
એક વિદ્વાન પ્રોફેસર એક મહાત્મા સંતને મળવા તેમના આશ્રમે આવ્યા. તેમણે મહાત્માજીને કહ્યું, “લોકો કહે છે કે તમે ગીતાજીને રોજિંદા જીવનમાં આત્મસાત્ કરી છે. શું તમે કૃપા કરીને મને ગીતાજીનો કાંઈક સારો ઉપદેશ સમજાવશો ?”
મહાત્માજીએ પ્રોફેસર તરફ જોયું અને કહ્યું, “પ્રોફેસર, એ તો હું સમજાવું, પણ પહેલા તમે એક કામ કરશો ?” “હા, ચોક્કસ,” પ્રોફેસરે કહ્યું. મહાત્માજીએ એક આંગણામાં ખૂણામાં મૂકેલા ઈંટોના ઢગલા તરફ આંગળી ચીંધીને કહ્યું, “શું તમે આ ઈંટોને સામેની બાજુ લઈ જશો ?”
પ્રોફેસરને થોડી મૂંઝવણ થઈ, પણ મહાત્માજી પાસેથી ગીતાનો ઉપદેશ સમજવાની ઉત્સુકતામાં તેમણે ઈંટોને મહાત્માજીએ કહ્યું તેમ ગોઠવી દીધી. થોડી વાર પછી મહાત્માજી ત્યાં આવ્યા ને ઈંટો જોઈને કહ્યું, “ઓહ ! મેં સામેની દિશામાં ગોઠવવાનું કહ્યું હતું, તેનો મતલબ આ જગ્યા ન હતી, પણ ત્રાંસી સામેની દિશામાં એટલે કે ઉત્તરીય ખૂણામાં ગોઠવવાની હતી. પ્રોફેસરે નિસાસો નાખતાં કહ્યું, “ઠીક, ચાલો એમ ગોઠવી દઉં.”
પછી તે પ્રોફેસરે ફરીથી બધી ઈંટો ગોઠવી દીધી. પરંતુ તેમના હાથે ઉઝરડા પડ્યા અને તેમની પીઠ દુ:ખવા લાગી. પછી હાંફતાં હાંફતાં મહાત્માજી પાસે આવીને કહ્યું, “કામ પૂરું થયું; હવે મહાત્માજી, કૃપા કરીને મને ગીતાનો ઉપદેશ આપો.” મહાત્માજીએ ઈંટો જોઈનેે શંકા કરી કે, “પ્રોફેસેર, આ ઈંટોની બાજુમાં બગીચાનો પ્રવેશ દ્વાર હોવાથી લોકોને અવરોધ નહિ કરે ? પ્રોફેસર, આપણે તેમને પૂર્વમાં ગોઠવીએ તો કેમ ?”
“પણ, બાપુ, ત્યાં તો પહેલાં હતી જ !” પ્રોફેસર ગુસ્સે ભરાયા, “હું પ્રોફેસર છું. મહાત્માજી, હું તમારી પાસે ગીતાનો સાર સમજવા આવ્યો છું અને તમે મારી સાથે એક મજૂર જેવો વ્યવહાર કરો છો. કદાચ તમે મને ગીતાનો ઉપદેશ આપવાને લાયક નહિ માનતા હો, અથવા કદાચ તમે તે ઉપદેશ એવી રીતે વ્યક્ત કરી શકતા નથી કે જે બીજા સમજી શકે.”
મહાત્માજીએ કહ્યું, “મારા પ્રિય મિત્ર, આ તો મેં તમને ગીતાજીનો પ્રેક્ટિકલ ઉપદેશ આપ્યો. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે,
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन: ।।
(गीता : ४/३४)
સદ્ગુરુ અને સત્શાસ્ત્રના સેવન થકી જેમને પરબ્રહ્મ વગેરે પાંચેય તત્ત્વોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, એવા સદ્ગુરુને શરણે જઈને પ્રથમ તો તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા. પછી તેમની મરજી મુજબ સેવા કરવી. ત્યારબાદ તેનાથી પ્રસન્ન થયેલા તે સદ્ગુરુને નાશવંત અને અવિનાશી વસ્તુઓના સ્વરૂપ સંબંધી પ્રશ્નો પૂછવા. આ રીતે અનુક્રમથી શરણાગતિ, સેવા અને જિજ્ઞાસારૂપ પ્રક્રિયા દ્વારા તું તે પાંચેય તત્ત્વોનું યથાર્થ જ્ઞાન જાણ-પ્રાપ્ત કર. અર્થાત્ જ્યારે તું આ રીતે કરીશ ત્યારે તે તત્ત્વોને દેખનારા અને જેમ છે તેમ જાણનારા એવા તે સત્પુરુષો તને તે બંને વસ્તુના જ્ઞાનનો ઉપદેશ કરશે.
વહાલા ભક્તો, શ્રીમદ્ ભગવદ્ગીતાજીનો આ શ્લોક આપણને વિવેક શીખવાડે છે કે, જેમની પાસે મોક્ષ સંબંધી જ્ઞાન મેળવવાનું છે, તે આપણા ગુરુ, સંતો કે મોટા ભક્તોને પહેલા તો સેવા કરીને અને તેમની સાથે દાસભાવે વર્તીને રાજી કરવા જોઈએ. જ્યારે તેઓ દિલથી રાજી થાય છે, ત્યારે તેઓ પોતાનું અનુભવસિદ્ધ આધ્યાત્મિક જ્ઞાન આપણને આપે છે.