોગવવા એ ઈન્દ્રિયોનું સુખ છે.
  3. ઘાટ સંકલ્પ કરવા એ અંત:કરણનું સુખ છે.
  4. કાંઈક કર્યાનું સુખ ભોગવવું એ અહંકારનું સુખ છે.
  5. અંદર જે ઉપદ્રવ રહિત શાંતિનું સુખ ભોગવવું તે આત્માનું સુખ છે.
  6. કાંઈ કર્યા વિના અંદરથી જ આનંદ આવ્યા કરે એ ભગવાનનું સુખ છે.

પૂ.ગુરુજીએ કરેલી આ છ વાતોમાંથી મને પ્રથમની ત્રણ વાત તો સમજાઈ ગઈ પણ પાછળની ત્રણ બાબત વધુ સ્પષ્ટ કરવા મેં સ્વામીને પ્રાર્થના કરી એટલે સ્વામીએ મને ફરી સમજાવવા માંડયો, સહજ ! તું પોષકલીડર બનીને હવે શેનું સુખ ભોગવીને રાજી થા છો ? અને મોટા ભાગ્ય માને છો; એ તારે જ તપાસ કરવાનો છે. કાર્ય કરીને આ મેં કેવું સરસ કર્યું !’ એવા વિચારો દ્વારા કાર્ય નું કહેતા તેના ફળ-યશનું સુખ ભોગવીએ તો એ મદ કહેવાય, કર્તૃત્વઅહં કહેવાય; ને એને જ અહંકારનું સુખ ભોગવ્યું કહેવાય.

વળી, અંતરમાં કોઈ જાતનો ડખો ન હોય ને એકદમ શાંતિનો અહેસાસ હોય, ભગવાનનાં સંબંધ વિના એકલા આત્મસુખ-બ્રહ્મમાં જ લેલીન રહીએ એને આત્માનું સુખ કહેવાય પણ ભગવાનનું સુખ તો આનાથી તદ્દન જૂદું છે.

એ સુખ માણવા આપણે કાર્ય કર્યા બાદ તેમાંથી આવતો અહંજન્ય રસ ન ભોગવતા ‘પ્રભુને કેટલું બધું ગમ્યું હશે ! આનાથી વહાલા મહારાજ, પૂ.ગુરુજી અને સંતો કેવા રાજી થશે !, એમને સુખ-આનંદ થશે. મહારાજની કેટલી દયા ! કે મારા જેવા સામાન્ય જીવ પાસે આ કાર્ય કરાવીને મને એમનો રાજીપો અપાવ્યો .’ આમ તેઓને આનંદ આવ્યો તેનું સુખ ભોગવવુ જોઈએ. આવા વિચારો દ્વારા જો આપણે તેનાથી ઓગળીએ તો મહારાજમાં પ્રેમ થાય. ને પછી અંદરથી જે આનંદ આવ્યા કરે એને સાચું ભગવાનનું સુખ કહેવાય.

આમ, સ્વામી પાસેથી પૂ.ગુરુજીએ કહેલ વાતરૂપી ‘દિવ્ય કૃપાપ્રસાદ પામી મને સાચું સુખ માણવાનો એક નવો એગંલ મળ્યો. આ પ્રસંગે  સહજની વાત સાંભળી સૌ યુવકો પણ પોતપોતાના અંતરમાં વિચારવા લાગ્યા કે, આ છ પ્રકારના સુખમાંથી હું કયા પ્રકારનું સુખ ભોગવું છું ?