
એક સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. મહારાજે કહ્યું, “ચાલો આપણે રાધાવાવ જઈએ.” પછી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સહિત રાધાવાવે પધાર્યા; તે વાવથી ઉગમણી તરફ ધોરિયાને કાંઠે એક આંબા તળે મંચ ઉપર આસન નાંખીને બિરાજમાન થયા. થોડીવાર થઈ ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ચાર કાચી કેરી લાવ્યા. તે મહારાજ આગળ અર્પણ કરી. ત્યારે મહારાજે કહ્યું જે, “કેરીને ધોઈને સુધારો.” પછી સ્વામીએ તે કેરી ધોઈને સુધારીને અંદર મીઠું નાખીને નિચોવીને પાણીની ખટાઈ કાઢી નાખી. પછી મહારાજ આગળ ધરી. ત્યારે મહારાજે કહ્યું જે, “આમાં ગળપણ હોય તો ઠીક.” ત્યારે ગળપણ લેવા સારુ માણસ મોકલ્યું. દરબારમાંથી ગળપણ લઈને તે માણસ આવ્યું, એટલે તે સુધારેલ કેરીમાં ગળપણ મેળવ્યું ને મહારાજ લગારેક જમ્યા.
મહારાજ જમીને બોલ્યા જે, “આ તો દાદો ખાચર જમે એવી છે.” એમ કહીને દાદા ખાચરને બોલાવ્યા. તે માણસ તેડવા ગયું, એટલે દરબારમાંથી દાદો ખાચર ઉતાવળા ઉતાવળા આવ્યા. મહારાજ કહે, “દાદા ! આ તમારે જમવા જેવો મુરબ્બો છે.” ત્યારે દાદા ખાચરે કહ્યું જે, “હા મહારાજ ! મારે ખટાઈ ઉપર રુચિ છે.” ત્યારે મહારાજ જમતા જાય ને દાદા ખાચરને જમાડતા જાય. તે ચાર કેરીનો મુરબ્બો આવી રીતે જમ્યા.
જમીને થોડીવાર થઈ ત્યાં મહારાજને જમવાનો થાળ આવ્યો. તે મહારાજ જમવા બિરાજ્યા ને જમતાં જમતાં દાદા ખાચરને જમાડ્યા. ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી એ બધાને પ્રસાદી આપતા જાય અને જમતા જાય. એ રીતે મહારાજ સારી પેઠે જમ્યા. જમીને ચળું કરીને કોગળા કરીને મુખવાસ જમ્યા. તે પછી મંચ ઉપર એક ઘડી બિરાજ્યા. તે સમયે થોડા માણસને લીધે મહારાજને બહુ સુખ આવ્યું. પછી મહારાજ મંચ ઉપર પોઢ્યા.
તે સમયે દાદા ખાચર મહારાજનાં ચરણારવિંદ દાબતા હતા, તે મહારાજને નિદ્રા આવી ગઈ. ને દાદા ખાચરનું માથું નિદ્રાને લીધે નમીને મહારાજનાં ચરણારવિંદને અડ્યું; એટલે દાદા ખાચરને નિદ્રામાં પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાં ચાર સ્તંભ દેખાયા. તે સ્તંભ બહુ શોભાયમાન ને તેજોમય, દિવ્ય તથા રત્ને જડિત મણિમય; એવા તે સ્તંભ વચ્ચે એક એવું મોટું સિંહાસન દેખાયું કે જેની ઉપમા ન દેવાય, એવું મહાસુખમય સિંહાસન દેખાયું. ને તે સિંહાસન ઉપર સુંદર રૂપાળું મખમલનું ગાદલું. તે ઉપર મહારાજ દિવ્ય મૂર્તિ વિરાજમાન દેખાયા. ને બહુ શોભા ને એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યનું તેજ ને શીતલતા ને સુંગધીપણું એવી અલૌકિક શોભાએ જુક્ત મહારાજનાં દર્શન થયાં. ને તે ભેળા અનંત અક્ષરમુક્ત તે ઘણી શોભાએ જુક્ત દેખાયા ને તે ભેળાં બાઈઓ પણ બહુ રૂપે યુક્ત દેખાયાં. તેમાં કોઈ ચતુર્ભુજ ને કોઈ અષ્ટભુજ ને કોઈ સહસ્રભુજ રૂપે દેખાયાં. ને એક આંબો પણ સારી શાખાએ જુક્ત ને શોભાયમાન કેરીએ યુક્ત મહાસુગંધીમાન; એ રીતે સર્વેએ સહિત મહારાજની મૂર્તિ દેખાઈ. જેથી દાદા ખાચરને બહુ સુખ આવ્યું.
પછી જ્યારે અંતરવૃત્તિ થઈ ત્યારે ફક્ત મહારાજની મૂર્તિ દેખાઈ ને બીજું કશું ન દેખાયું; એવું બે ઘડી દિવસ રહ્યો ત્યાં સુધી દાદા ખાચરને દેખાયું. પછી મહારાજ પોઢ્યા હતા, તે જાગીને કોગળો કર્યો ને પછી જળપાન કર્યું. ને પછી દાદા ખાચરને જગાડ્યા. પછી મહારાજે દાદા ખાચરને પૂછ્યું જે, “તમને કાંઈ દેખાયું ?” ત્યારે તેમણે કહ્યું જે, “હા મહારાજ !” પછી દાદા ખાચરે જે આગળ લખ્યું છે તે પ્રમાણે પોતાને દેખવામાં આવ્યાની વાત મહારાજને કહી દેખાડી.
એટલે મહારાજે કહ્યું જે, “મારો જન્મ છે ત્યાં તમારો જન્મ છે ને અમે છઈએ ત્યાં તમે છો. જેમ તમને અક્ષરધામને વિશે અમે દેખાયા તેમ તમે પણ ત્યાં છો. અને અમે આંહીં છઈએ તો તમે પણ આંહીં છો; આવી રીતે તમે સમજતા નથી તેટલા સારુ આ કહી એ વાત તમને દેખાઈ.” ત્યારે દાદા ખાચરે હાથ જોડીને કહ્યું જે, “મહારાજ ! તમે કહ્યું તેમ નથી સમજાતું. હવે આજથી એ રીતે સમજીશું.” એ રીતે વાત પૂરી થઈ રહી. એટલામાં સચ્ચિદાનંદ સ્વામી આઠ પાકી કેરી લઈને આવ્યા. તે મહારાજની આગળ મૂકી. ત્યારે મહારાજે કહ્યું જે, “આ કેરી સુધારો.”
ત્યારે ભગુજી કેરીની ચીરીઓ કરીને લાવ્યા. તે મહારાજ અડધી ચીર જમતા જાય ને જમેલી અડધી ચીર દાદા ખાચરને આપતા જાય. એ રીતે ચાર કેરી મહારાજ જમ્યા ને ચાર કેરી દાદા ખાચરને જમાડી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “બાપ-દીકરો બે જમ્યા પણ બીજા કોઈને ન આપી; માટે પંક્તિભેદ થયો. તે પંક્તિભેદનો બહુ દોષ કહ્યો છે.” એમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે કહ્યું જે, ‘અમે પંક્તિભેદ નથી કર્યો, આ ગોટલાં રાખ્યાં છે.’ એમ કહીને ત્રણ ગોટલાં બ્રહ્માનંદ સ્વામીને આપ્યાં ને ત્રણ ગોટલાં નિત્યાનંદ સ્વામીને આપ્યાં. ને બે ગોટલિયું ચૈતન્યાનંદ સ્વામીને આપી અને કહ્યું જે, “મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ છે માટે એમને નહિ આપીએ.”
એમ કહીને મહારાજ ઘોડીએ અસવાર થયા ને દાદા ખાચર ને સાધુ ગાડીમાં બેઠા. તે માર્ગમાં આવતાં સાધુએ દાદા ખાચરને પૂછ્યું જે, “તમે છાની-છાની મહારાજની સાથે શી વાત કરી ?” ત્યારે દાદા ખાચરે પોતાને જે સ્વપ્નમાં દેખાયું હતું તે કહી દેખાડ્યું. તે વાત સાંભળીને સાધુ બહુ રાજી થયા. પછી મહારાજ દરબારમાં પધાર્યા.
વહાલા ભક્તો ! ભક્તવત્સલ ભગવાન શ્રીસ્વામિનારાયણ પોતાના વહાલા ભક્તોને કેવા લાડ લડાવે છે ! જો આપણે પણ દાદા ખાચર જેવા વિશ્વાસી અને સર્વશ્વનું સમર્પણ ભગવાન અર્થે કરીએ, તો ભગવાન આપણને પણ આવા લાડ લડાવે ને પોતાની મૂર્તિનું મહાસુખ આપે.