ચાલો આ વખતની ઘરસભા મિત્રો સાથે…

ચાલો આ વખતની ઘરસભા મિત્રો સાથે…

દૂધને ગરમ કરતાં મલાઈ મળે છે, આ મલાઈને ભેગી કરી મેળવી તેને વલોવતાં તેમાંથી માખણ મળે છે અને તે માખણને ગરમ કરતાં તેમાંથી ઘી મળે છે. તેમ આપણા પરિવારના સભ્યોને સારા સંસ્કારી બનાવવા હોય, તો તેમને ભેગાં કરીને આધ્યાત્મિક તાપ અને સત્સંગરૂપી વલોણામાં વલોવવા પડે તો તે આદર્શ બને. આપણા ઘરમાં આવું વાતાવરણ ઊભું કરવાનું એક માત્ર માધ્યમ એટલે ઘરસભા...

(આ વખતની ઘરસભામાં પોતાના બે કે ત્રણ મિત્રો ભેગા થઈને કોઈ એકના ઘરે, બગીચા કે કોઈ અન્ય સ્થળ પર કરવી.)

શરૂઆતમાં થોડીવાર ઘૂન કરવી. ત્યારબાદ બધાએ સમૂહમાં પ્રાર્થના કરવી...

પ્રાર્થના :- ચોપાઈ “કરી મહારાજે મોટી મહેર” અને “એવા ભક્તના લઈએ જો ગુણ”

પૂજન :- જે મિત્ર આવ્યા હોય તેમની પાસે અથવા તેમના પુત્ર પાસે મહારાજનું પૂજન કરાવવું અને બીજા બધા સભ્યોનું પણ ચાંદલા કરી પૂજન કરાવવું.

પ્રથમ સહુ સભ્યોએ ભજનયાગના પોતાના સ્વાનુભવ કહેવા. પૂ.ગુરુજીએ જે બે નિયમો આપ્યા હતા તે નિયમો પાળવાથી જે ફાયદા થયા હોય તેની પણ ચર્ચા કરવી અને નિયમો ચાલુ રાખવા વિશે ભલામણ કરવી.

  1. રોજની એક સંકલ્પ રહિત માળા એટલે કે ચાર મહિનાની ૧૨૦ માળા કરવી.
  2. મોબાઈલનો કેટલો બિનજરૂરી ઉપયોગ થાય છે તેનો હિસાબ રાખવો.

શ્રીજી મહારાજે વચનામૃત ગ.પ્ર.૭૭માં કહ્યું છે કે, “દેશ, કાળ, ક્રિયા, સંગ, ધ્યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ જેવાં હોય તેવી પુરુષની મતિ થાય છે.” તેમાં અતિ બળવાન સંગ છે. કેમ જે, જો સંગ સરખો ન કર્યો તો આ બીજાં સાતેય વાનાં સરખાં હશે તો પણ આપણું બગડતા વાર નહિ લાગે.

વચ.ગ.અં.૨૧માં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે તેને સાચો મિત્ર જાણવો.એ જ મિત્રનું લક્ષણ છે.”

  1. પેન્સિલ, રબર અને સંચો :-
    પેન્સિલને બે સાચા મિત્રો છે કે જે પેન્સિલની ભૂલ થાય તો સંચો તેને છોલી પણ નાંખે અને રબર તેને ભૂંસીને સાચું પણ કરી દે.
  2. સોય-દોરો :-
    જેમ સોય વાગીને કાણું પાડે છે તો તેની આ ખામીને તેની પાછળ રહેલો તેનો મિત્ર દોરો તે કાણાંને પૂરતો જાય; એટલે કે તેની ખામી સુધારતો જાય તેમ…

આપણા કોઈ આ વિડીયોમાં કહ્યું તેવા સાચા મિત્રો હોય કે જેને લઈને આપણને બહુ જ ફાયદો થયો હોય તો તેની વાત કરવી અને વારાફરતી મિત્રોના સ્વાનુભવો કહેવા.

આપણને આપણી હિતકર વાત આપણને  દુઃખ થાય તો પણ કહે અને આપણને સુધારે તેવા કોઈ મિત્ર છે ખરા ? જો કોઈને આવા સારા મિત્રો ન હોય તો હવે તે આ ઘરસભા પછી પોતાના જીવનમાં કોઈ એક-બે આવા સારા મિત્ર બનાવશે. કેમ કે, સગા-સંબંધી તો ભાગ્યથી મળે છે, તેમાં સિલેકશન કરવાનું હોતું નથી; પણ પોતાના જીવનમાં મિત્રો કોને બનાવવા તેનું સિલેક્શન આપણા હાથમાં હોય છે. અને શ્રીજી મહારાજે વચનામૃત ગ.પ્ર.૭૮માં કહ્યું છે કે, “જેનો સંગ થાય તે સાથે કોઈ રીતનું અંતર રહે જ નહિ, ત્યારે તેનો સંગ થયો જાણવો અને મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો, જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો.”

ઘરનાં બાળકો અને બહેનોને પણ જો કોઈ એવા કુસંગી મિત્રો હોય તો તેનો ત્યાગ કરી સત્સંગી મિત્રો બનાવવાનો દૃઢ સંકલ્પ કરવો અને મોટાએ તે માટેનું માર્ગદર્શન આપવું. અંતમાં એકબીજાને પ્રસાદ આપીને સભાની પૂર્ણાહુતિ કરવી.