દિવ્ય કમાણી

દિવ્ય કમાણી

શ્રીહરિનો એક અચળ સિદ્ધાંત છે. કોઈ તેમને કાંઈ પણ અર્પે તેનાથી અનંતગણું પાછું આપે છે. તેમાં પણ જો ભક્તના નિષ્કામભાવથી પ્રભુ અતિ રાજી થઈ જાય તો તેને અક્ષરધામનું અવિનાશી સુખ આપે છે. મહારાજની આ ઉદારતા કેવી છે ? તો

નાશવંત આપવાનું અને શાશ્વત પામવાનું.
તુચ્છ આપવાનું અને મહા દુર્લભ પામવાનું.
થોડું આપવાનું અને અનંતગણું પામવાનું.
માયિક દેવાનું અને દિવ્ય લેવાનું.

આહા..... શ્રીહરિ સાથેનું આ કેવું દિવ્ય-ભવ્ય આદાન-પ્રદાન છે. પણ દિવ્યબુદ્ધિવાળા દૈવીભક્તોને જ આ દિવ્ય કમાણીની વાત સમજાય છે. ભગવાન તો એવા દિવ્ય ઉદાર દાતા છે કે જો તેમને કોઈ કાંઈ પણ અપેક્ષા વિના સમર્પાય જાય તો શ્રીહરિ તેને પોતાનું સર્વસ્વ આપી દે છે. અરે ! સ્વયં પ્રભુ પોતે તેને વશ થઈ જાય છે. આવા પરમકૃપાળુ પુરુષોત્તમ માટે જે જેટલું વધુ કરે તેટલા તે વધુ સમૃદ્ધ, સુખી અને શાશ્વત બની જાય છે.

ચરિત્ર - 1

એકવાર સ્વામિનારાયણ ભગવાન સારંગપુર ગામે બિરાજમાન હતા. તેમણે બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા જણાવી. આગેવાન ભક્તરાજ જીવાબાપુ વગેરેએ અતિ શ્રદ્ધાથી ખૂબ જ સેવા કરી. તેથી મહારાજે એક મહિના સુધી સતત ચોરાશી ચાલુ રાખી. પછી છેલ્લે દિવસે બ્રાહ્મણોને કાંઈક દક્ષિણા દેવાની વાત કરી. ત્યારે હાજોભાઈ ગમારા ત્યાં હાજર હતા. તેમણે અતિ શ્રદ્ધાથી કહ્યું, ‘પ્રભુ ! એ સેવા દયા કરીને મને આપો. હું હમણાં જ તે માટે મારી મરણમૂડીરૂ૫ી ધન લઈ આવું છું.’

પછી તે ગોવાળ હાજોભાઈ દોડાદોડ દાટી રાખેલું એક દોણું લઈ આવ્યા. તેમાં તેમની જીવનભરની કમાણીના રૂ.૫૦૦ હતા. તે બધા જ તેણે શ્રીહરિને સમર્પી દીધા. પછી મહારાજે દરેક બ્રાહ્મણને એક-એક રૂપિયો દક્ષિણામાં આપ્યો. બ્રાહ્મણો ઘણા બધા હતા. પછી પ્રભુએ હાજાભાઈને કહ્યું : ‘હાજા ! હવે આ રૂપિયા ગણ જોઈ કેટલા વધ્યા ?’ તેણે ત્યાં જ ગણ્યા તો પૂરેપૂરા ૫૦૦ થયા. સૌને આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી પ્રભુએ હાજાભાઈને તે પરાણે પાછા આપ્યા. જેટલા આપ્યા હતા તે તમામ તો પાછા મળ્યા અને પ્રગટ પુરુષોત્તમનો અપાર રાજીપો મળ્યો એ વધારાનો. એ રાજીપાના ફળસ્વરૂપે અનંતગણી સંપત્તિ કે અક્ષરધામનું અવિનાશી અનંત સુખ જે જોઈતું હોય તે બધું જ મળશે. આ રીતે સમય ઉપર મહારાજની મરજી મુજબની કરેલી સેવાનો કેટલો મોટો નફો થયો !!!

આવો દિવ્ય નફો કમાવા માટે શ્રદ્ધા, પ્રેમ કે મહિમાની દૃઢતા જરૂરી છે. જો શ્રદ્ધા ઓછી હોય તો પોતાની કેપેસીટી જેટલુંય સમર્પણ થઈ શકતું નથી.

ચરિત્ર - 2

એ જ ગામ સારંગપુરમાં હાજાનો ભાઈ નાનો ગમારો હતો. તેનેય મોટાભાઈને થયેલી દિવ્ય કમાણી જોઈને સેવા કરવાનું મન થયું. તેથી તે ઘરે રહેલા રૂપિયા લેવા ગયો. પણ શ્રદ્ધા ઓછી પડી તેથી કુલ ૬૦ હતા તેમાંથી ૩૦ રૂપિયા લઈને પાછો આવ્યો. સભામાં મહારાજ બિરાજતા હતા. ત્યાં આવી શ્રીહરિના ચરણોમાં ફક્ત ૧ રૂપિયો મૂક્યો. પછી શ્રીજીની સામે જોયું કે રાજી થયા ? પણ મહારાજે તો તેની સામેય ન જોયું. પછી નાનાભાઈ ગમારાએ ૨ રૂપિયા મૂક્યા. પ્રભુ આ વખતે તો બીજી બાજુ જોવા લાગ્યા. તેથી તેણે બીજા ૫ રૂપિયા મૂક્યા. મહારાજે તોય તેની સામે ન જોયું અને સભા સામે જોઈ રહ્યા. નાના ગમારાને લાગ્યું હજુ પ્રભુને રૂપિયા ઓછા પડે છે, તેથી તેણે બાકીના બધા એમ કુલ ૩૦ રૂપિયા ચરણે ધરી દીધા. તો પણ મહારાજ રાજી ન થયા. મહારાજને રાજી તો કરવા જ હતા એટલે તે ઘરે રાખેલા બાકીના બધા જ રૂપિયા લેવા દોડયો. હવે મહારાજે તેને પાછો બોલાવી કારણ પૂછયું. તે કહે, ‘મહારાજ ! મારી ભૂલ થઈ કે હું બધા જ લાવ્યો નહિ. હવે પૂરેપૂરા લઈ આવું પણ મારે તમને રાજી તો કરવા જ છે.’ પછી પ્રગટ પ્રભુએ ચોખવટ કરી,

“અમે તમારા કોઈના રૂપિયાથી રાજી થતા નથી પણ તમારી સેવા કરવાની શુદ્ધભાવનાથી રાજી થઈએ છીએ. હવે તને તારું સર્વસ્વ સમર્પણ કરવાની શ્રદ્ધા આવી ગઈ છે એટલે અમે તારા ઉપર પૂરા રાજી થયા છીએ.”

વહાલા ભક્તો ! આપણે પણ નાના ગમારાની જેમ સેવા, સમર્પણ કરવામાં ઓછામાં ઓછાથી અખતરા કરીએ છીએ. જો થોડું કરવાથી જ ચાલી જતું હોય તો વધુ કરવાની શ્રદ્ધા આપણામાં નથી. એટલે સંપૂર્ણ રાજીપો મળતો નથી. આપણે તો શ્રીહરિ અને સાચા સંત સાથેય લોભી કે સ્વાર્થી શેઠની જેમ ઓછામાં ઓછું આપી ઝાઝામાં ઝાઝું લેવા ઈચ્છીએ છીએ. પણ એ આપણી શ્રદ્ધા-મહિમાની બહુ મોટી ખામી છે. એમાં તો આપણે જ ખોટ ખાવાના છીએ. એના કરતા હાજા ગમારાની જેમ સર્વસ્વનું સમર્પણ કરવાની ભાવના જાગી જાય તો કેવું સારું !

આપણને પ્રભુએ જેટલો સમય આપ્યો છે, જેટલી શક્તિ કે સાનુકુળતા આપી છે તે બધું ગઢડાવાળાની જેમ શ્રીહરિ અને સંતો-ભક્તો માટે ન્યોછાવર કરવા તૈયાર થઈ જઈએ તો અત્યારે જ મહારાજ વશ થઈ જાય.

ચરિત્ર - 3

એકવાર ધોરાજી પાસેના કંડોરડા ગામથી કેશવ દવે બહારગામ જવા નીકળ્યા. આ ભૂદેવ ભક્તએ પાણી ભરવાના લોટામાં ભાતા પેટે સાથે કુલેર (ઘઉં કે બાજરીના કાચા લોટમાં ઘી-ગોળ ભેળવી તૈયાર કરેલું ખાદ્ય) લીધેલી. કેશવ ભગતની કસોટી કરવા રસ્તામાં શ્રીહરિ સામા મળ્યા. તેમણે કહ્યું, ‘ભગત ! અમને તરસ બહુ જ લાગી છે. માટે આ તમારા લોટામાં પાણી હોય તો અમને પાવ ને !’ કેશવ દવે કહે, ‘મહારાજ ! આમાં તો પાણી નથી પણ તમે અહીં બેસો, હું હમણાં જ પાણી લઈ આવું.’

પછી દવેએ દોટ મૂકી. રસ્તામાં લોટામાંથી કુલેર ઢોળી નાખી. પછી કોઈ જગ્યાએથી તાજું પાણી ભરીને જલ્દી લઈ આવ્યા. પ્રભુએ પાણી પીધું. પછી કહે, ‘ભૂદેવ ! આમાં તો ઘી-ગોળની સુગંધ આવે છે.’ ત્યારે તે કહે, ‘હા મહારાજ ! તેમાં કુલેર ભરી હતી તે નાખી દીધી પણ તેની સુગંધ રહી ગઈ.’ મહારાજ કહે, ‘તમે હવે શું ખાશો ?’ ત્યારે ભૂદેવ કહે, ‘મહારાજ ! આજે મને આપની આવી સેવા મળી એ જ મારા મોટા ભાગ્ય. મારા પ્રભુની પ્યાસ બુઝાણી એ જ મારી મોટી કમાણી. મારી ભૂખ-તરસની મને ચિંતા નથી.

આ સાંભળી શ્રીહરિ અત્યંત રાજી થઈ ગયા. મહારાજ કહે, “ભગત ! હવે તમને જ્યારે ભોજન મળશે ત્યારે જ ભૂખ લાગશે અને પાણી મળે ત્યારે જ તરસ લાગશે.”

વહાલા ભક્તો ! આ કેટલા ગણો નફો થયો કહેવાય ? ભગતે પોતાની ચિંતા રાખ્યા સિવાય પ્રભુ માટે કુલેર કુરબાન કરી તો ભગવાને ભવ આખાની ભૂખ ભાંગી નાખી. વળી, અપરંપાર રાજીપો મળ્યો એ તો વધારાનો. માટે ચાલો આપણે પણ આજથી જ ઠરાવ કરીએ કે પ્રભુને પામવા માટે નિયમ-ધર્મ, કથા-કીર્તન, સેવા-ભજન વગેરે જે જે કરીએ તે સર્વમાં ૧૦૦% શ્રદ્ધા રાખીને પૂરેપૂરું કરીએ. પણ બકાડવા માટે નહિ.

હું આવું તારે કામ એવું કરો ઘનશ્યામ;
મુંથી મારા વાલમ સદા તુંને સુખ થાય.

જો આ કીર્તન મુજબ આપણે આપણી ચિંતા કે સ્વાર્થ છોડી શ્રીહરિ અને સંતો માટે જ જીવીશું તો તેઓ આપણું બધું જ સંભાળી લેશે.