ઝુમખરામ અને મુગટરામની મહારાજે રક્ષા કરી : કથામૃતમ

ઝુમખરામ અને મુગટરામની મહારાજે રક્ષા કરી : કથામૃતમ

એકવાર ગાંડાપુરથી ઝુમખરામ અને તેમના નાના ભાઈ મુગટરામ બંને મહારાજનાં દર્શન કરવા સારું ડમણિયું-બળદગાડું જોડીને ચાલ્યા. ચાલતાં ચાલતાં પાંચ ગાઉ ગયા ત્યાં રસ્તામાં મોટી ઝાડી આવી અને સાંજ પડી ગઈ. તેથી જનાવરની અને લુંટારાની બીક લાગવા માંડી તેથી બંને ભાઈ મૂંઝાયા કે શું કરશું ? પછી ભગવાનનો વિશ્વાસ રાખી હિંમત સાથે ભજન કરવા મંડયા.

ત્યાં એક બ્રાહ્મણ આવ્યો અને પૂછ્યું,

બ્રાહ્મણ : ક્યાંના છો અને ક્યાં જાવ છો ?

ઝુમખરામ : અમે વિસનગરના ભાવસાર છીએ. હાલ ગાંડાપુર રહીએ છીએ અને ગુજરાતમાં જાવું છે.

બ્રાહ્મણ : મારે પણ ગુજરાતમાં જાવું છે, પરંતુ તમારે ગુજરાતમાં ક્યાં જાવું છે ?

ઝુમખરામ : અમારે તો કચ્છમાં કાળાતળાવ છે ત્યાં સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા જાવું છે.

બ્રાહ્મણ : સ્વામિનારાયણ ભગવાન નથી ! એ તો જાદુગરા છે. અમે બ્રાહ્મણ બધું જાણીએ. એમણે બાબરોભૂત વશ કર્યો છે. તમે શું જોઈ એને ભગવાન માનો છો ? માટે પાછા ઘરે જાવ.

ઝુમખરામ : ભૂદેવ ! તમને જે મનાતા હોય તે પણ અમારા માટે તો એ પ્રગટ ભગવાન છે, ભગવાન છે અને ભગવાન જ છે. અમને એમનો દૃઢ વિશ્વાસ છે અને અમારે ત્યાં ગયા વગર છૂટકો નથી. માટે એ બાબતે તમારે સહેજેય બોલવું નહીં. આવી વાતો કરનાર તમે ક્યા ગામના છો ? અને તમારું નામ શું છે ?

બ્રાહ્મણ : હું તો જેનો નિર્દેશ ન થઈ શકે એવા અનિર્દેશનો વાસી છું અને મારું નામ પુરુષોત્તમ ભટ્ટ છે.

ઝુમખરામ અને મુગટરામ : જો હવે ભગવાન સ્વામિનારાયણ વિશે એક પણ શબ્દ ન બોલવો હોય તો અમારી સાથે રહો, નહિ તો તમે એકલા હાલતા થાવ.

બ્રાહ્મણ : ના..ના.. મને એકલો કરો મા. તમારી સાથે આવવા દો. હવે હું નહિ બોલું. મને શું ખબર કે તમને સ્વામિનારાયણ ભગવાનની આટલી બધી નિષ્ઠા હશે !

વહાલા ભક્તો ! ભગવાન ભક્તની નિષ્ઠાની કસોટી કરે છે પછી પાસ થાય તો સ્વયં મદદ કરી બધા રસ્તા સહેલા કરી દે છે. નિષ્ઠાવાનની જ અંતે જીત થાય છે.

પુરુષોત્તમ ભટ્ટ : જુઓ ! આ ઝાડી વિસ્તાર છે, રાતનું ટાણું છે માટે રાત્રીના વખતે આપણે વારાફરતી જાગશું. હમણાં હું  જાગું છું તમે બંને ભાઈ સૂઈ જાઓ. પછી હું સૂઈ જાઉં ત્યારે તમે બંને ભાઈ જાગજો. અત્યારે તમે આરામ કરો.

પછી ભટ્ટ જાગ્યા અને બંને ભાઈ સૂઈ ગયા. સવાર થઈ અને બેય ભાઈએ જાગીને જોયું તો તેમને બધું નવું જ લાગ્યું ! ‘રાતે તો ઝાડી વિસ્તારમાં હતા અને આ તો કોઈ ગામનું પાદર લાગે છે ! પુરુષોત્તમ ભટ્ટ પણ દેખાતા નથી. આ બધું શું હશે !’ એમ વિચારે છે ત્યાં એક ભાઈ નીકળ્યા તેમને પૂછ્યું,

ઝુમખરામ અને મુગટરામ : આ ગામનું નામ શું ?

ભાઈ : કાળાતળાવ

ઝુમખરામ અને મુગટરામ (આશ્ચર્ય સાથે) : શું ખરેખર કાળાતળાવ છે ?

ભાઈ : ‘હા..હા..આ કાળાતળાવ જ છે .’

ઝુમખરામ અને મુગટરામ આશ્ચર્ય સાથે એકબીજાની સામે જોવા લાગ્યા. પછી પૂછ્યું, ભાઈ ! સ્વામિનારાયણ ભગવાન અહીં છે ?

ભાઈ : હા, હરભમ સુથારને ઘરે છે.

પછી બંને ભક્તો ત્યાં ગયા. ગાડું એક બાજું  મૂકીને સભા બેઠી હતી ત્યાં મહારાજનાં દર્શન કરવા ગયા. બંને ભાઈ દંડવત કરી પગે લાગ્યા. ત્યારે મહારાજ એ બંનેને કહે,

મહારાજ : ‘અહીં આવો.’ એમ કહીને પોતાની પાસે બોલાવ્યા, માથે હાથ મૂક્યા. પછી પૂછ્યું કે, ‘તમે અહીં કેમ કરીને આવ્યા ? તે વાત વિગતે કહો.’

ઝુમખરામ અને મુગટરામ : મહારાજ અમે અમારા ગામથી પાંચેક ગાઉ આવ્યા ત્યાં સાંજ પડી અને જંગલ આવ્યું. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો અને કહે કે, હું પુરુષોત્તમ ભટ્ટ છું. પછી તો અમે બેય ડમણિયામાં સૂઈ ગયા અને સવારે જાગીને જોયું તો અહીં કાળાતળાવ ગામમાં આવી ગયા હતા.

મહારાજ : એ તો તમે અમારું ભજન કર્યું માટે અમે જ તમારી રક્ષા કરવા માટે આવ્યા હતા.

ઝુમખરામ અને મુગટરામ : સાચું મહારાજ ! એક રાત્રીમાં તમે જ અમને ત્રણસો ગાઉ પહોંચાડયા !

પછી બેય હરિભક્તોએ મહારાજ સારુ બ્રહ્મચારી પાસે થાળ કરાવ્યો. મહારાજ જમ્યા અને થાળની પ્રસાદી ઝુમખરામ અને મુગટરામને આપી. એમ પાંચ દિવસ સુધી રહીને મહારાજને રસોઈ આપીને જમાડયા અને મહારાજની વાતો સાંભળી, મૂર્તિનું સુખ લીધું. સંતો પાસે બેસી સંતસમાગમનું સુખ લીધું અને બહુ આનંદ કર્યો. પછી સાથે લાવેલ પોશાક મહારાજને ધરાવ્યો, અને ભેટ ધરી બેય ભાઈએ કપૂરની આરતી કરી. પછી મહારાજને દંડવત કરી પગે લાગીને ચાલવાની રજા માગી.

ત્યારે મહારાજ કહે, ‘આ ટાણે ચાલવું રહેવા દ્યો સવારે વહેલા ચાલજો. અત્યારે અહીં રોકાઈ જાવ.’ તેથી વિશ્વાસ રાખી બંને ભાઈઓ રોકાઈ ગયા અને મહારાજની વાતો સાંભળીને ડમણિયામાં સૂઈ ગયા. સવારે ઊઠીને

જોયું તો ગાંડાપુર પહોંચી ગયા હતા.
આ જોઈ બંને ભાઈઓને બહુ આશ્ચર્ય થયું અને બોલ્યા કે, ‘આપણને તો શ્રીજીમહારાજે જાતા અને વળતા બેય ટાણે પરચો આપીને વિકટ વાટથી, ચોર લૂંટારાના ભયથી રક્ષા કરી.’ એમ

વિચારીને બેય મનમાં બહુ રાજી થયા.

વહાલા ભક્તો ! આ રીતે જે ભગવાનનો વિશ્વાસ રાખે, હિંમત રાખી ભજન કરે તેની ભગવાન પળે પળે રક્ષા કરે છે. જેમ તે બંને ભાઈઓને કાળાતળાવથી ઘડીવારમાં ગાંડાપુર પહોંચાડી દીધા તેમજ જો આપણે વિશ્વાસ રાખશું તો શ્રીહરિ સમય આવ્યે અવનિથી અક્ષરધામમાં પહોંચાડી દેશે, સુખથી ભરી દેશે.

આજ દિન સુધી મહારાજે મારી અને તમારી આવી કેટલીયે ચમત્કારિક રક્ષા કરી છે, પણ ભૂલી જઈએ છીએ. મહારાજે રક્ષા કરી હોય તેને યાદ કરીએ તો મહારાજમાં બહુ હેત થાય. ભલે ને તે સાવ માયિક બાબત જ હોય, પણ ભગવાનની લીલા તો અલૌકિક છે, માયિક નથી. જો ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનમાં હેત હોય, તો ભગવાનને આવી સેવા કરવામાં આનંદ આવે છે. પણ ભગવાનમાં હેત ન હોય, નિશ્ચય ન હોય, ભગવાનની ભક્તિ કરતા ન હોઈએ, ભગવાનનું માનતા ન હોઈએ અને સ્ત્રી, ધન તથા પદ-પ્રતિષ્ઠામાં જ આસક્ત હોઈએ તો ભગવાન રક્ષા ન કરે. માટે વિશ્વાસ રાખી સ્નેહથી શ્રીહરિનું ભજન કરવું તો ભગવાન જરૂર આપણી રક્ષા કરશે...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૩/૦૭/૨૦૧૪, રવિવારના રોજ શ્રીસ્વા.મંદિર કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન.