ચાતુર્માસ..!!

ચાતુર્માસ..!!

ચાતુર્માસ એટલે ભગવાનના ભક્તો માટે વિશેષ નિયમો પાળી ભગવાનમાં હેત વધારવાનો અને ભગવાનને પ્રસન્ન કરવાનો અલૌકિક અવસર. વહાલા મહારાજે પણ શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે, ભગવાનની કથા-કીર્તન, શ્રવણાદિક નિયમો વિશેષપણે ભક્તિએ કરીને ધારવા. મહારાજ પોતાના આશ્રિત સંતો-ભક્તોને નિયમો આપતા ને સંતો-ભક્તો નિયમો પાળી મહારાજને કેવા રાજી કરતા ! તે એક ચરિત્ર દ્વારા સમજીએ અને આપણે પણ વિશેષ નિયમ લઈને ભગવાનને રાજી કરીએ.

સં.૧૮૮૨ની સાલમાં શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યારે ચોમાસું આવ્યું. તેમાં નિયમની એકાદશીને દિવસ શ્રીજીમહારાજ લાડુબાના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા. તેવામાં ભણનારા તથા લહિયા સાધુએ મહારાજને કહ્યું જે, ‘અમારે નિયમ લેવા છે.’ તેવામાં બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! નદીમાં પાણી નાહ્યા જેવું નિર્મળ થયું છે.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘ચાલો ન્હાવા જઈએ.’ એમ કહીને સંતમંડળે સહિત પોતે ન્હાવા પધાર્યા અને ખળખળિયાને વિષે પોતે છાતી સમા પાણીમાં ઊભા રહ્યા. મહારાજને અથડાઈને આગળ પાણીની છોળો પડે, તેનું સંતો પાન કરે ને મસ્તકને વિષે ધારણ કરે; એવામાં સંતોએ કહ્યું જે, ‘અમને નિયમ આપો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘પાણીમાં તણાઈને આવે તેમને નિયમ આપીએ.’

ત્યારે સર્વે સંત ખળખળિયામાં વારાફરતી તણાઈને મહારાજ પાસે આવીને પાણીમાં ઊભા રહ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, ‘તમે પણ તણાઈને આવો.’ ત્યારે તેમણે શરીર તણાતું મેલ્યું. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, ‘હવે તમારો વારો આવ્યો.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘શરીર જાડું, વાસ્તે વાગી જાય.’ ત્યારે મહારાજે સુરા ખાચરને પગ વતે ઠેલીને પાણીમાં પાડયા. ત્યારે સુરા ખાચરે બ્રહ્માનંદ સ્વામીને બાથ ભરી. ત્યારે બેય જણા આડા પડયા. ને તણાવા માંડયા, ત્યારે મહારાજ હસવા લાગ્યા. અને બેય જણા મહારાજ જ્યાં હતા ત્યાં આવીને ઊભા રહ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘શરીર ભારે તે હાથે-પગે વાગે તો કાવ્ય થાય નહીં.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘અમે તમને કાંઈ કર્યું છે ?’ ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘કાંઈક કૃષ્ણાવતારના પગે કરીને કમાડ ઠેલવાના હેવા રહી ગયા છે.’ ત્યારે મહારાજ હસતા થકા ઊંડા પાણીમાં પધાર્યા. અને સામસામા મંડળ બાંધીને પોતે જળ ઉછાળવા માંડયા. હાથ કૂણી સુધી પાણીમાં નાખીને ઉછાળે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘થોડા હાથ પાણીમાં નાખો તો પાણી ઘણું ઉછળે.’ ત્યારે પોતે તેમ કરીને જળ ઉછાળવા માંડયા; એમ ઘણી જળક્રીડા કરીને દરબારગઢમાં બિરાજમાન થયા.

ત્યારે સંતે કહ્યું જે, ‘હે મહારાજ ! અમને નિયમ આપો.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘જેને જેવા નિયમ લેવા હોય તે બોલો.’ ત્યારે જુવાનિયા સંત હતા તેમણે કહ્યું જે, ‘અમે ધારણાંપારણાં કરશું.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘ઠીક.’ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મને નિયમ આપો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘જ્યારથી અમારાં દર્શન થયાં છે, ત્યારથી સર્વે અમારી લીલા ચિંતવવી.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘મને નિયમ આપો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘નિત્ય પ્રત્યક્ષ લીલાનાં ચાર કીર્તન કરવાં.’ ત્યારે પ્રેમાનંદ સ્વામી બોલ્યા જે, ‘મને નિયમ આપો.’ ત્યારે તેમને પણ નિત્ય નવાં ચાર કીર્તન કરવાં; એવો નિયમ આપ્યો. પછી નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મુને નિયમ આપો.’ ત્યારે તેમને કહ્યું જે, ‘તમારે અમારી આગળ ચાર મહિના કથા વાંચવી.’

પછી દાદા ખાચરની માએ કહ્યું જે, ‘હું ધારણાંપારણાં કરીશ.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે તો રાજામાણસ, તે તમારે તો સંતોને જમાડવાના નિયમ લેવા જોઈએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘એક મહિના સુધી સંતો ધારણાં-પારણાં કરે તેમાં પારણાં મારે કરાવવાં, એમાં કોઈનો ભાગ નહીં.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એ બરાબર !’ પછી મહારાજ કહે, ‘અમારે પીરસ્યાનો નિયમ.’ એમ કહીને મહારાજે નિત્યાનંદ સ્વામી પાસે ભાગવતની કથાનો આરંભ કરાવ્યો, ત્યારે પોતે પુસ્તકની પૂજા કરીને નિત્યાનંદ સ્વામીની પૂજા કરી અને પોતાના કંઠમાં હાર હતા, તે ઉતારીને નિત્યાનંદ સ્વામીને પહેરાવ્યા. પછી પોતે બોલ્યા જે, ‘શાસ્ત્રમાં પુરાણીને જમાડવાનું કહ્યું છે, તે નિત્ય એમને સીધું આપવું. તે અમે તો કોઈક દિવસ ભૂલી જઈએ.’ એમ કહીને બ્રહ્મચારીને કહ્યું જે, ‘અમારો થાળ નિત્ય આપજો.’ ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મારે એ ઠીક પડશે.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘આ તો બહુ કઠણ નિયમ આપ્યો, આવો નિયમ તો મને આપો તો હું પણ રાખું.’ ત્યારે મહારાજ હસ્યા ને કથાનો અધ્યાય પૂરો થયો, ત્યારે ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતે માંહિલી તરફ પધાર્યા. સાંજને સમે સભાને વિશે એકાદશીનાં કીર્તન ગવરાવ્યાં. ત્યાર કેડે પોતે પોઢવા પધાર્યા.

વહાલા ભક્તો ! આમ, મહારાજને રાજી કરવા સંતો-ભક્તો વિવિધ નિયમ લેતા અને શ્રદ્ધાપૂર્વક પાળતા; તેમ આપણે પણ આ ચાતુર્માસમાં નિયમો લઈએ અને લીધેલા નિયમો શ્રદ્ધા અને ભક્તિભાવથી પાળીને મહારાજ અને સંતો-ભક્તોને રાજી રાજી કરી લઈએ..!!