
ગઈકાલે પૂ.સ્વામીએ ઝૂમ કોન્ફરન્સમાં જે વાત કરી એ વાતે મને જગાડી દીધો. આમ તો મારે સત્સંગમાં આવ્યાને લગભગ ચૌદેક જેટલા વર્ષ થઈ ગયા, પણ કાલે જે ઝબકારા થયા એ તો મારા ટર્નિંગ પોઇન્ટ બની ગયા. આજ સુધી તો હું મારું એક જ પાસું મમળાવ્યા કરતો હતો કે, ‘આટલા વર્ષથી મને કોઈ સંતો-ભક્તોનો અભાવ નથી આવ્યો.’ પણ એટલાથી શું ? ભગવત્પ્રાપ્તિ માટે આટલું જ ઇનફ નથી; એ વાત મને અત્યાર સુધી સમજમાં નહોતી આવી. પ્રશાંત ! સાચું કહું તો સભામાં થયેલ વાતો અંગેના તે વિચારોએ મને એવો તો ઘેરી લીધો કે રાતના દોઢ વાગી ગયા. મને થયું કે પૂ.સ્વામીમાં રહીને જ્યારે મારા પ્રભુએ આ ધક્કો માર્યો જ છે, તો ચાલ તેમની કૃપા અત્યારે જ કંડારી લઉં. પછી તો મેં નોટ-પેન લઈને લખવા માંડ્યું.
પૂ.સ્વામીએ કહેલ સ્વસંશોધન અંગેના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તો મેં એ વખતે સભામાં જ નોંધી લીધેલા; પણ હવે તે વિષે અંતરમાં ડોકિયું કરી એક એક મુદ્દા વિષે મેં ડીપથી વિચારીને લખવા માંડ્યું. વિચારોનો પ્રવાહ રોક્યો રોકાતો નહોતો. કેટલાક પ્રસંગો યાદ કરતાં અજ્ઞાન ઉઘાડું થઈ જતું હતું. સદ્ગુણો પાછળ છુપાયેલ અનેક દોષો ઓળખાતા હતા. એ ૧૪ મુદ્દાઓનું રાત્રે બનેલું લિસ્ટ વાંચી થોડીવાર તો હું હતાશ થઈ ગયો, પણ તરત પ્રભુએ જ અંદરથી આનંદ અને બળ પ્રેરીને સદ્.મુક્તાનંદ સ્વામીની એક પંક્તિ યાદ કરાવી...
હરિકૃપા જબ હોત તબ, સૂઝત અપના દોષ;
મુક્ત કહે તેહિ પ્રભુ બિના, સબસે હોત સંતોષ.
આ પંક્તિએ મને મોડ આપી સ્વસ્થ કરી દીધો. પછી મને થયું કે જેમના માધ્યમે પ્રભુએ મારું અજ્ઞાન ઓળખાવ્યું છે, તેમના જ શરણે કેમ ન જાઉં ! પણ અત્યારે તો રાત્રી છે. ખેર, સવારની કથા બાદ પહેલું આ કામ જરૂરથી કરી લઈશ; એમ વિચારી હું સૂઈ ગયો. સવારે મંગળા દર્શનમાં પ્રભુનું મુખ પ્રફુલ્લિત દેખાતું હતું. જાણે કે તેઓ મને એમની વધુ નજીક ખેંચવા માટે અંદર અને બહાર, એમ બંને બાજુથી મહેનત કરતા ન હોય !
સવારે કથા પૂરી થતાં જ મેં પૂ.સ્વામીને ફોન લગાવ્યો. ઘણા સમય બાદ ફોન કરતો હતો એટલે હૈયું થોડું ભારે હતું, પણ સાથોસાથ હરિવરની મદદ પણ એટલી જ હતી. સ્વામીએ ફોન ઊંચક્યો એટલે મેં મારો પરિચય આપ્યો. ને ગઈકાલની સભામાં કરેલી વાતો બદલ થેંક્યુ કહીને મારી વાતો કરવા માંડી. તારણરૂપે પકડાયેલું મારી ભૂલોનું ૧૪ મુદ્દાઓનું લિસ્ટ પણ વાંચી સંભળાવ્યું. એમાંના એક-બે મુદ્દે તો મારાથી રડાઈ ગયું. પૂ.સ્વામીએ મને સાંત્વના આપતાં કેટલીક બળભરી વાતો કરી. એ વાતો પણ એટલી બધી અડી ગઈ કે ન પૂછો વાત.
ક્યારનોય બ્રિજેશની મભમ વાતો સાંભળી રહેલ તેનો મિત્ર પ્રશાંત બોલ્યો, “બ્રિજેશ ! આમ તું મને ક્યાં સુધી લલચાવીશ ? હું ગઈકાલની કોન્ફરન્સમાં હાજર રહી શક્યો ન હતો, તેથી પૂ.સ્વામીએ શું વાતો કરી એની મને કાંઈ જ ખબર નથી. વળી, તારા ૧૪ મુદ્દા કે તને પકડાયેલી વાતો વિશે પણ હું કશું જાણતો નથી. તો સ્વામીની કરેલ વાતનો થોડો પ્રસાદ મને પણ... હા, તારી અંગત વાત હોય તો એ બાદ કરી દે પણ બીજું તો...” બ્રિજેશે હાસ્ય સાથે કહ્યું, “મિત્ર પ્રશાંત, તારી પાસે શું અંગત ને શું જાહેર ! પણ ચાલ એમાંની સૌથી અગત્યની સારરૂપ વાત શોર્ટમાં કહી દઉં. તેમાં ખાસ તો મને ઓળખાયેલું ભયંકર અજ્ઞાન જો કોઈ હોય તો એ છે : જલેબીનો જલેબો.
મિત્ર પ્રશાંતે પૂછ્યું, ‘બ્રિજેશ ! તું કોને જલેબો કહે છે ? વિગતવાર વાત તો કર.’ બ્રિજેશે એકધારું બોલવા માંડ્યું, “પ્રશાંત ! હું મહારાજના દર્શન તો રોજ કરું છું, પણ પ્રગટભાવથી ખેંચાઈને નથી કરતો એને જ કહેવાય જલેબો. હું કથા તો દરરોજ સાંભળુ છું, પણ રોજનું થતાં અસરપ્રૂફ થઈ જવાયું છે; તેથી રસપૂર્વક શ્રદ્ધાથી સાંભળવાને બદલે બકાડવા પૂરતી કથા સંભળાય છે, એને જ કહેવાય જલેબો. હું સેવા તો કરું જ છું, પણ આ સેવા મને મળે જ ક્યાંથી ! એવા અહોભાવથી નથી કરતો, એને જ કહેવાય જલેબો. હું સંત સમાગમ તો કરું છું, પણ મને મળેલ સંતોનો સમાગમ કેટલો દુર્લભ છે ! - એમ શ્રદ્ધા, મહિમા અને ભાવના સાથે નથી કરતો, એને જ કહેવાય જેલેબો. હું સંતો-ભક્તોના સંગમાં-યોગમાં તો રહું છું, પણ અહો... અહો... એમ નથી થતું; તેમનામાં દિવ્યભાવ કે મુક્તપણાનો ભાવ નથી રાખતો, એને જ કહેવાય જેલેબો. હું કોઈનો અવગુણ ભલે નથી લેતો પણ તેમના ગુણોથી પ્રભાવિત થઈને તેમનો લાભ પણ નથી લેતો, એને જ કહેવાય જલેબો. હું સત્સંગી તો ઘણાક વર્ષોથી છું પણ અન્ય ભક્તો જેવી સમજણ, સ્થિતિ ને સુખ પામવાનો તરવરાટ નથી, એને જ કહેવાય જલેબો. હું સત્સંગમાં નવો આવ્યો હતો ત્યારે મને જે સુખ આવતું, બધા દિવ્ય લાગતા, આનંદ આવતો એવો અત્યારે નથી આવતો તો એને શું કહેવાય ? જલેબો જ તો ! કેમ જે, નહિ તો વચ.ગ.પ્ર.૬૩માં શ્રીજીમહારાજના કહ્યા મુજબ પ્રગટ સંતો-ભક્તો કેવા મોટા મનાય ! કેવું સુખ આવે !
પ્રશાંત ! આવા તો મને અનેક જલેબાઓ થઈ ગયા છે, જે પૂ.સ્વામીએ કૃપા કરીને મને ઓળખાવ્યા. આ જલેબા ન ઓળખાવ્યા હોત તો હું આ સત્સંગરૂપી સાગરમાં જ હોવા છતાં તરસ્યો રહી જાત. મહારાજ અને મુક્તોને ઓળખ્યા વગર, તેમનો લાભ લીધા વગર આખી જિંદગી બસ એમ જ વહી જાત. પૂ.સ્વામી કેટલીક પ્રેક્ટિકલ વાતો કરી મને સમજાવતા હતા કે, ‘વહાલા મહારાજમાં હેતથી જોડાઈ જવાને બદલે શુષ્કતા સાથે સ્થૂળભાવમાં જિવાય છે, સંતો-ભક્તોનાં આજ્ઞા-વચનો માનવાં કઠણ પડે છે, તેઓ દિવ્ય-ભવ્ય મોટા મુક્તો મનાવાને બદલે કેટલીક વાર તેમનામાં ગૌણભાવ અને ડહાપણ થઈ જાય છે, જોઈએ એવા દાસ નથી રહેવાતું; અંતરમાં સુખના ફૂવારા છૂટવાને બદલે અહક અને અસુખ રહે છે - એ બધાના મૂળમાં જોઈએ તો જવાબદાર એક કારણ જલેબીનો થઈ ગયેલો જલેબો છે.
સાંભળ પ્રશાંત, એક બીજી વાત કરું. આ બ્રિજેશની આજ સુધી કોઈ ફરિયાદ નથી આવી. આ બ્રિજેશે કદી સેવામાં પાછી પાની નથી કરી. આ બ્રિજેશ એક પણ નિયમ-ધર્મ ચૂક્યો નથી. અને આવી બધી કેટલીક સારી બાબતોને લઈને જ હજુ સુધી બ્રિજેશની ટાંગ ઊંચી રહી છે. આ બ્રિજેશ પોતાથી પ્રભાવિત હોવાને કારણે જ સંતો-ભક્તોથી પ્રભાવિત નથી અને મહિમાયુક્ત નથી જીવતો. આ મારું અહંયુક્ત અજ્ઞાન પણ મને પૂ.સ્વામીની વાતથી ઓળખાયું છે. આજ સુધી કોઈ પ્રભાવિત થઈને મને સારો પ્રસંગ કહેવા માંડે તો એ મને ભોળપણ મનાતું; પણ જ્યારે મેં સ્વામીના કહ્યા મુજબ આ બાબતે કમ્પેરીઝન કરવા માંડી ત્યારે સાચી ખબર પડી કે એ ભોળામાં કેટલા ભગવાન ભરેલા હોય છે ! ને મારા જેવા કહેવાતા ભણેલા કેવા ભમી ગયા હોય છે ! તું જાણે છે કે ચેતન અને મારી બંનેની ઉંમર સરખી. અમે સત્સંગમાં પણ સાથે જોડાયા, પણ તેની પાસે મારી જાતને બાજુમાં મૂકું ત્યારે મને મારી ભૂલ સમજાય છે. એના વિચારોમાં-હૃદયમાં જેટલો સંતો-ભક્તો પ્રત્યેનો અહોભાવ અને દિવ્યભાવ છે એટલો મારામાં નથી. એ જેટલો આનંદમાં રહી શકે છે એવો હું નથી રહી શકતો. આ ફેર કેમ ? મારા અમહિમાને લઈને, સ્વશ્રેષ્ઠતાને કારણે; બીજા શબ્દોમાં કહું તો મને થયેલ જલેબીના જલેબાને કારણે.
પ્રશાંત ! હવે મને એટલું ચોખ્ખું થઈ ગયું છે કે, આ સત્સંગમાં જેને મહારાજ અને મળેલા સંતો-ભક્તોનો મહિમા છે એ મહિમાવાન માલમીઓ આનંદસાગરમાં ઝૂમે છે અને બાકીના મારા જેવા કોરા ધાકોડ અહંકારી તો સત્સંગમાં વર્ષો સુધી રહેવા છતાં ખરા આનંદથી વંચિત જ રહી જાય છે. તેનાં ઘણાંક વર્ષો બગડે છે એ મારો જાત અનુભવ છે; આમ બોલતાં બ્રિજેશ ઢીલો પડી ગયો. પ્રશાંત પણ આ બધી બ્રિજેશની ફીલિંગસભર વાતો સાંભળી પોતાનામાં ઊંડો ઊતરી ગયો.
વહાલા ભક્તો ! જે મહારાજ અને મોટાનો મહિમા હંમેશાં સજાવ્યા જ કરે એ સુખી સુખી થઈ જાય. જે દર્શન, સેવા-સમાગમ, વાતો અને મળેલી પ્રાપ્તિ વિષે શુકાનંદ સ્વામીની જેમ કાયમ નવો નવો જ ભાવ રાખે એની હંમેશાં ચડતી કળા જ રહે, અને જે આવી દુર્લભ પ્રાપ્તિ મળવા છતાં તેનો જલેબો કરી બેસે તેના હૃદયમાં હંમેશાં પ્રકાશ અને પૂર્ણતા રહેવાને બદલે અંધકાર અને અપૂર્ણતા રહે. માટે મળેલી પ્રાપ્તિનો મહિમા રોજ નિયમપૂર્વક વિચારવો. જે પોતાના ઊંચા કુળ, ઉંમર, પદવી, સ્ટેટસ, ગુણો વગેરે બધું જ ભૂલી જઈ અન્યથી પ્રભાવિત રહે છે, જે સામાનો મહિમા સમજી તેમના જ ગુણો ગાયા-સંભાર્યા કરે છે, તે ભક્ત પ્રભુને ખૂબ વહાલો લાગે છે. પ્રભુ તેને પોતાના સુખથી ભરી દે છે. જે પ્રગટ સંતો-ભક્તોમાં રહેલ મનુષ્યભાવ, દેહભાવ, સ્વભાવ વગેરેનાં માયિક પડળને તોડી તેમની આધ્યાત્મિકતાને જ અંતરમાં રાખે છે તે બાજી જીતી જાય છે. સંતો-ભક્તોની આંતરિક ઊંચાઈ, મોટ્યપ, ઉપકારો અને તેમની કરુણા સંભારી જે પોતાનાં નેત્રો ભીનાં રાખે છે તેને કદી જલેબીનો જલેબો નથી થતો. આ બાબતે પ્રભુ અને પ્રભુપ્યારા આપણી રક્ષા કરે એટલી પ્રભુચરણોમાં પ્રાર્થના...