
વહાલા ભક્તો ! ટૂંક સમયમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસ એટલે અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧. આ ચાર માસ એટલે ભક્તોએ તપ-ભજન વગેરે કરી ભગવાનને પ્રસન્ન કરવાનો સમય. આ ચાર માસમાં દરેક ભક્તો કાંઈકને કાંઈક નિયમ લઈને ભગવાનને રાજી કરતા હોય છે. શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના બીજા પ્રકરણના ૪૧-૪૨માં અધ્યાયમાં વહાલા મહારાજે આ ચાતુર્માસનું વ્રત કેવી રીતે કરવું ? તે વિશે સુંદર વાતો કરી છે. તેનો સાર ગ્રહણ કરીને આપણે આ ચાતુર્માસમાં ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરીએ...
એકવાર મહારાજ વડનગર અને વિસનગરમાં બિરાજમાન હતા. તે દરમ્યાન શ્રીહરિ પ્રતિદિન બપોર પછીના સમયે અને રાત્રે વિશાળ સભામાં પોતાના ભક્તજનોને એકાંતિક ધર્મ સંબંધી વાતો કરીને ખૂબ જ સુખ આપતા હતા. અષાઢ સુદ દશમીની રાત્રીએ સભામાં સિંહાસન પર વિરાજમાન શ્રીહરિ પોતાની આગળ બેઠેલા ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, આવતીકાલે નિયમની એકાદશી છે અને તે દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ ચાતુર્માસમાં મારા આશ્રિત સર્વે ભક્તજનોએ પોતાની શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરવી. મારા આશ્રિતોએ વિશેષપણે પાલન કરવા યોગ્ય વ્રતો કહું છું.
ચાતુર્માસના નિયમો કેવી રીતે લેવા ?
હે ભક્તજનો ! એક ભગવાનને જ રાજી કરવાના આશયથી અષાઢ સુદ એકાદશીને દિવસે ભગવાન શ્રીહરિની મૂર્તિ સમક્ષ અથવા સ્વધર્મપાલનમાં દૃઢ નિષ્ઠાવાળા ભગવાનના સંતો-ભક્તોની આગળ ચાતુર્માસના નિયમ ગ્રહણ કરવા. (હાલ આપણે ચાતુર્માસના નિયમો બને એટલા વહેલા નક્કી કરી લેવા.)
નિયમ ગ્રહણ કરતી વખતે આવી પ્રાર્થના કરવી, ‘હે પ્રભુ ! તમારી સાક્ષીએ આ વ્રતનો નિયમ હું ગ્રહણ કરું છું. તે વ્રત તમારી પ્રસન્નતાથી નિર્વિઘ્નપણે પૂર્ણ થાય તેવી કૃપા કરજો.’ આ રીતે બહાર અને અંદર પવિત્રપણે રહી બ્રહ્મચર્યાદિ નિયમનું યથાયોગ્ય રક્ષણ કરતાં કરતાં સ્ત્રી અને પુરુષે ચાતુર્માસના વ્રતનો આરંભ કરવો.
ચાતુર્માસમાં કેવા-કેવા નિયમો લેવા ?
ચાતુર્માસમાં અવશ્ય કરવા યોગ્ય શ્રેષ્ઠ તપ તમને કહું છું. નેત્ર આદિ પાંચ જ્ઞાનઈન્દ્રિયો અને છઠ્ઠું મન તેની એકાગ્રતા કેળવી ભગવાન પરાયણ થવું, તે સર્વોત્તમ તપ કહેલું છે. પોતાને ઈચ્છિત વિષયના રસથી પુષ્ટ થયેલી ઈન્દ્રિયોની વૃત્તિ ક્યારેય પણ ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થઈ શકતી નથી. તે માટે પંચવિષયોનો ત્યાગ કરવો જરૂરી છે. પંચવિષયમાં સૌથી બળવાન વિષય રસાસ્વાદ છે. તેથી તપ કરવા ઈચ્છતા દરેક ભક્તોએ પ્રયત્નપૂર્વક ઉપવાસ વગેરે વ્રત કરીને તેને જીતવો આવશ્યક છે. તે માટે એકટાણાં, ધારણાં-પારણાં, ચાંદ્રાયણવ્રત, ઉપવાસ કે ફરાળી ઉપવાસ કરવાના નિયમો લઈ શકાય.
ચાતુર્માસના એક-એક મહિનામાં પાળવા યોગ્ય નિયમો
પ્રથમ માસમાં શાક ન ખાવું, બીજા માસમાં દહીં ન લેવું, ત્રીજા મહિનામાં દૂધનો ત્યાગ કરવો અને ચોથા માસમાં તુવેર આદિ દ્વિદલ-કઠોળનો ત્યાગ કરવો.
રીંગણાં, કોળું અને મૂળા આ ત્રણનો ચારેય માસ ત્યાગ કરવો. વળી, ચાતુર્માસમાં ધારણા-પારણાવ્રત પણ મહાફળને આપનારું શ્રેષ્ઠ કહેલું છે.
ચાતુર્માસના નિયમોની સાથે-સાથે પાળવા યોગ્ય નિયમો
હે ભક્તો ! ચાતુર્માસમાં સ્ત્રીભોગના ત્યાગનું નિયમ રાખવું. તેમજ નિરંતર ક્રોધ ન કરવો, અસત્ય ન બોલવું, જાણી જોઈને જીવપ્રાણીમાત્રની હિંસા ક્યારેય ન કરવી વગેરે નિયમ પણ ગ્રહણ કરી શકાય.
સર્વે તપના અંગભૂત બ્રહ્મચર્યવ્રત છે. તેથી તે નિયમને તો સર્વે નિયમની સાથે અવશ્ય પાળવું. જો બ્રહ્મચર્યાદિ વ્રતનું પાલન ન કરે ને કેવળ તપ કર્યા કરે તો તે કેવળ શરીરનો પરિશ્રમ છે, તેને વ્રતનું ફળ કાંઈ પણ મળતું નથી.
ચાતુર્માસ દરમિયાન લેવા યોગ્ય ભક્તિ સંબંધી નિયમો
ચાતુર્માસમાં શ્રીમદ્ ભાગવત પુરાણ, ભક્તચિંતામણિ, શ્રીહરિચરિત્રચિંતામણિ વગેરે શાસ્ત્રોનું પ્રતિદિન શ્રવણ કે વાંચન કરવાનું નિયમ ગ્રહણ કરવું. વળી, પ્રદક્ષિણા, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા, ભગવાનના નામ મંત્રની માળા કરવી આદિક વ્રતનું પણ ગ્રહણ કરવું.
વહાલા ભક્તો ! આ રીતે શ્રીમત્ સત્સંગીજીવન ગ્રંથમાં મહારાજે ચાતુર્માસમાં લેવા યોગ્ય નિયમો વિશે વાત કરી છે. વળી, શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે વાતુર્માસમાં વિશેષ પણે નિયમ ધારણ કરવાની આજ્ઞા કરી છે. જે
“અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. તે વિશેષ નિયમ તે કયા? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું કથા વાંચવી ભગવાનના ગુણનું કીર્તન કરવું પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી ભગવાનના મંત્રનો જપ કરવો સ્તોત્રનો પાઠ કરવો ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા.
એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો.”
(શ્લોક ૭૬-૭૮)
વળી, આ ચાતુર્માસમાં તો આપણને વહાલા પૂ.ગુરુજીએ નીચેના ૧૫ પ્રકારના નિયમોમાંથી જેટલા અનુકૂળ હોય તે લેવાની આજ્ઞા કરી છે.
આ બધા નિયમોમાંથી કોઈપણ નિયમ લઈને મહારાજ તથા પૂ.ગુરુજીને રાજી કરી શકાય. વહાલા મહારાજને રાજી કરવા આપણે સહુ નિયમ લઈશું અને શ્રદ્ધા સહિત પૂરા કરીશું તો મહારાજ રાજી થશે. માટે પૂ.ગુરુજીએ આપણને અખંડ ભજનયાગમાં જોડાવાની અમૂલ્ય તક આપી છે તેને આનંદથી વધાવી લઈએ અને મહારાજને રાજી કરવા મંડી પડીએ...