
સહજનો ઊંચા અવાજે બોલવાનો સ્વભાવ, દીપકનો ભૂલી જવાનો સ્વભાવ, હિરેનનો ઓછું બોલવાનો સ્વભાવ, દર્શનનો વધુ પડતો ચોક્સાઈનો સ્વભાવ, જતીનની કાર્ય કરાવવાની શૈલી થોડી ક્લીષ્ટ, રાહુલને વ્યાવહારિક સૂઝબૂઝનો અભાવ, આકાશનો થોડો આળસ-ગાફલાઈવાળો સ્વભાવ : આ બધું એના એના માટે જે હોય તે, પરંતુ આપણા માટે તો બહુ જ સામાન્ય અને સહજ હોવું જોઈએ.
હા, આ બધી બાહ્ય બાબતો આપણામાં હોય તો તેને શત્રુ માનીને તેને સુધારાય; પરંતુ અન્ય વ્યક્તિમાં હોય ત્યારે તેને એકદમ સહજ લેવાય. કેમ જે, તેનેે લઈને કોઈનું કલ્યાણ ખોરંભાઈ જાય એવા મોટા આ ભયંકર દોષો કે સ્વભાવો નથી. હા, બની શકે તો એમાં સાથે રહીને એમને મદદ કરાય પણ સામે રહીને એ બાબતને બહુ મોટા દોષ તરીકે કદી ન જોવાય.
કોઈના આવા સહજ મનુષ્યભાવોને જોઈ જો આપણે રાગ-દ્વેષાદિક નિમિત્તે એના પુનરાવર્તને ચડી જઈએ, તો એ બાબત આપણા માટે પાપરૂપ બની જાય છે. સામાની નોંધમાં જ ન લેવા જેવી સામાન્ય બાબતને જ્યારે આપણે મનોમંથન કરી કરીને મેરુ જેવડી કરી નાંખીએ કે તેનેે અન્ય પાસે ઊપણવા લાગીએ તો આપણે જ આપણો પાપનો ઘડો ભરી રહ્યા છીએ. જો આપણે રાગ-દ્વેષ, અભાવ, ઈર્ષા, નિંદા વગેરેથી ભગવાનના લાડલા સંતો-ભક્તોની એક-બે ટકા જેટલી સામાન્ય સહજ ભૂલમાં વધારે દોષ પરઠીએ તો મોક્ષમાર્ગથી ભટકી પડીએ.
આ પૃથ્વી ઉપર પ્રગટ થયેલ મનુષ્યમાત્રમાં મનુષ્યના ભાવો હોવાના-રહેવાના, પરંતુ તેની સાથે જ તેનાથી પણ ઘણા બધા વધારે સદગુણો અને દિવ્યતા પણ હશે. આપણે જે સાઇડ વધારે જોઈશું એ આપણા આંતર પ્રવાહોમાં વહેતી રહેશે ને એ મુજબ સુખ-દુ:ખ અનુભવાશે ને એ મુજબ આપણી પ્રગતિ કે અધોગતિ થવાની.
આપણા વર્તમાન જીવનમાં જો આપણને એવી ફીલિંગ આવતી હોય કે... ‘આ સત્સંગમાં મારે ઘણાં વર્ષો થઈ ગયાં તેમ છતાં હજુ જોઈએ એવી પ્રગતિ નથી થતી, જોઈએ એવું સુખ નથી આવતું. પાછળથી સત્સંગમાં આવેલા ભક્તો ઘણા આગળ વધી ગયા ને હું તો ત્યાં ને ત્યાં જ છું. ક્યારેક તો હું પાછો પડતો હોઉં એવું પણ મને લાગે છે.’ તો... આપણે રોગી છીએ; કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે રોગનું નિદાન કરાવી તેની ટ્રીટમેન્ટ કરાવવી પરમ આવશ્યક છે.
પ્રભુ કૃપા કરે ને ડોક્ટરે પાડેલ એક્સ-રેમાં આપણા રોગનું મૂળ પકડાઈ જાય. ડોક્ટરની સલાહ મુજબની દવા લેવાથી આપણો આ રોગ નાબૂદ થઈ જાય. ને પછી સ્વસ્થ થઈને આપણે પણ અન્ય ભક્તોની માફક સત્સંગના માર્ગે પૂરપાટ આગળ વધી શકીએ; પણ જ્યાં સુધી રોગના મૂળકારણ સુધી ન પહોંચીએ ત્યાં સુધી એને નાબૂદ કેવી રીતે કરી શકીએ ! માટે જો આપણે આધ્યાત્મિક માર્ગમાં સ્વસ્થ રહી આપણી પ્રગતિ ઇચ્છતા હોઈએ તો આ માર્ગના કોઈ યોગ્ય ડોક્ટર પાસે જઈને નિખાલસ-નિષ્કપટપણે સમયસર પોતાના અંતરનો રીપોર્ટ કરાવતા રહેવું જોઈએ.
આ વાતના અનુસંધાને શ્રીહરિજી મહારાજે કેટલાક વચનામૃતના અંશોમાં આ રોગને ઓળખવાનાં મીટરો સ્પષ્ટરૂપમાં બતાવ્યાં છે. જેમ કે... “આ જીવ જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે ?” આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રીજીમહારાજે વચ.ગ.પ્ર.૭૮માં એવું કહ્યું છે કે, “પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે. પછી એની અસદવાસના થઈ જાય છે, તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદવાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય; અને જો અસદવાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય છે.”
વળી, આવા જ કાંઈક અનુસંધાન સાથે વચ.ગ.પ્ર.૧માં હરજી ઠક્કર પ્રશ્ન કરે છે કે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તોપણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ?” તેના ઉત્તરમાં શ્રીજીમહારાજે આવું કહ્યું છે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે; તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી.”
શ્રીહરિજી મહારાજના શ્રીમુખથી વહેતાં ઉપરોક્ત વચનો જોતા આપણને સ્પષ્ટ થાય છે કે પ્રભુના હાથ-પગ સમાન; અરે, હદય સમાન આ પ્રગટ સંતો-ભક્તોમાં કરેલા કુભાવો જ આપણને અધોગતિ તરફ ધકેલે છે. આપણાથી જાણે-અજાણે આ પાપ ન થઈ જાય એટલે જ મહારાજે વચ.ગ.મ.૪૮માં તેની ગંભીરતા સમજાવી છે. ને રોજે એક અધિક દંડવટ કરી માફી માંગવાનું કહ્યું છે.
આ માર્ગમાં આપણે કમાણી કદાચ કરોડોની કરતા હોઈએ, પરંતુ કેટલીક બાબતોમાં એ બધો જ પૈસો એમ જ વેડફાઈ જતો હોય તો એકંદરે કશું જ ભેગું ન થાય. કમાણી કરવી એ જેટલું શાણપણ છે એનાથી પણ વધારે તે વેડફાઈ, ચોરાય કે ખચાર્ય ન જાય એમ સાવધ રહેવું એ વધુ મોટું શાણપણ છે. માટે અભાવ, સ્વભાવ, ગૌણભાવ વગેરે કુભાવોથી બચી હંમેશાં દિવ્યભાવ અને દાસભાવમાં જીવવું.
વહાલા ભક્તો ! તો ચાલો, આટલી વાતો બાદ આપણે પણ ચેક કરી લઈએ કે પ્રસ્તુત વાતોમાંથી મને કઈ વાત લાગુ પડે છે ? રખે હું જાણે-અજાણે આ રસ્તે ચાલી મારું જ પતન નથી કરતો ને ! મારી આજુબાજુમાં રહેલા સંતો-ભક્તોમાં ઘણું ઘણું સારું જોવા-શીખવા જેવું છે. એને નહિ જોતા હું જરા જેટલી નેગેટિવિટીનેે જોયા-વિચાર્યા કરીને એને જ હાઇલાઇટ નથી કરતો ને ! કોઈ મને નાની એવી ભૂલ બતાવે ત્યારપછી એની પ્રતિક્રિયારૂપે હું સામાની અનેક ભૂલો ખોળવાનો ધંધો તો નથી કરતો ને !
જો સૌમાં અખંડ દિવ્યતા જ દેખાશે તો ફાયદો જ ફાયદો છે, પણ દોષો કે સ્વભાવોરૂપ માનુષીભાવોનું સ્તર જાડું થઈ જશે તો એ દિવ્યતામાંથી બહાર નીકળી જવાશે. એમની દિવ્યતાનો તો કોઈ લાભ નહિ મળે; ઊલટાના અભાવ-અવગુણ કે ગૌણતાની ખીણમાં સરી પડાશે. માટે જીવલેણ રોગ સમાન અસદવાસનાથી બચવાનો અને દિવ્યભાવની દૃઢતાનો આજથી જ ઠરાવ કરીએ..