છઠ્ઠી સોટી...

છઠ્ઠી સોટી...
March 12, 2023

એક વાર સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ વાંકમાં આવેલા કોઈ બહેનને પાંચ સોટીનો દંડ દેવાની એક બહેનને આજ્ઞા કરી હતી. આ બહેને દરેક સોટીએ 'લે લેતી જા .." એવું કાઈએ બોલતા બોલતા, જાણે કે યુગોની દાજ ઉતારતા હોઈ તેમ પેલા બહેનને ખુબ જોરથી વારાફરતી પાંચ સોટી મારી દીધી. ભગવાનનું કરવું તે વેગે ચડી ગયેલા એ બહેને ફોર્મમાં ને ફોર્મમાં (આવેગમાં ને આવેગમાં), જાણેકે "આ પાંચ તો ગુરુજી તરફથી... પણ કે આ છઠ્ઠી મારા તરફથી!'  એવું જ કાયક વિચારી છઠ્ઠી સોટી પણ ફટકારી દીધી. પેલા બહેન તો બેવડ વળી ગયા હશે, પણ આ બહેનનો હવે વારો હતો. સદ્ રામાનંદ સ્વામીએ કહ્યું કે, 'આ પાંચ સોટી તો મારી આજ્ઞાથી હતી, તેથી  તમારે એનું કઈ ભોગવવું નહિ પડે, પણ આ છઠ્ઠી સોટી મારવાની મારી આજ્ઞા ન હતી. એનું તમારે ભોગવું પડશે..!" પેલા બહેન ખુબ ઢીલા પડી ગયા હશે અને કરગર્યા પણ હશે, પણ ન્યાય એટલે ન્યાય!

આપણને સત્સંગમાં કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવે છે. સેવા લેવાની આપણી જવાબદારી હોઈ છે અને ભક્તોએ પણ મહિમા સમજીને સેવા કરવી જોઈએ: પરંતુ આપણા હાથ નીચે સેવા કરતા ભક્તો ઓછી સેવા કરે, સમયે ન કરે, બિલકુલ ન કર, કયાંક ભૂલ કરે, તો મીઠા ઠપકાથી લઈને કડવા તુર જેવો ઠપકો આપણે આપી દેતા હોઈએ છીએ. ભક્તો મહિમાવાન હોવાથી સહન કરતા હોઈ છે કે "મને કહેતા રહેજો. તમે નહિ કહો તો કોણ કહેશે? તમે તો અમારું સારું જ કરો છો." એમ સવળું લઈ આપણને નચિંત કરતા હશે, પણ ઘણાને અંતરમાં એમને એક પ્રકારનું દુઃખ થતું હોય છે. અપને તો ફોર્મમાં, વેગમાં જ હોઈએ એટલે આ કાઈ દેખાતું નથી, પરંતુ ભગવાન એક ખૂણામાં રહી આપણી બધી લીલા જોયા કરે છે.

ભગવાને આપણને સારું કુટુંબ, સારી આર્થિક સ્થિતિ, સારી સામાજિક સ્થિતિ વગેરે તમામ બાબતો સારી આપી હોવાથી, જે કહેવામાં આવે તે બધું કરી શકીયે એમ હોઈએ છીએ. આપણને કદાચ કોઈ દોષ પણ ન સતાવતા હોય, જગત નાશવંત મનાતું હોય, કુટુંબ પરિવાર ખોટા છે એમ મનાતું હોય, ધન-સંપંત્તિ તો તુચ્છ છે, એમ સમજતા હોઈએ, સમય ફાળવી શકતા હોઈએ, સભામાં એવા ઉપદેશ આપતા હોઈએ, સેવા લેવાની આપણી ફરજ પણ હોય... પણ આ બધામાં પાંચ સોટીની આજ્ઞા જેટલું જ થાય તો આપણને કોઈ પણ વાંધો ના આવે. આજ્ઞા અનુસાર કરવાની આપણી ફરજ છે: પરંતુ કોઈ પણ પ્રકારના વેગમાં આવી, જાણે કે આપણું તો બધું ટળી ગયું છે એમ સમજી, જેનું નેતૃર્ત્વ કરીયે એ વર્ગને આપણા તરફથી અતિરેક કરીને પાંચ ઉપર છઠ્ઠી  સોટી પણ કયારેક મારવા માંડીએ  છીએ.

જેમ આપણું સંતાન ગમે તેવું હોય તોપણ આપણને વહાલું હોય છે અને એ દુઃખી થાય તે આપણાથી જોવાતું નથી: તેમ બધા જ ભગવાનના સંતાન છે, પોતાનું સંતાન દુઃખી થાય તે ભગવાનથી પણ જોવાતું નથી, સહન થતું નથી. ભગવાન આનંદદાતા છે, દુઃખદાતા નહિ, દુઃખ આપવાનો એમને કોઈ શોખ નથી. આવી સોટીઓ તો આપણે કેટલાયને મારતા  થઈ જઈયે છીએ. એક પ્રકારનો આજ્ઞાત વેગ આપણા અંતરમાં ચડે છે, જેમાં એમ જ લાગે કે, 'હું તો મહારાજની આજ્ઞા મુજબ કરી રહ્યો છું. મારી રક્ષા તો મહારાજ કરશે..! પણ પેલા વેગમાં સોટીની ગણતરી ભૂલી જવાય છે. જયારે કોઈને છઠ્ઠી સોટી પણ મારીયે છીએ ત્યાર પછી મહારાજ બાજી સાંભળી લે છે અને આપણને બીજી રીતે દુઃખ મોકલે છે. આપણે ઘણો રાજીપો કમાતા હોઈએ એનાથી સુખ પણ એટલું જ આવતું હોય એટલે આ છઠ્ઠી સોટીથી પ્રવેશેલું દુઃખ નજરમાં આવતું નથી. આપણી ક્રિયાઓ ચાલુ જ રહતી હોવાથી, એ દુઃખરૂપી કેન્સરની ગાંઠ મોટી થતી જતી હોય છે અને જયારે ખ્યાલ આવે ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે. આ દુઃખ એટલે કે ગમે એટલા સેવા-ભજન કરવા છતાં ભગવાન ન સંભારવાનું દુઃખ! સેવા-ભજનનું સાચું ફળ અંતરમાં મૂર્તિ અખંડ દેખાવી, અંતરમાં સૌ પ્રત્યે સદ્ભાવ રહેવો, સૌ પ્રત્યે કરુણા રહેવી, આપણમાં સ્વભાવ વધે એનાથી મોટી નુકશાની કઈ હોય શકે?

જેમ લાઈટ બિલ ન ભર્યું હોય તો કનેક્શન કપાઈ જાય છે, તેમ છઠ્ઠી સોટી મારવા માંડીએ એટલે ભગવાન સાથેનું કનેક્શન કપાઈ જતા, અંતરમાં અંધારું થઈ જાય છે. ભગવાનના સુખમાં કાપ મુકાય જાય છે. આપણમાં રાજીપાના ફળ સ્વરૂપે ખીલેલા ગુણ આપોઆપ કરમાવા માંડે છે. આ બધું આપણે છોડને નિયમિત રાજીપારૂપી ખાતર-પાણી આપતા હોવા છતાં થાય છે. કેમ કે કનેક્શન કપાય ગયું હોઈ છે. આપણી અંતર્દ્રષ્ટિમાં મોતિયો આવી જાય છે પરિણામે કાઈ દેખાતું પણ નથી. દુઃખનું મૂળ શોધવા આપણે કઈ સ્થૂળ આજ્ઞા લોપાઈ છે એ તપાસતા રહીયે છીએ, પણ આ પાંચ જ સોટી મારવાની આજ્ઞા લોપાઈ  છે અને એ જ દુઃખ નું સાચું મૂળ છે, એ પકડાતું નથી.

ન્યૂટનનો નિયમ એમ કહે કે, આઘાત અને પ્રત્યાઘાત એકસરખા અને સામસામી દિશામાં હોય છે. દીવાલ પાર દડો મરીયે તો એજ સ્પીડમાં એ સામો આવશે. આ જ નિયમ સત્સંગમાં લાગુ પાડીયે તો આપણને સારી ભાવનાના બદલામાં સુખ-આનંદ અને નબળી ભાવનાના બદલામાં દુઃખ-ઉદ્વેગ મળે છે. આપણે આપણા અંતરમાં તપાસ  કરીયે તો ખ્યાલ આવે કે,  જયારે પણ આપણે કોઈ પણની નેગેટિવ વાત સાંભળતા કે બોલતા હોઈશું તો અંતરમાં અમુક કલાક સાવ લુખું બની જાય છે, અને જયારે પણ કોઈની પોઝિટિવ વાત સાંભળતા કે બોલતા હોઈશું તો અંતરમાં આનંદથી ભરાઈ જતું હશે. નેગેટિવ વાઈબ્રેશનમાં લેવાયા તો નેગેટિવિટી મળે છે અને પોઝિટિવ વાઈબ્રેશનમાં મહાલ્યા તો પોઝિટિવ ઉર્જા મળે છે. આમાં ક્યારેય ઉલટ સુલટ થતું નથી.

ભગવાને આપણી આજુબાજુ ઘણા સંતો-ભક્તો મુક્યા છે. આ બધાને કાંઈ જ ના આપીયે, એમની કાય જ સેવા ના કરીયે, તો પણ માત્ર એમના વિષે સારી ભાવના કરીયે કે, 'આ તો બહુ સારા છે, જેમ કયાંક લાયકાત હોય તો જ મોટી યુનિવર્સિટીમાં એડમિશન મળે, એમ આમનામાં પણ કાયક છે કે જેને કારણે ભગવાને એમને આ દિવ્ય સત્સંગમાં રાખ્યા છે. પણ કોને કોને આપણે કઈ કઈ રીતે છઠ્ઠી સોટી મારીને દુઃખ પોંહચાડીયે છીએ? એ તપાસતા રહીયે. આપણે ખરેખર સુખી છીએ, ભગવાન ભૂલતા નથી તો સમજવું કે આપણાથી બધા સુખી છે, કોઈને વધારાની સોટી મારતા નથી: પરંતુ આપણે ગમે એટલા સેવા-ભજન કરતા હોઈએ પણ ભગવાન વિસરાય જતા હોય, અંતરમાં ખાલીપો રહેતો હોય: તો જરૂર સમજવું કે આપણે તાન-વેગમાં આવી જયને, ભગવાનના કોઈક સંતાનને દુઃખ પહોંચાડ્યું છે, છઠ્ઠી સોટી મારી લીધી છે!

માટે મહારાજને કરગરીને પ્રાર્થના કરીયે કે, 'હે દીનદયાળુ! મારી ભૂલ ક્ષમા કરજો. મારાથી જે કોઈને છઠ્ઠી સોટી વાગી ગઈ છે, એમને હે નાથ! અંતરથી સુખી કરજો અને મારાથી આ ભૂલ ફરી ન થાઈ એવી કરુણા કરજો. મારા વેગ-તાન નાબૂદ કરી, મને સાચા રસ્તે ચડાવી દેજો.