જો આત્મનિષ્ઠા નહીં કેળવીએ તો ?

જો આત્મનિષ્ઠા નહીં કેળવીએ તો ?

વહાલા ભક્તો ! માનો કોઈને એવી ઈચ્છા હોય કે મારી પાસે કોહિનુર હીરો હોય, ખૂબ જ કિંમતી ઘરેણાં અને ઝવેરાત હોય તો કેવું સારું !! પરંતુ તેને એ ખબર હોવી જોઈએ કે, એને સુરક્ષિત રાખવાની તિજોરી વિના તે મેળવ્યા પછીય સાચવી નહિ શકાય. ઉલટાનું તેને કારણે આપણા જીવનું જોખમ વધી જશે, તે વધારાનું.

તેમજ આપણે કોહિનુરરૂપી પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. તેમનું ભજન, સેવા, સત્સંગ અને સદગુણોરૂપી આભૂષણો કેળવી રહ્યા છીએ. રાજીપારૂપી રૂપિયા અને હીરા-ઝવેરાતને મેળવી રહ્યા છીએ. પરંતુ તેને સુરક્ષિત રાખવાની અને પચાવવાની પાત્રતાનું શું ?

એ દિવ્ય ધનને સાચવવાની સાચી તિજોરી છે - આત્મનિષ્ઠા, તેને પચાવવાની પાત્રતા છે બ્રહ્મરૂપતા. માટે આપણે આત્મનિષ્ઠા કેળવવા ઉપર પણ ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે.

આ બાબતમાં આપણી તકલીફ એ છે કે, આપણે અનાદિ કાળથી દેહરૂપે રહેવા ટેવાઈ ગયા છીએ, તેથી આત્મકલ્યાણનાં સાધનો કરીએ એ પણ દેહરૂપે જ કરતા હોઈએ છીએ. એટલે જ કામ, ક્રોધ અને માન જેવા ડાકુઓ વારંવાર ચોરી કે લૂંટ કરી જાય છે. દેહાભિમાનરૂપી મોટો દોષ સુધારતા નથી તેથી અંતરમાં ઉદ્ભવતા વિક્ષેપ કે વિકાર બંધ થતા નથી. અવાર-નવાર કોઈ ને કોઈ પ્રકારે દુઃખ તો આવ્યા જ કરે છે. અને જો દેહાભિમાનરૂપ દોષને હજુ નહિ ટાળીએ તો આ દુઃખ ક્યાં સુધી આવતા રહેશે ? આ બાબતે પ્રભુ શ્રીહરિની નીચેની ચેતવણી ખૂબ જ ગંભીરપણે વિચારવા જેવી છે -

એક સમે શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “ભગવાનની પ્રાપ્તિ થયા કેડે ભગવાનનો ભક્ત હોય, તેને કોઈ રીતે કરીને કામ-ક્રોધાદિક જે માયાના વિકાર તેણે કરીને ભગવાનના ભજનમાં વિક્ષેપ ન થાય અને કોઈ જાતનું દુઃખ અંતરમાં ન વ્યાપે, એવી શી સમજણ છે ?

પછી શ્રીજીમહારાજ બોલ્યા, “એ ભક્ત દેહરૂપે વર્તે છે કે આત્મારૂપે વર્તે છે ?

પ્રશ્નનો ઉકેલ આપતા પહેલા પ્રભુ પૂછે છે કે ‘એ ભક્ત દેહરૂપે વર્તે છે કે આત્મારૂપે ?’ આ ચોખવટ દેહભાવ છોડી આત્મારૂપે વર્તવાની કેટલી બધી આવશ્યકતા છે તે સૂચવે છે.

પછી મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, ‘વર્તે છે તો દેહરૂપે.’

મુક્તાનંદ સ્વામીએ આપણી જન્મોજનમની કુટેવ મહારાજને જણાવી. હવે મહારાજ દેહાભિમાન હોય તો બીજું શું શું મેળવી લીધું હોય છતાં દોષ અને તેનાં દુઃખ ન ટળવાની ચેતવણી આપે છે; તે આપણે ઘણું ગંભીરપણે વિચારવા જેવું છે.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ ભક્ત દેહરૂપે વર્તે છે ત્યારે તો એ અખંડ ભગવાન પાસે રહે ને ચરણારવિંદ છાતીમાં રાખે અથવા (કોઈ ધામમાં ભગવાનની પટરાણી) જેવી પદવી પામે તો પણ એને અંતરમાં સુખ થાય નહીં; તો એવા ને આ લોકમાં તો ક્યાંથી સુખ આવે?

વહાલા ભક્તો ! પ્રભુનો આ જવાબ આપણને ઘણું બધું કહી જાય છે. આપણે તો એવી કોઈ સ્થિતિ કે પદવી પામ્યા નથી. ઠાગાઠૈયા જેવી સામાન્ય ભક્તિ કરીએ છીએ; એ પણ દેહરૂપે રહ્યા થકા. એમાં અખંડ સુખ ક્યાંથી રહે ? માટે જો અભ્યાસ કરીને આપણું દેહાભિમાન નહિ ટાળીએ તો ક્યાં સુધી સુખ નહિ થાય તે વિષે મહારાજ હવે જણાવે છે -

“જય-વિજયની પેઠે વૈકુંઠલોકમાં જાય અથવા ગોલોકમાં જાય અથવા બ્રહ્મલોકમાં જાય પણ દેહાભિમાનીને ક્યાંય સુખ થાય નહીં.” શ્રીહરિની આ વાત ઉપરથી એવું ચોક્કસ જણાય છે કે, આપણે જો સદા સુખી થાવું હોય તો દેહાભિમાન ટાળ્યા વિના છૂટકો જ નથી. આપણે સંતો-ભક્તોની સાથે રહેતા હોઈએ તેમાં મનધાર્યું ન થાય કે અપમાન થાય ત્યારે અંતરમાં અસુખ, ઉદ્વેગ કે અકળામણ થઈ જાય છે. પરંતુ  તે વખતે આપણને આપણા દેહાભિમાન ઉપર દાઝ નથી ચડતી, સંતો-ભક્તોનો અભાવ આવે છે.

ખરેખર તો આપણા દુઃખનું કારણ દેહાભિમાન છે, બીજા કોઈ નહીં પણ એ વાત સમજતા કે સ્વીકારી શકતા નથી, એટલે આપણી ઉર્જા ઊંધે રસ્તે વપરાઈ જાય છે. ઘણી વખત તો દેહાભિમાનને કારણે થતું દુઃખ તો હોય જ, એમાં સંતો-ભક્તોના અભાવ, અવગુણ કે અપરાધનું નવું દુઃખ ઉમેરાઈ જાય છે. માટે હવે જો એ દુઃખ અને પાપથી બચવું જ હોય તો આપણે સહુએ આપણા દુઃખનું મૂળ કારણ દેહાભિમાન ટાળવું ખાસ જરૂરી છે. કેમ જે, અખંડાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને પર્વતભાઈ જેવા સંતો-ભક્તોને આપણા કરતાં ઘણી વિકટ પરિસ્થિતિ સર્જાવા છતાં આપણી જેમ દુઃખ કે ઉદ્વેગ થઈ જતાં નહીં.(દુઃખી કે ઉદ્વેગવાન થઈ જતાં નહીં.) એટલે મહારાજ આપણને હવે આવું સૂચવે છે -

જેને દેહાભિમાન નથી તે તો ગોલોક-વૈકુંઠમાં હોય તોય સુખી છે ને પૃથ્વી ઉપર હોય તોય પણ સુખી છે. માટે જે આત્મારૂપે કરીને ભગવાનની ભક્તિ કરે છે તેની જ ભક્તિ સાચી છે અને તે ભક્ત આત્મારૂપે વર્તે છે અને દેહને પોતાનું રૂપ નથી માનતો તેને તો આંહીં છે તો પણ બ્રહ્મમોહોલ તુલ્ય છે.” - ગોપા.સ્વામી વાતો-૧૧૪

માટે ચાલો હવે આપણે સહુ ખરા ગરજુ થઈને દેહાભિમાન ટાળવા ને બ્રહ્મરૂપ બનવા મંડી પડીએ. તે માટે આપણે કેવા-કેવા ઉપાયો કરવા જરૂરી છે ? તે હવે પછી જોઈશું.