જીવનનાં સાચા પાઈલટ

એક વખતની વાત છે. એક સંત કોઈક પ્રસંગમાં હાજરી આપવા જવા માટે વિમાનમાં બેઠા હતા. વિમાન ઉપડયા પછી થોડીક જ વાર થઈ હશે ત્યાં જ સીટબેલ્ટ ફરીથી બાંધવાની સૂચના આપવામાં આવી. બધા મુસાફરોએ સીટબેલ્ટ બાંધી લીધો. પંદરેક મિનિટ પછી બીજી એક જાહેરાત થઈ કે,અમે આપ સૌની ક્ષમા માગીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપ સહુ શાંતિ જાળવશો. આપના સીટબેલ્ટ્સ બાંધેલા રાખશો. કારણ કે, આપણા માર્ગમાં આગળ ભયંકર પવનનું તોફાન ચાલી રહ્યું છે. આપ સૌ સહકાર આપશો એવી અપેક્ષા સાથે, ધન્યવાદ.

આવી જાહેરાત સાંભળીને સહુ કોઈ શાંત થઈ ગયા અને હવે શું થશે એવા ભાવ સાથે પોતપોતાની સીટ ઉપર બેસી રહ્યા. ધીમે ધીમે સહુ કોઈના હૃદયમાં ઊંડી ઊંડી બીક પેસી ગઈ, હૃદયના ધબકારા વધી ગયા. દરેક પોતપોતાના ઇષ્ટદેવને યાદ કરવા લાગ્યા. આવા ભયજનક સમયમાં અચાનક બીજી જાહેરાત થઈ,અમે દિલગીર છીએ કે, આપણું વિમાન ખૂબ જ કટોકટીવાળા વાતાવરણમાં આવી ગયું છે. પવનનું તોફાન ગમે તે ક્ષણે આપણને અસર કરી શકે છે. મહેરબાની કરીને આપની સીટ પરથી ઊભા ન થશો અને સીટબેલ્ટ્સ બરાબર બાંધી રાખશો અને સહુ ભગવાનને યાદ કરજો. આપના સહકાર બદલ આભાર !

જાહેરાત સાંભળીને મુસાફરોના હૃદયની ધડકન વધવા લાગી. જ્યારે પેલા સંત તો શાંતિથી ભગવાનનું સ્મરણ કરતા હતા. તેમણે વિમાનમાં બેઠેલા મુસાફરો પર નજર ફેરવીને જોયું તો દરેક વ્યક્તિનાં મોં પર ગભરાટ હતો. લોકો ચિંતાપૂર્વક એકબીજાની સામે જોતા હતા. એ.સી. હોવા છતાં પણ ઘણાના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો હતો.

બરાબર એ જ વખતે વિમાને તોફાની વાતાવરણમાં પ્રવેશ કર્યો. વિમાનની બારીઓની બહાર અચાનક અંધારું છવાઈ ગયું. વીજળીના ભયંકર ચમકારા અને કડાકાભડાકાની વચ્ચે  વિમાનના એન્જિનનો અવાજ પણ દબાઈ જતો હતો. પવનનું ભયંકર તોફાન વિમાનને જાણે કે રમકડું હોય તેમ રમાડતું હતું. વિમાનને કંટ્રોલમાં રાખવા પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરવા છતાં પાઇલટ તેમાં નિષ્ફળ રહ્યા. વિમાનમાં હાહાકાર મચી ગયો. કેટલાક મુસાફરો જોરજોરથી રડવા લાગ્યા. કેટલાક રડતાં રડતાં બે હાથ જોડીને ભગવાનને પોકારવા લાગ્યા. કોઈક તો પોતાના બે હાથ વચ્ચે માથું પકડીને બેસી ગયા. નાનાં બાળકો પોતાના મા-બાપને વળગીને રડતાં હતાં. વિમાન પવન સાથે લડતું હતું. સહુને પોતાનું મોત દેખાવા લાગ્યું. બધાએ જીવવાની આશા છોડી દીધી હતી.

આવા સમયે સંત બધાને સાંત્વના આપતા હતા, પણ આવી ધમાલમાં કોણ સાંભળે ? અચાનક સંતનું ધ્યાન એક નાનકડા બાળક પર પડયું. સાતથી આઠ વર્ષનો એ છોકરો જાણે કંઈ જ ન થતું હોય એમ પોતાની સીટમાં બેસી રીડીંગ લાઇટ ચાલુ કરીને કંઈક વાંચી રહ્યો હતો. જાણે કે આ તોફાનની એને કાંઈ જ ખબર ન હોય ! કદાચ એ બહેરો હશે કે શું ? સંતને બે ક્ષણ પૂરતું એવું લાગ્યું, પરંતુ મોટા કડાકા વખતે એ પોતાના બંને કાન પર હાથ રાખીને બેસી રહેતો. એટલે બહેરો હોવાનો પ્રશ્ન જ સમી ગયો. બીજા મુસાફરો મૃત્યુને ભાળીને ભયભીત બની ચીસો પાડતા અને ભગવાનને યાદ કરતા હતા. એવા સમયમાં એ છોકરો સહેજ પણ બીક વગર પોતાનામાં મસ્ત હતો. ભલભલા મોટા મોટાને પણ ધીરજ ન રહે, તેવા સમયમાં એક નાનકડા બાળકની આવી શાંતિ જોઈને સ્વામીજી તો આશ્ચર્યચકિત થઈ ગયા.

એકાદ કલાક સુધી આવું તોફાન ચાલ્યા પછી વિમાન સુરક્ષિત રીતે સંકટમાંથી બહાર નીકળી ગયું અને નજીકના એરપાર્ટ પર સંપૂર્ણ સલામત રીતે ઉતરાણ કરી લીધું. જેવું વિમાન ઊભું રહ્યું તરત જ બધા મુસાફરો ફટાફટ નીચે ઊતરી ગયા. પરંતુ પેલો બાળક તો હજુ પણ પોતાની જગ્યા પર શાંતિથી બેઠો બેઠો વાંચતો હતો.

સંત એ નાનકડા બાળકની પાસે ગયા અને પૂછયું,

સંત : બેટા ! આટલું બધું થતું હતું તો તને કાંઈ ખબર નહોતી ?

બાળક : સ્વામીજી ! મને બધી જ ખબર હતી.

સંત : તો પછી તને ડર નહોતો લાગતો ?

બાળક : એમાં ડરવાનું શું ?

આનંદથી હસતા હસતા એ બાળકે સંતને કહ્યું,

“સ્વામીજી ! આ વિમાનના પાઇલટ મારા પપ્પા છે ! પછી બીક શાની ? મારા પપ્પા પર મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેઓ ચોક્કસ આપણને સુરક્ષિત સ્થાને પહોંચાડશે જ. વિમાનનો સંપૂર્ણ કંટ્રોલ મારા પપ્પાના જ હાથમાં હોય પછી મારે ડરવાની શી જરૂર ?

આ સાંભળીને સ્વામીજી તો ઊંડા ઊતરી ગયા.

વહાલા ભક્તો ! આપણા જીવનરૂપી વિમાનના પાઇલટ આપણા વહાલા મહારાજ છે. આપણી જીવનયાત્રાની તમામ જવાબદારી સ્વયં મહારાજ વહન કરે છે. પરંતુ તેઓ જે રીતે આપણું જીવન ચલાવે છે તેમાં આપણને વિશ્વાસ કેટલો ? શું આપણે મહારાજ જે કાંઈ કરે તેનો વિશ્વાસપૂર્વક અને શાંત ચિત્તે સ્વીકાર કરીને તેનાથી નિશ્ચિંત છીએ કે ભયભીત છીએ ? મહારાજ જે કાંઈ કરે છે તે આપણા હિતમાં જ હોય છે,આ વાત જીવસત્તાએ સ્વીકારી શકાય છે ? જે સર્વ સમર્થ છે અને આપણને પોતાના માને છે, તે મહારાજને આપણે પોતાના માનીએ છીએ ? વહાલા મહારાજ કોઈ કાળે મારું કશું જ બગડવા દેશે નહીં, એવો વિશ્વાસ જ્યાં સુધી નહિ રાખીએ ત્યાં સુધી આપણે સુખ, શાંતિવાળું અને ભયરહિત જીવન નહિ જીવી શકીએ. માટે વહાલા ભક્તો ! ‘મારા મહારાજ સદા મારું જેમ હિત થાય તેમ જ કરી રહ્યા છે. એવો આજથી દૃઢ ઠરાવ કરીને આપણું જીવન મહારાજને સોંપી દઈએ તો સાચા અર્થમાં ભગવાનને આપણા જીવન પાઇલટ તરીકે સ્વીકાર્યા ગણાય.