
પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વણાયેલા થેંક્યુ, સોરી વગેરે જેવા અમુક શબ્દો આધ્યાત્મિક માર્ગમાં આપણા માટે ઘણા બધા કામના છે. એમાં પણ જો આપણે આ શબ્દોની ગહેરાઈ સમજીને ખરા દિલથી તેનો ઉપયોગ કરીએ તો તો એ આપણને ખુબ જ લાભપ્રદ નીવડે છે. કોઈને આપણા થકી જાણે-અજાણે દુઃખ થાય ત્યારે આપણે દિલગીરી પ્રગટ કરવા તેમને સોરી કહીએ છીએ, પરંતુ આ શબ્દોની ખરી કિંમત તો આપણને ત્યારે સમજાય છે જયારે આપણને આનો પ્રેક્ટિકલ અનુભવ થાય.
આપણે કોઈ માણસને મદદ કરી હોય અને તે આપણો આભાર માને તો આપણને શું ફીલીંગ આવે છે ? અને આ બાબતે તે કશો રીસ્પોન્સ ન આપે તો આપણને શું અનુભવાય છે ? સામેનો વ્યક્તિ પોતાની ભૂલ બદલ દિલગીરી દાખવી આપણને સોરી કહે તો આપણને કેવું લાગે છે ? અને દિલગીરી ન દાખવે તો તેના પ્રત્યેનું આપણું કેવું વલણ બંધાય છે ? આ આપણા પોતાનાં જ અનુભવમાંથી શીખી લેવું જોઈએ કે, હવે આપણે બીજા સાથે કેમ જીવવું ? હૃદયથી બોલાયેલા આ બે શબ્દોની ખુદ પ્રભુને પણ અસર આવે છે. તો ચાલો, આપણે થેંક્યુ શબ્દના સથવારે શ્રીહરીજી મહારાજની નજીક જઈએ...
સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિના પંચમ ચિંતામણિમાં પ્રભુકરુણા-ઉપકારો સંભારીને તેના અહેસાસ સાથે પોતાનાં અંતરના ઉદ્દગારો આવી રીતે કંડાર્યા છે.જનમતા જતન કીધી મારી, મારી બહુનામી બહુવીધી." વહાલા મહારાજ જન્મથી માંડી અત્યાર સુધી આપણું જતન કરતા આવ્યા છે. આ પ્રભુકરુણા સંભારીને દરેક પ્રસંગે પ્રભુને અચૂકપણે કહેતા રહો... "થેંક્યું પ્રભુ." આનો ફાયદો બહુ જ મોટો થશે.
પ્રભુનું પ્રગટપણું રાખવા, પ્રભુમાં પ્રેમ કરવા, પ્રભુમાં જોડાઈ જવા માટે આ બહુ જ સરળ અને શ્રેષ્ઠ માધ્યમ છે. દા.ત. થેંક્યુ પ્રભુ ! આપે મને તન-મનનું સ્વાસ્થ્ય આપ્યું, સવળા સુંદર વિચારો આપ્યા, સારો મળતાવડો સ્વભાવ આપ્યો, સત્સંગનો યોગ અને સાચા સંતો-ભક્તોની ઓળખાણ આપી, સંતો સાથે રહેવાનો સંયોગ ગોઠવી આપ્યો, આ બીમાર સંત-ભક્તની સેવા કરવાનો સુઅવસર આપ્યો, રાજીપો લેવા રસોઈ વગેરે કળા આપી, આપમાં જોડાઈ શકાય એ માટે સત્વગુણ આપ્યો, આપનું દિવ્ય સુખ આપ્યું, પંચવિષય તજવાનું બળ આપ્યું, મને રાજીપો અપાવવા એવા પ્રસંગો, નિમિત્તો, વાતાવરણ વગેરે સર્જી આપ્યું. "થેંક્યુ પ્રભુ !"
પ્રભુકરુણાને વિચારવા વધુ ઊંડાણમાં જઈએ તો તેને બંને બાજુ વિચારી શકાય. હે પ્રભુ ! આપે આવા આવા પ્રકારે મારી રક્ષા કરીને મને બચાવી લીધો અને આવી આવી કૃપા કરીને મને ધન્ય કર્યો. જેમ કે... અહંથી બચાવીને નિર્માનીપણું આપ્યું, ક્રોધથી બચાવીને સરળપણું આપ્યું, ખરાબ સ્વપ્નથી રક્ષા કરીને સારું સ્વપ્ન આપ્યું, અરે ! સાધનબળમાં અસફળતા આપીને પણ શરણાગતિની દૃઢતા કરાવી. અહંની પીડાનો અનુભવ આપીને પણ તેનાથી સાવધાન કર્યો, એકલો ને નોંધારો કરીને મારી વૃત્તિઓ તમારામાં વાળી લીધી, પ્રેક્ટિકલ દુઃખથી બચાવીને સ્વપ્નમાં જ મારું પ્રારબ્ધ ભોગવાવી દીધું. કેટલીક બાબતોમાં નિષ્ફળતા આપીને પણ આપનું કર્તાપણું સમજાવ્યું. "પ્રભુ ! થેંક્યુ વેરી મચ."
આવી રીતે જે ભક્ત પ્રભુકરુણાનો ડગલે ને પગલે અનુભવ કરી શકે છે એ એટલો કૃતજ્ઞી છે. અને જે અગાધ રીતે વહેતી પ્રભુની કરુણાગંગામાં સ્નાન કરતો નથી તેનું હૈયું કોરું ધાકોડ જ રહે છે; ભીનું થતું નથી ને આ જ એનું કૃતઘ્નીપણું છે. કોઈ આપણને મદદરૂપ થાય ત્યારે તેમનો આભાર માનવાની - તેમના પ્રત્યે કૃતજ્ઞીપણું દાખવવાની આપણી ફરજ છે. આ અવસર જો આપણે ચુકી જઈએ, ભૂલી જઈએ કે જાણીને ધ્યાનમાં ન લઈએ તો સામી વ્યક્તિને આપણા પ્રત્યે કાંઈક બીજું અનુભવાય એ સ્વાભાવિક છે. પ્રભુ સાથે આપણે આવું કાંઈક કરીએ તો પ્રભુને પણ આપણી આવી જ કાંઈક નોંધ આવે.
કેટલીક વખત તો આપણે મહારાજ કે સંતો-ભક્તોની કૃપાના રીસ્પોન્સમાં એમના પ્રત્યે ઋણી રહેવાને બદલે, ઉપકાર તળે દાસ રહેવાને બદલે તેમની કૃપાને સાવ ભૂલી જ જઈએ છીએ. એટલું જ નહિ એમની વારંવારની કરુણાનો અહેસાસ ગુમાવી આપણે તેને આપણો અધિકાર માની બેસીએ છીએ... જાણે કે આપણને મદદ કે સહાયને આપણે આપણો હક્ક માની બેસીએ એ આપણી કેવડી મોટી ભૂલ કહેવાય ?
આવું કદાચ ન થાય પણ તેમની કરુણાની ફીલીંગ મરી પરવારે ને જલેબીનો જલેબો થઈ જાય એ પણ કેટલું ખોટું કહેવાય ? હવે આપણું હૃદય કેવી રીતે ગળે ? એકલી કઠોરતા જ રહે. અને આવું ન થાય એટલા માટે જ આપણે નાની નાની વાતમાં મહારાજ અને સંતો-ભક્તોની કૃપા સંભારીને થેંક્યું કહેવાની ટેવ પાડવી જોઈએ. આપણને મદદ કરનારનો આપણને અભાવ-અવગુણ ન જ આવવો જોઈએ ને હેત-ભાવ થવો જ જોઈએ. જો ન થાય તો આપણામાં કાંઈક ફેર છે. તેમણે કરેલી મદદ આપણે ભૂલી ગયા છીએ... તેમના ગુણ ભૂલીને અવગુણ જોવાના ઊંધા રવાડે ચડી ગયા છીએ. જો સવળું સમજી સુખી થવું હોય તો પૂ. ગુરુજી એક દોહામાં કહે છે...
સુખિયા રહેવું હોય તેણે, ગુણ જ લેવા સદાય;
કરેલી મદદ યાદ કરો, 'જ્ઞાન' થઈ જશે ભાવ.
આપણા શ્રીહરિજી મહારાજ પણ આપણી પાસે 'આપણે તેમની સાથે કૃતજ્ઞી બની રહીએ' એવી જ કાંઈક અપેક્ષા રાખતા હોય છે. તેમની કૃપાને યાદ કરી આપણે થેંક્યું કહેવાના નિમિત્તે પણ પ્રભુ સાથે જોડાઈએ તો એમને બહુ ગમે. અને તેમની કરુણાને એટલી ધ્યાનમાં ન લઈએ તો સ્વાભાવિક રીતે એ આપણાથી દુર રહેવાનું પસંદ કરે.
આ બાબતનો અભ્યાસ આવા કોઈક ઠરાવ સાથે કરી શકાય. જેમ કે... આજ આખા દિવસમાં મારે મહારાજને જુદી જુદી બાબતોમાં ૨૫ વાર થેંક્યુ કહેવું છે. આમ નક્કી કર્યા બાદ આ સંખ્યામાં ઉત્તરોત્તર આગળ વધી શકાય. વળી, એક ડાયરી બનાવી તેમાં રોજ નિયમપૂર્વક આપણને ફીલીંગ થયેલી એક એક પ્રભુકરુણા લખતા જઈ પ્રભુને થેંક્યુ કહી શકાય. આ ઉપરાંત આધ્યાત્મિક, શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક વગેરે પ્રભુકરુણાના વિભાગ વાઈઝ પ્રકારો પાડી તે તે બાબતની પ્રભુકરુણાને વિચારીને થેંક્યુ કહી શકાય. વળી, કોમન કરુણા અને પર્સનલ કરુણાનો વિભાગ પણ કરી શકાય. આમ અભ્યાસ કરતાં કરતાં જયારે એવો ભાવ જાગે કે, મારી શારીરિક રક્ષાથી માંડી મારા જીવનું જતન કરનાર હરિવરને કેમ ભૂલાય ? પછી તો વિનાપ્રયાસે પ્રભુમય રહી શકાય.
પ્રભુની કૃપાની ફીલીંગ આપણે એટલા માટે કરવાની છે કે, જો પ્રભુ ન આપે તો ઈચ્છવા છતાં પણ સારું સ્વપ્ન, સારો વિચાર કે સારા સારા નિર્ણય ન આવે; એ તો એ પોતે કૃપા કરીને આપે તો જ આવે. કોઈ કાર્ય એની મેળે કદાપિ નથી થતું. એના કરનારા-સર્જનારા કોઈક હોય છે. જેમ ઈલેક્ટ્રીસિટિ વગર પંખો ફરી શકતો નથી તેમ પ્રભુ દ્વારા જ્ઞાન-ઈચ્છા-ક્રિયાશક્તિના પ્રકાશ્યા વગર આપણાથી પાંદડું પણ હલી શકતું નથી. આ બાબત સમજાશે એટલે દરેક ક્રિયામાંથી ભગવાનનું કર્તૃત્વ પકડાશે; તેમની કૃપાની ખરી ફીલીંગ આવશે અને પ્રભુકૃપા બદલ થેંક્યુ કહેવાનો ટ્રેક જ આપણને પ્રભુ સુધી પહોંચાડી દેશે.