
વહાલા ભક્તો ! આપની સમક્ષ આઈન્સ્ટાઈનનો એક વિચાર પ્રસ્તુત કરું છું. જે ઘણો વાગોળવાં જેવો, જીવનમાં અંજવાળું કરે અને ઉપયોગી નીવડે એવો છે.
“મેલા અને ઢંગધડા વિનાના કપડા પહેરવાથી જો આપણને શરમ આવતી હોય તો મેંલા અને ઢંગધડા વિનાના વિચારોથી તો આપણે શરમાવવું જ જોઈએ.”
વિચારો ઉપર કંટ્રોલ રાખવો એ આપણા હાથની વાત છે. મનને જો સદ્વિચારોમાં ડૂબાડી રાખીએ તો ગંદા વિચારો ન થાય. આપણા હૃદયમાંથી નબળા વિચારો હટાવવા માટે કથા-કીર્તન, ભજન બહુ ઉપયોગી છે નબળા સંકલ્પો પરમાત્માનું સ્મરણ કરવાથી, ભજન કરવાથી, ધ્યાન કરવાથી નાશ થાય છે.
માનો કે કદાચ ખોટા, ખરાબ, નબળા વિચારો નથી થતાં પણ જેની કોઈ જરૂર જ નથી એવું વ્યર્થ ચિંતન ઘણું થાય છે. એનું શું કરવું ? તો એનો એક બહુ સરસ ઉપાય છે કે ; એની મેળે ભીતરથી ચાલ્યા કરતા વ્યર્થ ચિંતનને ન તો સહયોગ આપો, કે ન તો એને બંધ કરવા એનો વિરોધ કરો; ખાલી દ્રષ્ટા બની જોયા કરો, એની મેળે એ વિચારો બંધ થઈ જશે. એ જ એને ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે વ્યર્થ ચિંતનથી મોટા ભાગનાં માણસો ભયભીત થઈ જાય છે, બહુ ઉપાધીમાં આવી જાય છે, ઊંડા ઉતરી જાય છે કે, મને બીજા-ત્રીજા વિચારો આવ-આવ કરે છે. મારું શું થાશે ? મારું મગજ બંધ થાતું નથી, વિચારો ચાલુ જ રહે છે. પણ જરાય ગભરાવાની જરૂર નથી, એમાં મૂંઝાવાનું છે જ નહિ. એને વિકાર માનવાની પણ જરૂર નથી. એેનાથી પોતાને વિષે બિલકુલ હીનભાવ કરવાની પણ કોઈ જરૂર નથી કે , હું તો સાવ પાપી, અસૂર કે નકામો છું; આવી ભાવના પણ ન કરો, માત્ર તમે એનાથી અલગ થઈ જાવ અને એને જોયા કરો.
પરંતુ આ ત્રણમાંથી એકેય પ્રકારે વ્યર્થ કે નબળા ચિંતનને આપણે ટાળી શકતા નથી. એને સમાપ્ત કરવાનો સૌથી સારો ઉપાય એ છે કે, તમે તેનાથી તદ્દન અલિપ્ત રહો. પછી મનને કરવા યોગ્ય શુભ ચિંતન કે સારા કાર્યમાં વ્યસ્ત રાખો.
અલિપ્ત રહેવા માટે તે સંકલ્પને ફક્ત જુઓ પણ એની અસરમાં ન આવો. જેને તમારે જોવું હોય એનાથી તમારે અલગ થાવું પડે. અલગ ન થાવ તો તમે એને જોઈ ન શકો. આવો નિયમ છે. તેથી જ આપણે સામી વ્યક્તિનું શરીર જેવું જોઈ શકીએ છીએ એવું આપણું શરીર જોઈ શકતા નથી. આપણા શરીરને અનુભવીએ છીએ ખરા પણ બધા ભાગને જોઈ શકતા નથી. કેમ જે, આપણે શરીર ભેળા છીએ. એમ જો સંકલ્પથી જુદા ન પડીએ તો તેના દ્રષ્ટા ન બની શકીએ. માટે એને સમજણ વડે આપણાથી અલગ પાડી સામે કરી દ્યો, પછી તે વિચારોને જોયા કરો. હા, એ વિચારોને તમે પોતાના પણ ન માનશો.
તમે કહેશો કે, વિચારોથી વિચારોને ટાળી દઈએ તો ? થાય...એવું પણ થાય, પણ ઊંડું વિચારીએ તો વિચારોથી વિચારને ટાળો એમાં વિચાર દબાઈ જાય છે, પરંતુ સાવ જાતા નથી. એને નાશ કરવા માટે આપણે એનાથી અલગ જ થાવું પડે જો વિચારોથી વિચારોને દબાવી દઈએ તો અત્યારે દબાઈ જાય પરંતુ કાળાંતરે એ પ્રગટ થાય અથવા તો વિચારોને ટાળવા માટે જે વિચારો ઊભા કર્યા હોય એ વિચારો જ પાછા અંતરમાં ઘર કરી જાય. આપણે તો જે વિચારે કરીને વિચારો ટાળ્યા એ વિચારને પણ છોડી દેવાના છે. અને એક ભગવાનમાં જોડાઈ જવાનું છે. તે શ્રીજીમહારાજે લોયાના ૧૫મા વચ.માં કહ્યું છે જે,
त्यज धर्ममधर्मं च उभे सत्यानृते त्यज।
उभे सत्यानृते त्यक्त्वा येन त्यजसि तत्त्यज।।
એનો એમ અર્થ છે જે, "જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી."
માટે વ્યર્થ ચિંતનથી અલગ પડવું એ જ એમાંથી છૂટયાનો ઉપાય છે. બળ કરીને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરીએ અને મન બીજે ભાગી જાય; વળી, ત્યાંથી લઈ આવીએ ત્યાં પાછું ભાગી જાય; ધ્યાન થાય નહિ, મૂર્તિનું સુખ આવે નહિ અને સમય બગડે. એવે કાળે ભગવાન સ્વામિનારાયણે વચ.માં આ શીખવાડયું છે કે , જ્યારે રજોગુણ વર્તતો હોય અને ઘાટ સંકલ્પોનું જોર બહુ રહે ત્યારે આત્મનિષ્ઠાના વિચારો કરવા. આનો અર્થ એ કે , હું આત્મા છું, આ વિચારો મારા નથી. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરથી અલગ એવો આત્મા તે હું છું. હું શુદ્ધ છું. એવા શુદ્ધ આત્મામાં માયાના વિચાર ક્યાંથી હોય ? આત્માનું મૂળ સ્વરૂપ તો નિર્વિકાર, નિર્વિકલ્પ છે. આ શીખવાડવા પાછળ મહારાજનો હેતુ એટલો છે કે , તમે તમારા સ્વરૂપે રહી અને તમારા વિચારરૂપ સૂક્ષ્મ શરીરને જોયા કરો. પરિણામ એ આવશે કે , સૂક્ષ્મ શરીર એની મેળે નિર્જીવ થઈ જશે અને ઘાટ કરતું બંધ થઈ જશે.
આપણને એ નથી ખબર કે આપણે નબળા ચિંતનને બંધ કરવાના એક બાજુથી હવાતિયા મારીએ છીએ અને આપણે જ બીજી બાજુથી તેને સપોર્ટ આપીએ છીએ. જેમ નવો-નવો માણસ ગાડી શીખતો હોય ત્યારે ક્યારેક એને ભૂલ થઈ જાય કે, ગાડીને ઊભી રાખવા બ્રેક મારવાને બદલે લિવર આપે. એમ આપણા ખરાબ વિચારોને આપણે જ પાછળથી સપોર્ટ આપતા હોઈએ છીએ તેથી ઉલ્ટાના વધારે ભૂંડા ઘાટ થાય. માટે ક્યારેક અંતરમાં, શું ચાલે છે ? એ ફક્ત જોયા કરવું કે, હું આત્મા છું, મારે કોઈ વિચાર જ નથી, હું તો ફક્ત દ્રષ્ટા છું, સંપૂર્ણ અકર્તા છું. બસ...મને માત્ર દેખાય છે, અનુભવાય છે કે આવા કાંઈક ઘાટ અંદર ચાલે છે. પણ મારે એ ઘાટ સાથે કાંઈ જ લેવા દેવા નથી. એમ જોયા કરો. પછી એ બિચારાને કોઈ પોષણ નહિ મળવાથી એની મેળે બંધ થઈ જાશે. પહેલાં લિવર દબાવાઈ ગયું હોય એટલે ગાડીને જેટલો વેગ પકડાયો હોય એટલી ઘડી ચાલે. પગ લઈ લ્યો પછી એની મેળે ઊભી રહે. એમ સંકલ્પનું પણ એવું જ છે. એની મેળે ઊભા રહે. ચિત્તમાં શાંતિ થઈ જાય અને પછી ભગવાન મારામાં સાક્ષાત્ બિરાજમાન છે એમ માનો એટલે પોતાનો આત્મા જ ભગવાનમાં જોડાઈ જાય. સીધું ભગવત્સ્વરૂપ અનુભવાય અને બહુ જ આનંદ આવે.
અમુક એવી વસ્તુ છે કે એમાં બળ ન કરીએ તો ફાવીએ. અને અમુક વસ્તુ એવી છે કે એમાં બળકરીએ તો જ ફાવીએ. વિચારોની બાબત એવી છે કે, એને પોષણ પણ ન આપો અને એનો વિરોધ પણ ન કરો તો ફાવીએ. માટે એને છૂટા મૂકી દ્યો. કહી દ્યો કે, હે મન ! જેટલાં ઘાટ કરવા હોય એટલા કર્ય; તારે ને મારે શું લેવા દેવા ? ઇન્દ્રિયો અંત:કરણને કહો કે, તમારે ઊલળવું હોય એટલું ઊલળો; હું તો તમારાથી અલગ છું. મારે તમારી સાથે કાંઈ લેવા દેવા નથી.
જેમ આપણી બાજુમાં કોઈક બાઈ-ભાઈ ગાળ્યો બોલતા હોય કે બાધતાં હોય તો આપણને ફક્ત દેખાય ને સંભળાય એટલું જ; પણ આપણને કાંઈ એમ ન થાય કે, હું ગાળ બોલું છું કે મારું મોઢું ગાળ બોલે છે ? આપણને ફક્ત સમજાય કે હલકાં માણસ તો આવું જ કરે ને ? એમ આપણે આપણા અંત:કરણને જુદું પાડીને ફક્ત જોયા કરવાનું છે પણ પોતે એના તોફાનમાં ભળવાનું નથી. શરીર અને જીવનું જુદાપણું ત્યાં જ સિદ્ધ થાય છે કે આત્મા એ જોનારો દ્રષ્ટા છે અને શરીર દેખાતું દ્રશ્ય છે. આત્મા જ્ઞાતા છે, શરીર જ્ઞેય છે અને એને જે અનુભવ થાય છે તે જ્ઞાન છે માટે જો જીવ વિચારોનો દ્રષ્ટા બની જાય તો ભગવાનના સ્વરૂપને આનંદથી માણી શકે એમ છે. માટે ઘાટ સંકલ્પની સામે લડવાને બદલે તેને દ્રષ્ટા બની જોયા કરો તો તે એની મેળે ટળી જાય છે...
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૯/૦૨/૨૦૧૪, રવિવારના રોજ કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન.