
ઘરના બધા સભ્યોએ ભેગા મળી મહારાજને રાજી કરવાનો અવસર એટલે ઘરસભા….
ઘરના બધા સભ્યોને એકબીજાની ભૂલો માફ કરી એકબીજા સાથે આત્મીયતા કરવાનો અવસર એટલે ઘરસભા...
ઘરના સભ્યોમાં આપણી સંસ્કૃતિ અને સભ્યતાનાં બીજ રોપવાનો અવસર એટલે ઘરસભા..તો ચાલો, મહારાજને રાજી કરવા ભેગા મળી કરીએ ઘરસભા....
પૂજન :- ઘરના બધા સભ્યોમાંથી જે ભાઈઓમાં વડીલ હોય તેઓએ મહારાજનું ફૂલ, ચોખા કે કંકુથી પૂજન કરવું.
પ્રાર્થના :-
हरि विस्मरन जितनो होई, इतनो जानना कुसंग सोई
सो कुसंग को भय रखना, नीरभे होई ना विचरना
જગતના આધિ-વ્યાધિ અને ઉપાધિની વચ્ચે આ લોકમાં રહેવાનું થાય એટલે કંઈક ને કંઈક ચિંતા, ઉપાધિ રહ્યા જ કરે, માટે જ જીવને શાંતિ-આનંદ આપવા માટે વહાલા પૂ.ગુરુજીએ આપણને આ વર્ષનું નામ ‘સ્મરણ વર્ષ’ આપ્યું છે. જો આપણે સ્મરણ કરીએ તો આપણા જીવને ઘણી શાંતિ મળે, જીવ બળિયો થાય ને ભગવાનમાં લાગે. તો આવો કરીએ આ સ્મરણ વર્ષમાં ભજનનું પ્રેક્ટિકલ...
ધૂન :- સ્મરણ વર્ષ છે તો બધા સભ્યો ભેગા મળીને નીચેની ધૂન સાથે સ્મરણ કરીશું.
હાલા મહારાજની અસીમ કૃપાથી હવે ચાર્તુમાસ આવશે અને એમાં વળી મહારાજે આપણને શિક્ષાપત્રીના શ્લોક નં.૭૬માં આજ્ઞા કરી છે કે, અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો.
પૂ.ગુરુજી કહેતા હોય છે કે, ચાર્તુમાસમાં કંઈક ભક્તિ સંબંધી અને કંઈક ત્યાગ સંબંધી નિયમ લેવા જોઈએ. ભક્તિ સંબંધી નિયમમાં મહારાજે શિક્ષાપત્રીમાં આઠ નિયમ બતાવ્યા છે. જેમ કે, ભગવાનની કથા સાંભળવી, કથા વાંચવી, કીર્તન ગાવાં, પંચામૃત સ્નાને કરીને મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ પ્રણામ કરવા. આમાંથી કોઈ નિયમ ભગવાનને રાજી કરવા માટે લઈ શકાય.
તેમજ ત્યાગ સંબંધી નિયમમાં મોબાઇલ-સોશિયલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ ટાળવો, રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઊઠી જવું, ખાવામાં ભાવતી કંઈક વસ્તુ છોડવી; આવા જે આપણે ભગવાનમાં પ્રેમ કરવામાં નડતા હોય તેવા ત્યાગ સંબંધી નિયમ લઈ શકાય.
આ વખતે ચતુર્માસમાં એક અનેરો દુર્લભ અવસર છે અધિક માસનો અને એમાંય આ વખતે ૧૨ મહિનામાં જે ભજન-ભક્તિ માટેનો શ્રેષ્ઠ માસ શ્રાવણ મહિનો કહેવાય છે તે અધિક માસ તરીકે આવવાનો છે અને તેમાં પણ પૂ.ગુરુજી કૃપા કરીને આપણા માટે ભજનયાગ ગોઠવવાના છે.
તો આવો સાંભળીએ તે વાત પૂ.ગુરુજીના જ મુખે....
આપણે અને આપણા ઘરના દરેક સભ્ય આવી સોનેરી તક ઝડપી ભજનયાગમાં પોતાને અનુકૂળ હોય તેવા કોઈ નિયમો લઈને મહારાજ અને પૂ.ગુરુજીને રાજી કરીશું.
ઘરના મોભીએ ઘરના દરેક સભ્યોનું ભજનયાગમાં નિયમ લેવડાવવાનું, ચાર્તુમાસમાં ભગવાનમાં જાેડાવા સંબંધી તેમજ વિષયનાં ત્યાગ સંબંધી નિયમ લેવડાવવા. છેલ્લે પ્રસાદ આપીને સભાની પૂર્ણાહુતિ કરવી.