ચાલો ઘરસભા કરીએ - ભૂલ...

ચાલો ઘરસભા કરીએ - ભૂલ...
April 1, 2023

આપણે કોઈક વાનગી બનાવીએ તો તેની અંદર ઘણા બધા સ્વાદ હોય પણ તે પોતાના સ્વભાવથી માપમાં હોવાથી અને એકબીજામાં ભળી ગયેલા હોવાથી તે ભોજન લેનારને સુખરૂપ થાય છે; તેમ આપણે ઘરમાં રહેતા હોઈએ ત્યાં પણ બધાના સ્વભાવ અલગ-અલગ હોય, પણ જો તે માપમાં રહે અને એકબીજામાં ભળી જાય તો સુખરૂપ બની શકે અને તે માટે દરેક સભ્ય પોતાની ભૂલ(સ્વભાવ) ઓળખીને તેની માફી માંગી શકવા જોઈએ અને બીજા તેમને દિલથી માફ કરી શકવા જોઈએ. આ માટેનું માધ્યમ એટલે આપણી ઘરસભા. તો ચાલો કરીએ ઘરસભા...

ચોપાઈ:

કરી મહારાજે મોટી મહેર, આણ્યો સત્સંગ રૂડી પેર;
એહ સત્સંગ છે મોટી વાત, એમાં કલ્યાણ છે સાક્ષાત‌.

પૂજન: જે સભ્યની આ મહિનામાં બર્થ ડે આવતી હોય તે સભ્યે મહારાજનું ફૂલ-ચોખા કે તુલસી વડે પૂજન કરવું.

જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો પોતાને પોતાની ભૂલ ઓળખાવી ખૂબ જરૂરી છેે. સદ્.મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે, "હરિ કૃપા જબ હોત હે, તબ સૂઝત આપના દોષ" આમ, જેના ઉપર ભગવાનની કૃપા થાય તેને જ પોતાની ભૂલ અને સ્વભાવો ઓળખાય છે. તો તે માટે પૂ.ગુરુજીની એક પ્રાર્થના છે તે બધા ભેગામળી ગાઈએ...

પ્રાર્થના: હે નાથ સુણો વિનંતી મારી...

આ ઘરસભામાં આપણે આપણી "ભૂલની માફી માંગીશું અને બીજાને માફ કરીશું."

જીવનમાં અમુક વાર નાની-મોટી ગેરસમજને લઈને એકબીજાને દુઃખ લાગતું હોય છે, જેમાં ક્યારેક બાળકોની ભૂલ હોય તો ક્યારેક માતા-પિતાની પણ ભૂલ હોઈ શકે છે. ક્યારેક આપણે જ આપણા પૂર્વગ્રહ અને અહંને લઈને બીજા પ્રત્યે ખોટી માન્યતા કરી બેઠા હોઈએ છીએ પણ તેઓ એવા ન પણ હોય. ચાલો આપણે એક વિડિયો ક્લીપ જોઈએ...

શું આપણે બીજાને વિશે આવી ખોટી માન્યતા કે પૂર્વગ્રહ રાખીને દુઃખી તો નથી થતાં ને ? આપણાં વાણી-વર્તનથી કોઈને દુ:ખ તો નથી થતું ને ? આવા વિચારો સાથે ચાલો ૫ મિનિટ ધૂન કરીએ...

ધૂન દરમિયાન વર્તનથી કોઈ દુઃખાઈ ગયા હોય તે વિચારવું, દરેકે માત્ર પોતે પોતાની જ ભૂલ જોવી, પરસ્પર એકબીજાને કોઈ ગેરસમજ થઈ ગઈ હોય તો તેનો ખુલાસો કરવો અને એકબીજાની માફી માંગવી અને બીજા સભ્યોએ તેમને માફ કરી દેવા અને રાજીપો આપવો.

હવે આપણે એકબીજાના સ્વભાવ નહિ, પણ ગુણ જોવાની ટેવ પાડીશું, તેવો ઠરાવ કરવો.

અંતે ચોપાઈ...

“પરસ્પર સબ હેત ન માઈ, એક એક સે અતિ મિત્રાઈ;
એક એક કો કરે બખાના, કલિ જોઈ કે આશ્વર્ય માના.”

હળવો આનંદ કરીને પ્રસાદ વહેંચવો ને સભાને પૂર્ણ કરવી.