જીવનનો હેતુ અને ઉપાય

જીવનનો હેતુ અને ઉપાય

વહાલા મહારાજે અિત કરૂણા કરીને આપણને આ અતિ દુર્લભ માનવ શરીર આપ્યું છે આ મનુષ્ય શરીરની દુર્લભતા વર્ણવતા મહારાજ ખગોળ-ભૂગોળના વચનામૃતમાં કહે છે કે, આપણા વર્ષ (૮,૬૪,૦૦,૦૦,૦૦૦) આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્યારે બ્રહ્માની એક અહો રાત્રી થઈને એક દિવસ થાય છે. એવા ત્રીસ દિવસનો એક માસ. એવા બાર માસનું એક વર્ષ એવા સો વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મુકે ત્યારે ચૌદ લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિમાંથી ઊત્પન્ન થયેલું સર્વ પ્રકૃતિમાં લય પામે છે. એને પ્રાકૃતપ્રલય કહેવાય છે. એવા સાડા ત્રણ કરોડ પ્રાકૃતપ્રલય થઈ જાય ત્યારે એક વાર આ જીવ આવા મનુષ્ય દેહને પામે છે. એટલો ફરીને મનુષ્યદેહ પામવાનો વિલંબ છે. આવો દુર્લભ માનવદેહ આ વખતે ભગવાને કૃપા કરીને આપ્યો છે તે વ્યર્થ ન જાય તેના માટે સાવધાન રહેવું પડશે.

  • આવા મનુષ્ય શરીરનો હેતુ શું ?
  • માનવ દેહ પામ્યા પછી શું કરવાનું હોય ?
  • ભગવાને શા માટે આપણા પર આવી કરૂણા કરી હશે ?

આનો જવાબ પણ મહારાજે આપ્યો છે “માટે હે ભાઈ ! સુજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદ્ગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ને ઈન્દ્રિયો ને અંત:કરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો.” આ ને આ જ દેહે ભગવાનને પામી જવાય એ જ આ મનુષ્ય જન્મનો મુખ્ય હેતું છે પરંતુ પ્રશ્ન એ થાય કે ભગવાનને પામવા માટે આપણા મનની વૃત્તિ ભગવાનમાં રાખવી જોઈએ. જ્યારે આપણું મન તે ઈચ્છતું નથી, અખંડ ભગવાનના સ્વરૂપમાં રહી શકતું નથી. તો પછી ભગવાન કેવી રીતે મળે ? આ જ પ્રશ્ન  ભગવદ્દગીતામાં અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યો છે. અને ભગવાને તેનો સરસ જવાબ આપ્યો છે.

चञ्चलं हि मन: कृष्ण! प्रमाथि बलवद् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।।
असंशयं महाबाहो! मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय! वैराग्येण च गृह्यते ।।

“હે મહાબાહુ ! ‘મન ખરેખર ચંચળ સ્વભાવવાળું છે. તેથી તેને વિષય થકી પાછું વાળીને આત્મા-પરમાત્મામાં સ્થિર કરવું અતિ અશક્ય છે’ એમ જે તેં કહ્યું તે ખરેખર એમ જ છે, એમાં કાંઈ સંશય નથી. તેમ છતાં પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને જરૂર વશ કરી શકાય છે.”

(ગીતા. ૬/૩૪-૩૫)

ભગવાનને પામી જવું એ અઘરૂં જરૂર છે પણ અશક્‌ય નથી. ચોક્કસ ધ્યેય સાથે જો પ્રેક્ટીસ કરવામાં આવે તો એક પણ કામ એવું નથી કે જેમાં સફળતા ન મળે. પણ એ પ્રેક્ટીસ સાચા દીલથી થવી જોઈએ. આપણો ધ્યેય ભગવાનને પામવાનો છે. તેમને રાજી કરવાનો છે. આ રાજીપો રળવા માટે આપણું ગમતું મૂકી સંતો-ભક્તોના ગમતામાં મન-કર્મવચને ભળી જવું એવી પ્રેક્ટીસ કોઈ પણ ભોગે કરવી પડશે.

બ્લાઈન્ડફોલ્ડ ચેસની (આંખે પાટા બાંધી રમાતી ચેસ) ગેમમાં વર્લ્ડ રેકોર્ડ કરનાર રશિયાના એલેક્ઝાન્ડર એલેખાઈનના જીવનમાંથી આપણે સંતો-ભક્તોને રાજી કરવાની પ્રેરણા લઈએ. ઈ.સ.૧૯૨૪માં એક હોટલની એક રૂમમાં ઐતિહાસિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એક તરફ ૨૬ ખેલાડીઓ હતા. બીજી બાજુ એક રશિયન ચેસ માસ્ટર, એલેક્ઝાન્ડર એલેખાઈન હતો. આ ખેલાડીઓ બધા એકસાથે એલેક્ઝાન્ડર એલેખાઈની સાથે રમી રહ્યા હતા. માત્ર એટલો જ તફાવત હતો કે તેઓ બધા તેમના ચેસ બોર્ડ પર તેમના પ્યાદાઓને જોઈ શકતા હતા, જ્યારે એલેખાઈનને આંખે પાટા બાંધ્યા હતા.

દરેક વખતે જ્યારે કોઈ ખેલાડી ચાલ ચાલે, ત્યારે એક વ્યક્તિ દોડતો તેની પાસે આવે અને એ સામેવાળા પ્રતિસ્પર્ધીએ કેવી ચાલ ચાલી તેની માત્ર જાણ કરતો. એલેક્ઝાન્ડર તેનો જવાબ લખે તે પ્રમાણે તે વ્યક્તિ ચાલ ચાલે. આમ તે એક જ સમયે ૨૬ બોર્ડ, ૮૩૨ પ્યાદાઓ, ૧૬૬૪ ચોરસને મગજમાં યાદ રાખી રમતો હતો. આ બ્લાઈન્ડફોલ્ડ ચેસની સ્પર્ધા કુલ ૧૨ કલાક ચાલી હતી તેની વચ્ચે માત્ર ટૂંકા રાત્રિભોજનનો વિરામ હતો. જ્યારે રમત સમાપ્ત થઈ, ત્યારે એલેખાઈને તેમાંથી ૧૬ રમતો જીતી લીધી હતી, પાંચ ડ્રો અને પાંચ હારી ગયા. તેમણે આ જબરદસ્ત ક્ષમતા કેવી રીતે વિકસિત કરી. તો જયારે તે સ્કૂલમાં વિદ્યાર્થી હતો, ત્યારથી આ બધું શરૂ થયું હતું.

બાળપણમાં તે સ્કુલમાં ચેસ રમતો અને સ્કુલમાં ચેસની રમતમાં જે પ્રશ્ન થયો હોય તેને યાદ રાખતો. કારણ કે શાળાના ચેસ બોર્ડને તે ઘરે લઈ જઈ શકતો નહિ. જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેના પર વિચાર કરતો. આમ, કરતા એને વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી બનવાની ઈચ્છા થઈ. ઈ.સ.૧૯૧૪માં બર્લિન ખાતે યોજાયેલ ટુનાર્મેન્ટમાં તેણે બીજા ઘણા ખેલાડી સાથે હાજરી આપી હતી. તે સમયે જર્મનીએ ફ્રાન્સ અને રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી અને બર્લીન આવેલા આ બધા ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી. હવે જેલમાં સમય કેવી રીતે પસાર કરવો એ સમસ્યા ઉભી થઈ. પછી તે લોકો દરરોજ આંખે પાટા બાંધીને ચેસની રમત રમતા.

જેલમાંથી મુક્ત થયા બાદ એલેખાઈન રશિયા પાછો ફર્યો. ત્યારબાદ તે રેડ ક્રોસમાં જોડાયો. તે વખતે યુદ્ધના મેદાનમાં તે ઓસ્ટ્રીયન સૈન્ય દ્વારા ઘાયલ થયો હતો, અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પીઠને ઈજા થઈ હોવાથી, તેઓએ તેને પલંગ સાથે બાંધી દીધો હતો. ત્યાં પણ તેણે આંખો પર પાટા બાંધીને ચેસ રમવાનું ચાલુ રાખ્યું. ૧૯૨૧માં યુદ્ધ પૂરૂ થયા પછી, તે ફ્રાન્સ ગયો. પોતાની આજીવીકા માટે પૈસા કમાવવાની જરૂર હતી. તેણે કમાણી કરવા માટે આંખે પટા બાંધીને ચેસ રમવાનું ચાલુ રાખ્યું. અને ૧૯૨૪માં ૨૬ પ્રતિસ્પર્ધી સામે ચેસ રમીને વલ્ડ રેકોર્ડ નોંધાવ્યો.

ત્યારબાદ એલેખાઈન ૧૯૨૭ થી ૧૯૪૬ સુધી ૨૦ વર્ષ માટે વિશ્વ ચેસ ચેમ્પિયન રહ્યા. વિશ્વના ટોપ ૧૦ ખેલાડીમાં પોતાનું સ્થાન મેળવ્યું. આવી શ્રેષ્ઠ કળા તે કેળવી શકયા તેનું કારણ તેણે અભ્યાસ કરી ખુબ જ નિપુણતા પ્રાપ્ત કરી હતી.

એલેખાઈને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો તો આવી સફળતા મળી. આ લોકની માયિક સફળતા મેળવવી હોય તો પણ તનતોડ મહેનત કરવી પડે છે. તો પછી ભગવાનને પામવા માટે પ્રયત્ન તો જરૂર કરવા જ પડે. એ પ્રયત્ન એટલે મહારાજની આજ્ઞા પાળવી, આપણું મનનું ગમતું મૂકી સંતો-ભક્તોના ગમતામાં વહેવું, ભગવાનના સ્વરૂપમાં મનને સ્થિર કરવું. ગમે તેવી પરિસ્થિતિમાં પણ આ અભ્યાસ ચાલુ જ રાખવો. જો આમ અભ્યાસ કરીશું તો ભગવાનને પામી જવાનું કામ સાવ સરળ થઈ જશે અને ભગવાન રાજી થઈ આપણને ભેટી પડશે. તો ચાલો ભગવાન તથા તેમના વહાલા સંતો-ભક્તોને રાજી કરી તેમને પામવાનો અભ્યાસ કરવા મંડી પડીએ...