
વહાલા ઘનુ મહારાજ અને પૂ.ગુરુજીનો ખૂબ લાડલો અને આજ્ઞાકારી બાળક એટલે પૂજન. નડિયાદમાં રહેતા નિષ્ઠાવાન યુવક અલ્પેશભાઈ જી. પ્રજાપતિના ઘરે તા.7/3/2015 ના રોજ નાનકડા બાળકનો જન્મ થયો. વહાલા ગુરુજીએ તે બાળકનું નામ પાડ્યું પૂજન. પૂ.ગુરુજીની મરજી મુજબ ‘વાલપનાં વેણ’ પુસ્તકના આધારે અલ્પેશભાઈ અને તેમના ધર્મપત્નીએ તેના સંસ્કારનું જતન કર્યું હતું. તેના પરિણામે પૂજન અઢી વર્ષનો હતો ત્યારથી જ,
ચાર જ વર્ષની નાની ઉંમરમાં પૂજનને કેન્સરનું નિદાન થયું. તેને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ઓપરેશન બાદ કિમોથેરાપી જવી પીડાદાયક ટ્રીટમેન્ટ દરમ્યાન પણ આ નાનકડો બાળક માતા-પિતાએ આપેલા સંસ્કારને કારણે મહારાજ અને સંતોના બળે આનંદમાં રહેતો અને તેના મમ્મીએ શીખવાડેલ આ દોહરો ગાયા કરતો.
बहु बली है ब्रह्मांड में, बलवान से बलवान ।
सबसे बलवान यही है, जिनका बल भगवान ।।
ડૉક્ટર કે નર્સને પહેલાં ‘જય સ્વામિનારાયણ’ કરે, પછી જ બીજી વાત કરતો. જ્યારે ઈન્જેક્શન આપવામાં આવે ત્યારે પણ રડતો નહીં અને માતા-પિતાએ શીખવ્યા પ્રમાણે કહેતો કે “હું રડીશ તો વહાલા મહારાજ અને પૂજ્ય ગુરુજીને નહીં ગમે.” પૂજનને જ્યારે બ્લડ ચડાવવાનું હોય ત્યારે તે બ્લડની બોટલ પણ પ્રસાદીની કરાવતો. એક્સ રે કઢાવતી વખતે પણ તે કંઠી કાઢતો નહીં.
મહારાજે કરેલી શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે તે ભગવાનને અર્પણ કર્યા વગર કંઈ જમતો નહીં કે પાણી પણ પીતો નહીં. જ્યાં મોટાનું મન પણ લલચાઈ જાય તેવી બહારની જમવાની આઈટમમાં આ નાનકડા બાળકનું મન સંયમિત રહેતું. તે ક્યારેય બહારનું જમતો નહીં. તેને સારું થયા પછી તે દરરોજ સાંજ મંદિરે ભગવાનનાં દર્શન કરવા જતો.
ક્દાચ કિંચિત કસર ટાળવા જન્મ લેવો પડ્યો હશે એટલે લોકડાઉન દરમ્યાન 2020 ના મે મહિનામાં પાંચ વર્ષની ઉંમરે તેને ફરી વખત કેન્સરનું નિદાન થયું. આ વખતે તેને બચવાની શક્યતા માત્ર ૨૦% જ હોવાથી ડોક્ટરોએ તેના માતાપિતાને ઘરે જ સેવા કરવાનું કહ્યું. દેહમાં પીડા વધે તો પણ તે ક્યારેય રડતો નહીં, મહારાજને યાદ કરી ધૂન કરતો. જ્યારે તેને ખબર પડી કે હવે મારે ધામમાં જવાનું છે, ત્યારે એણે પોતાનાં રમકડાં બીજાં બાળકોને આપી દીધાં. અને તેના મમ્મીએ શીખવાડેલ આ દોહો ગાવા લાગ્યો -
એમાંથી નંબર આપણો, લાગી ગયો છે આજ;
પસંદ કર્યા છે શ્રીહરિએ, કલ્યાણ કરવા કાજ.
પૂજનને તેમના મમ્મી-પપ્પાએ મહારાજની પ્રસાદીનો પણ ખૂબ મહિમા પાયો હતો. તેથી છેલ્લે એ માત્ર ગઢપુરથી આવેલ મહારાજની ચરણરજ અને પ્રસાદીનું જળ જ પીતો હતો. છેલ્લા દિવસોમાં તે સતત મહારાજનાં ચરિત્રો, કીર્તન, ધૂન, ૩D વચનામૃત અને શિક્ષાપત્રી સાંભળવાની ઈચ્છા કર્યા કરતો. તેને સંતોને જમાડવાની ખૂબ ભાવના હતી. તા.23/9/2020 ના રોજ પૂજન કહે, ‘પપ્પા પપ્પા, મારે વડતાલ હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરવા છે.’ તેથી તેના પપ્પા તેને નડિયાદથી વડતાલ દર્શન કરાવવા લઈ ગયા.
વડતાલ મંદિરના આ.કોઠારી પૂ.સંતવલ્લભદાસજી સ્વામીએ પ્રસાદીની નાડાછડી બાંધી હતી. તેમજ પૂ.ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળાએ શ્રીહરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. આવો લાભ મળતા પૂજન ખૂબ રાજી થયો હતો. પૂ.શ્યામવલ્લભદાસજી સ્વામીએ મંદિરમાં તથા આજુબાજુના પ્રસાદીના સ્થળોએ દર્શન કરવા માટેની ખાસ વ્યવસ્થા કરી આપી હતી. વડતાલધામમાં દર્શન કરીને આવ્યા પછી તા. 24/9/2020 ના રોજ સવારે મહારાજ તેમના લાડલા પૂજનને ધામમાં તેડી ગયા. વડતાલધામના નિષ્ઠાવાન પત્રકાર બાલુભાઈએ વોટ્સએપમાં આ વિશે ખૂબ સરસ લેખ વાયરલ કર્યો હતો.
બાળમિત્રો, આ નાનકડા બાળકની સમજણ અને સંયમ આપણે પણ શીખવા જેવા છે. આપણે પણ શ્રીજીમહારાજ અને પૂ.ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પૂજન જેવા ગુણો આપણામાં પણ આવે. તમે પણ પૂજન જેવી નિષ્ઠા અને ભરોસો રાખવા પ્રયત્ન કરશો ને..?
વહાલા ભક્તો ! આ પ્રસંગ એક સત્ય હકીકત છે. પૂ.ગુરુજી ઘણીવાર કહે છે કે ‘બાળકોને સારા સંસ્કાર આપો.’ આ સંસ્કારનો આદર્શ નમૂનો એટલે પૂજન. આપણે બધા આપણાં સંતાનોને સારા સંસ્કાર આપી વહાલા મહારાજ અને સંતોના રાજીપાના પાત્ર બનાવીએ...