
એક દિવસ એક પ્રોફેસરે ક્લાસમાં આવીને કહ્યું, “ચાલો એક ગેમ રમીએ. આ વર્ગમાં તમને જ્યાં જ્યાં કાળો રંગ દેખાય તે શોધો. અને કાળા રંગની વસ્તુઓ શોધીને એક લીસ્ટ બનાવો. એક મિનિટમાં જે સૌથી વધુ વસ્તુઓ શોધીને લખી શકશે તેને ઈનામ મળશે. ચાલો, કાગળ-પેન લઈને તૈયાર થઈ જાઓ. One, two, three your times start now..."
બધા આજુબાજુ નજર દોડાવીને જે કંઈ પણ કાળા રંગનું દેખાય તે વસ્તુ લખવા લાગ્યા. બ્લેક ટીશર્ટ, બ્લેક બોર્ડ, બ્લેક પેન, બ્લેક પેન્સિલ, બ્લેક દુપટ્ટો, કાળી બેગ, કાળા મોજા, કાળા બુટ... આમ ઘણું શોધાયું અને લખાયું.
એક મિનિટ થઈ એટલે તરત જ પ્રોફેસર બોલ્યા, “સ્ટોપ ! હવે કોઈ પણ વિદ્યાર્થી લખશે નહીં. હવે મારી વાત સાંભળજો. તમે બધાએ કાળી વસ્તુ શોધીને લીસ્ટ બનાવ્યું. કોઈએ દસ વસ્તુ લખી હશે..! તો કોઈએ પંદર...! તો કોઈએ વીશ...! બરાબર ?”
એક છોકરો બોલી ઊઠયો, “સર ! મેં ટોટલ બાવીસ વસ્તુ લખી છે.”
પ્રોફેસર હસ્યા અને બોલ્યા, “હા, તો હવે મારા એક સવાલનો જવાબ આપ કે તેં આ બાવીસ વસ્તુઓ શોધી ત્યારે તને લાલ રંગની વસ્તુઓ કેટલી મળી ? કે કેટલી પીળી વસ્તુઓ તેં જોઈ ?”
છોકરો બોલ્યો, “સર ! તમે કાળા રંગની વસ્તુઓનું લીસ્ટ બનાવવાનું કહ્યું હતું એટલે હું કાળા રંગની વસ્તુઓ શોધતો હતો એટલે બીજા કોઈ રંગની વસ્તુઓ પર મેં ધ્યાન જ નથી આપ્યું. તેથી લાલ રંગ કે પીળા રંગની કેટલી વસ્તુઓ હતી તે મને ખબર જ નથી. મારું પૂરું ધ્યાન કાળા રંગની વસ્તુઓ શોધવા પર જ હતું, તેથી મને આટલી બધી વસ્તુઓ દેખાઈ.”
આ વાત સાંભળી પ્રોફેસર હૃદયમાં કંડારી લેવાય તેવી વાતો કરવા લાગ્યા, “યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ! આપણે જીવનમાં જે શોધીએ તે જ આપણને દેખાય અને તે જ આપણને મળે. તમે કાળા રંગની વસ્તુઓ શોધતા હતા એટલે તે જ તમને દેખાઈ. આજુબાજુ બીજા રંગની વસ્તુઓ હતી પણ તે તમને દેખાઈ નહિ. તેની પર તમારું ધ્યાન પણ ન ગયું, બરાબર ને..! આ જ નિયમ બધે લાગું પડે છે.
જીવનમાં પણ તમે જે શોધશો તે તમને દેખાશે અને તે જ મળશે. કોઈની ખામીઓ શોધશો તો ખામીઓ દેખાશે, નબળાઈઓ શોધશો તો નબળાઈ દેખાશે, કામ શોધશો તો કામ મળશે, ખૂબી શોધશો તો ખૂબી દેખાશે, તક શોધશો તો તક મળશે, સાથ શોધશો તો સાથ મળશે અને પ્રેમ શોધશો તો પ્રેમ પણ મળશે.”
આમ પ્રોફેસરે સરળ રીતે આ મહત્ત્વની વાત સમજાવી.વહાલા ભક્તો ! જેની પર મહારાજની અને મોટાની કૃપા હોય તેને જ પોતાની ખામી દેખાય છે, મનાય છે અને સ્વીકારાય છે. તેઓ કોઈ દિવસ બીજાના દોષો સામે જોતા નથી. કેમ જે, તેને પોતાના દોષો-ખામીઓ સામે જ નજર હોય છે. અને તેવા ભક્તો ઉપર મહારાજ અને મોટા સંતોનો ખૂબ રાજીપો હોય છે. તેમનું હૃદય દિવ્યભાવથી ભરેલું રહે છે. કેમ જે, તેને બધામાં સારું શોધવાની ટેવ છે.
તેથી જ પૂ.ગુરુજીએ એક સૂત્ર આપ્યું છે -
‘ગુણ ગોતો, ખૂબી ખોળો.’
ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢમાં કાળવા નદીએ સ્નાન કરવા જતા હતા. નિજમસ્તીમાં ધૂન-ભજન બોલતા હતા. તે જોઈને રસ્તામાં એક ફકીરને સ્વામીનો ગુણ આવ્યો. એટલે તે ફકીરથી સહજ બોલાઈ ગયું ‘अरे..! देखो देखो स्वामिनारायण के ओलिया की क्या मस्ती है !’ તે સાંભળી સ્વામીએ પાછું વાળીને જોયું. પછી રાજી થયેલા સ્વામીએ તે ફકીરને કહ્યું, ‘તમને મારો ગુણ આવ્યો, તેથી જાવ હું આશીર્વાદ આપું છું જે, અંતકાળે તમને ધામમાં લઈ જઈશ.’ તેથી ફકીર સ્વામીના પગમાં પડયા. આમ સ્વામીએ તેનું સહજમાં કલ્યાણ કર્યું.
આમ, બીજામાં સારું જોવાની ટેવ હોય તો આપણું ભલું થાય અને બીજામાં કાળા રંગરૂપી દુર્ગુણ જોવાની ટેવ હોય તો ક્યારેય આપણામાં સારું આવે નહીં ને સારું દેખાય પણ નહીં.
ધોરાજીમાં એક મુસ્લિમ બિરાદરને સહુના ગુણ લેવાની ટેવ હતી. એમાં કોઈ કારણોવશાત્ તે ગાંડો થઈ ગયો, પરંતુ જે મળે તેનાં વખાણ કરે. આ ટેવ તેની એમની એમ રહી. એકવાર ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો ધોરાજી આવ્યા. તે વખતે સંતોની મસ્તી જોઈને આ મુસ્લિમ સંતોનાં વખાણ કરતો કહે, ‘क्या स्वामिनारायण के ओलिया का नूर है ! वो तो सबसे बडा ओलिया है ।’ આમ સ્વામીનાં વખાણ કર્યાં અને સંતનો ગુણ લીધો; તો ઈતિહાસ એમ બોલે છે કે, જ્યારે તેનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજીમહારાજ તેને તેડવા આવ્યા અને અક્ષરધામનો અધિકારી બનાવ્યો. ગુણ લેવાનો સ્વભાવ સત્પુરુષનાં વખાણના કામમાં આવ્યો તો મોક્ષ થઈ ગયો, જન્મ સુધરી ગયો. માટે સહુમાંથી ગુણ લેવાનો સ્વભાવ પાડવો. જે ગુણ લે છે તેનો સત્સંગમાં અચળ પાયો થાય છે. ગુણ લેવાથી જ જીવમાં બળ આવે છે. ગુણ લેનારનું જ જીવન સદગુણી બને છે અને તે જ પ્રભુનો પ્યારો બને છે.
માટે જ કોઈકે કહ્યું છે કે,
‘જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ.’
અંતમાં આપણે તો ભગવાનના માર્ગે ચાલ્યા છીએ. જો બધામાં ભગવાનને શોધીએ તો બધામાં ભગવાન દેખાય અને પોતે પણ ભગવદરૂપ થઈ જવાય. પૂ.ભજનપ્રકાશ સ્વામી બધાને મુક્ત માનતા તો પોતે મુક્ત બની ગયા. વહાલા ભક્તો ! આપણે પણ આવી દૃષ્ટિ કેળવીએ તેમજ મહારાજ અને પૂ.ગુરુજીનાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે, ‘આ ચર્મચક્ષુથી બીજાનું સારું જ દેખાય અને સર્વેમાં હે પ્રભુ ! આપનાં જ દર્શન થાય એવી કૃપા કરશો.